શ્રીલંકામાં કટોકટી જાહેર કરી દેવાઈ

191

ઠેરઠેર પ્રદર્શન, સ્થિતિ બેકાબૂ : પહેલીવાર દેશમાં કાગળની એવી અછત સર્જાઈ છે કે પરીક્ષાઓ હાલ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરાઈ છે
નવી દિલ્હી,તા.૨
શ્રીલંકા હાલ આઝાદી બાદના સૌથી ખરાબ આર્થિક સમયમાંથી પસાર થઈ રહ્યું છે. સ્થિતિ એ હદે કથળી ગઈ છે કે હાલાત સંભાળવા મુશ્કેલ છે. આ બધા વચ્ચે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશમાં કટોકટી લાગૂ કરવાનો નિર્ણય લીધો. બહાર પાડવામાં આદેશમાં કહેવાયું છે કે દેશની સુરક્ષા અને જરૂરી સેવાઓની આપૂર્તિની સ્થિતિ મેનેજ કરવા માટે આ નિર્ણય લેવાયો છે. એક એપ્રિલથી જ કટોકટીનો આ નિર્ણય લાગૂ કરવા કરી દેવાયો છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે આ નિર્ણય એવા સંજોગોમાં લીધો છે કે જ્યારે શ્રીલંકામાં તેમની અને તેમની સરકાર વિરુદ્ધ દેશમાં વિરોધ પ્રદર્શન તેજ થઈ ગયુ છે. જ્યારથી શ્રીલંકામાં આર્થિક સંકટ પેદા થયું છે, દેશ દેવાળીયા થવાની કગાર પર આવી ગયો છે ત્યારથી રાષ્ટ્રપતિ વિરુદ્ધ લોકોનો ગુસ્સો ચરમસીમાએ છે. ગુરુવારે પણ તેમના ઘરની બહાર હિંસક પ્રદર્શન થયું. સ્થિતિ એવી વણસી કે પોલીસે પ્રદર્શનકારીઓ પર વોટર કેનનનો મારો કર્યો અને લાઠીચાર્જ પણ કર્યો. હિંક પ્રદર્શન પર રાષ્ટ્રપતિ રાજપક્ષેએ કહ્યું કે મારું માનવું છે કે આ શ્રીલંકામાં જાહેર ઈમરજન્સીની ઘટના હતી. એટલા માટે જરૂરી બની ગયું હતું કે એવા કડક કાયદા લાગૂ કરવામાં આવે જેનાથી સુરક્ષાદળોને શંકાસ્પદોને પકડવામાં અને તેમને અટકાયતમાં લેવા માટે વ્યાપક અધિકાર મળે. આ પ્રદર્શન માત્ર રાષ્ટ્રપતિના ઘર બહાર જ સિમિત નથી, શ્રીલંકામાં ઠેર ઠેર આવા પ્રદર્શનો થઈ રહ્યા છે. પોલીસ સાથે ઝપાઝપી થઈ રહી છે. અશ્રુગેસના ગોળા છોડવામાં આવી રહ્યા છે તથા માહોલ તણાવપૂર્ણ છે. હાલ શ્રીલંકા એક સાથે અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. વીજ સંકટે પણ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. જેને પગલે કલાકો સુધી લોકો અંધારામાં રહેવા માટે મજબૂર થયા છે. બસો અને વાણીજ્ય વાહનો માટે ફિલિંગ સ્ટેશનો પર હવે ડીઝલ જ નથી. અધિકારીઓ અને મીડિયા રિપોર્ટ્‌સ મુજબ શ્રીલંકામાં જાહેર પરિવહનની સેવાઓ ખુબ પ્રભાવિત થઈ છે. શિક્ષણ ક્ષેત્રે પણ શ્રીલંકામાં ગંભીર સ્થિતિ પેદા થઈ છે. પહેલીવાર દેશમાં કાગળની એવી અછત સર્જાઈ છે કે પરીક્ષાઓ હાલ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરાઈ છે. આ બધા પડકારોથી પરેશાન થઈને અનેક લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. તેઓ પોતાના હક માટે પ્રદર્શન કરી રહ્યા છે. કેટલીક જગ્યાએ શાંતિપૂર્ણ પ્રદર્શન થઈ રહ્યા છે તો ક્યાંક હિંસા પણ જોવા મળે છે. આ કારણે કોલંબો નોર્થ, કોલંબો સાઉથ, કોલંબો સેન્ટ્રલ અને નુગેગોડા પોલીસ ડિવિઝનમાં કરફ્યૂ લગાવવામાં આવ્યા છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરશિયાએ વિશ્વની પ્રથમ કોરોના માટે નોઝલ વેક્સિન તૈયાર કરી