દાંડીકૂચ ઐતિહાસિક : ૧૨ માર્ચ ૧૯૩૦ થી ૬ એપ્રિલ ૧૯૩૦ (પ્રેરણાસ્ત્રોત ઇતિહાસ )

70

હું કાગડાને મોતે મરીશ, હું કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ વિના આશ્રમમાં પાછો ફરવાનો નથી’, “નમક કા કાયદા તોડ દિયા.”, ગાંધીજીએ કહ્યું કે, “બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આથી લૂણો લગાડું છું”
નમક અથવા મિઠુ જેના વગર ભોજન સ્વાદ વગરનુ લાગે છે ફિકુ લાગે છે. ચપટી મિઠા વગર ભોજનનો કોઈ સ્વાદ રહેતો નથી, અટલે મિઠુએ ગરીબથી લઇ તવંગર સુધી બધાની જીવન જરૂરી પાયાની વસ્તુ છે, આપણે જ્યારે પ્રાચિન ભારતનો ઇતિહાસ જોઈએ તો તેમા પણ મિઠાના ઉત્પાદનને ખુબ મહત્વ આપવામા આવ્યુ છે, મૌર્ય શાસન દરમ્યાન પણ લવણાધ્યક્ષ નામનો એક હોદ્દો જોવા મળે છે જે લવણ (મીઠુ)ના ઉત્પાદન તથા વેચાણના વ્યવસાયોનુ સંચાલન કરતો હતો. અત્યારે મિઠુ ગરીબના ઝુપડાથી લઈ મહેલોમા દરેક ઘરે જોવા મળે છે, પરંતુ બ્રિટિશ શાસન દરમ્યાન આ મિઠુ ગરીબ ભારતીયો માટે એક સ્વપ્ન સમાન બની ગયુ હતુ, આ જીવન જરૂરી મિઠા ઉપર ગોરી સરકારે ભારે કર લગાવી સામાન્ય કિંમતનુ મિઠુ અતી મોંઘુ બનાવી દિધુ હતુ.
અંગ્રેજ શાસકોએ મીઠાના ઉત્પાદનને સરકારી ઈજારાશાહી હેઠળ લઈને તેના પર ભારે કર લાદવાની શરૂઆત કરી. આ અન્યાયી કર સામે મહાત્મા ગાંધીએ સવિનય કાનુન ભંગની દેશવ્યાપી ચળવળના ભાગ રૂપે નમક કાનૂન તોડવા અને અગાઉની જેમ પ્રજા પોતાની મેળે મીઠું ઉત્પાદન કરે એ માટેની જાગૃતિ આણવા માટે દાંડીકૂચનું આયોજન કર્યું ગાંધીજીની આ ઐતિહાસિક કૂચ. ભારતના સ્વાતંત્ર્ય આંદોલનના ઇતિહાસમાં ઇ.સ.૧૯૩૦ના વર્ષમાં બ્રિટિશ શાસનના અસ્તિત્વને પડકારવા આપનાર હતી આ દાંડીકૂચ ગાંધીએ ૭૮ સાથીઓ સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી ૧૨ માર્ચ ના રોજ શરૂઆત કરી હતી તે ૨૪૧ માઈલ (લગભગ ૩૮૬ કિમી)ના અંતરે સૂરત જીલ્લાના નવસરી દરિયાકિનારે આવેલા દાંડી ગામ સુધી પગપાળા કૂચ કરીને મીઠું પકવવાના સરકારના કાયદાનો ૬ એપ્રિલ. ૧૯૩૦ માં ભંગ કર્યો હતો
જવાહરલાલ નહેરુના પ્રમુખપદે લાહોરમાં કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન મળ્યું.તેમાં કૉંગ્રેસનું ધ્યેય સાંસ્થાનિક સ્વરાજને બદલે પૂર્ણ સ્વાતંત્ર્ય મેળવવાનિ ઠરાવ પસાર થયો અને તે પ્રાપ્ત કરવા લડત ચલાવવાની સત્તા ગાંધીજીને આપવામાં આવી. ૨ જાન્યુઆરી ૧૯૩૦ની કૉંગ્રેસની કારોબારી સમિતિમાં ઠરાવ કરવામાં આવ્યો કે ૨૬મી જાન્યુઆરી ૧૯૩૦નો દિવસ સમગ્ર દેશમાં ’પૂર્ણ સ્વરાજ દિવસ’ તરીકે ઊજવાશે. ગાંધીજીના જાહેરનામામાં અહિંસક રીતે ના-કરની લડત સહિત સવિનય કાનૂનભંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કૉંગ્રેસ કારોબારી સમિતિની એક બેઠક ૧૫મી ફેબ્રુઆરી ૧૯૩૦ને દિવસે સાબરમતી આશ્રમમાં મળી. તેમાં ગાંધીજીના નેતૃત્વમાં સંપૂર્ણ શ્રદ્ધા વ્યક્ત કરીને ઠરાવ દ્વારા ગાંધીજીને સંપૂર્ણ સત્તા આપવામાં આવી. તે સવિનય કાનૂનભંગની લડત શરૂ કરે તે વખતે કૉંગ્રેસના બધા સભ્યો તેમને સહકાર આપશે અને સંપૂર્ણ શાંતિ જાળવશે એવી શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી.
ગાંધીજીએ સવિનય કાનૂનભંગની લડત માટે મીઠાના અગરો ઉપર જઈ ચપટી મિઠુ લઈ મિઠાના અન્યાયી કાયડો તોડવાની યોજના વિચારી અને વાઇસરૉય લૉર્ડ ઇર્વિનને પત્ર લખી પ્રજાને પડતી હાડમારીઓનું વર્ણન કર્યું, અને જો વાઇસરૉય તે દૂર ન કરે તો ૧૨મી માર્ચે આશ્રમના પોતે પસંદ કરેલા સાથીઓ સાથે તે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા લડત કરશે તેમ જણાવ્યું પરંતુ પત્રનો જવાબ વાઇસરૉયના ખાનગી મંત્રીએ માત્ર ઔપચારિક રીતે આપ્યો તેથી દાંડીકુચ નું આયોજન કર્યું, અને સમગ્ર ભારતભરમાં વ્યાપક પ્રમાણમાં જાગૃતિ પેદા થાય. તે માટે સરદાર પટેલ અને કલ્યાણજી મહેતાએ ગાંધીજી ને પોતાના વિચારો પ્રગટ કર્યા આ વિચારો ગાંધીજીએ સ્વીકારીયા. આમ આ યાત્રા ના સ્થળપસંદગી માટે કલ્યાણજી મહેતા, નરહરિ પરીખ અને લક્ષ્મીદાસ દિહેણ કરાડી, દાંડી, તીથલ તથા ઉદવાડાની મુલાકાત લીધી અને છેવટે દાંડીની પસંદગી કરી
ગાંધીજી ૧૨મી માર્ચ પહેલાં સાબરમતી આશ્રમની પ્રાર્થનાસભામાં સંબોધન કરતા તે સાંભળવા લોકોની મોટી સંખ્યા ભેગી થતી. ગાંધીજીએ તેમનાં ભાષણોમાં સવિનય કાનૂનભંગના કાર્યક્રમ ની રૂપરેખાઆપી. દાંડીકૂચના આરંભ પૂર્વે ગાંધીજીએ સૌ સત્યાગ્રહીઓને ચેતવેલા. યાદ રાખજો આ જિંદગીભરની ફકીરી છે, મહા-ધર્મયુદ્ધ છે ૩૮૬ કિમીનો માર્ગ પગપાળા કાપી દુનિયાભરમાં અંગ્રેજ શાસનના અન્યાયી પગલાની જેહાદ જગાવવાની છે.
મહાત્મા ગાંધીએ ૧૨ માર્ચ ના રોજ આરંભેલી સભામાં કહેલુ મીઠાનો કર તો હવે જવો જ જોઈએ. આશ્રમથી ઠેઠ ચંડોળા તળાવ સુધી માણસોની ભીડ ભેગી થઈને અમને આશીર્વાદ આપે છે એ શુભ ચિહ્ન છે. એક પગથિયું જ ચડી શકીએ તો સ્વાતંત્ર્ય-મહેલનાં બીજાં પગથિયાં ફટાફટ ચડી જઈશું.
મારો માર્ગ મને સ્પષ્ટ સૂઝે છે. મને સરકાર છૂટો રહેવા દે ત્યાં લગી મારે તો મીઠા વિશેના સરકારના રાક્ષસી કાયદાનો ભંગ કરી મીઠા વેરો રદ કરાવવો છે, ને સ્વરાજનું પહેલું પગથિયું ચડવું છે અથવા તેમ કરતાં મરણપર્યંત લડવું છે. બીજા પણ તે જ કરે આવી એક રથાણ અને ભાટગામની સભામાં ગાંધીજીએ કહ્યુ ભીષ્મપ્રતિજ્ઞા કરી કે ‘હું કાગડાને મોતે મરીશ, હું કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ વિના આશ્રમમાં પાછો ફરવાનો નથી’
સરદાર પટેલ સમગ્ર દાંડીકૂચના આયોજક હતા એટલે મહાત્મા નચિંત હતા. ૭ માર્ચ ૧૯૩૦ના રોજ વલ્લભભાઈની રાસ ગામેથી પહેલી વારની ધરપકડ થઇ. એમને સાબરમતી મધ્યસ્થ જેલમાં રખાયા. સરદારે ભાષણ કરવાનો ગુનો કર્યો નહોતો છતાં તેમને ત્રણ મહિનાની કેદ અને ૨૫૦૦નો દંડ ની સજા થઈ. ગાંધીજીએ એને શુભ શુકન ગણાવ્યા.હવે લડત શરૂ થઇ છે. તે અંત સુધી લડવાની છે. સરદારની ધરપકડને તેમણે પૂર્ણ સ્વરાજનું પહેલું પગથિયુ ગણાવ્યું.દાંડીકૂચ દરમિયાન ગાંધીજી જે રૂટ પરથી પસાર થવાના હતા તે નક્કી કરેલા ગામડામાં ગાંધીજી રાત વાસો કરતા ત્યાં એક સભાનું આયોજન કરવામાં આવે છે જે ગામમાં ગાંધીજી ની સભા નું આયોજન કરવામાં આવેલ હોય તે ગામનો સર્વે કરવામાં આવતો હતો.
ગામની સ્થિતિ કેવી છે ગામમાં અસ્પૃશ્ય લોકો વગેરે બાબતો સમાવિષ્ટ હતી આ ગૂજરાત વિદ્યાપીઠની “અરુણ ટુકડી”એ કૂચના માર્ગમાં આવતાં ગામોમાં આગોતરા પહોંચીને વ્યવસ્થા સાથે જ ગામના સર્વે કરીને બાપુને માટે સઘળી માહિતી તૈયાર રાખીસભામાં ગાંધીજી લોકોમાં જાગૃતિ કેમ આવે તે માટે લોકોને સમજાવતા અંગ્રેજોના ક્રૂર અને અત્યાચારી શાસન વ્યવસ્થાની વિગતે માહિતી આપી અહિંસક રીતે અંગ્રેજોને ભારતમાંથી બહાર કરવા તે માટે આમ જનતાને સંદેશ આપતા હત આ યાત્રા ગાંધીજીએ ૨૪ દિવસ પગપાળા ચાલી પૂર્ણ કરેલ હતી જેના કારણે લોકોમાં ખૂબ જ જાગૃતિ આવી હતી સ્વાધીનતાની ચળવળ હવે આમ જનતાની ચળવળ માં બદલાઈ ગઈ હતી ભારતનો એક એક નાગરિક સ્વાધીનતા ઝંખતો હતો તેના માટે તન મન ધન અને શહાદત લેવા પણ તૈયાર હતો. ૬ ઠ્ઠી એપ્રિલે સવારે ૬ઃ૦૦ વાગ્યે સમુદ્રસ્નાન કરીને ૬ઃ૩૦ વાગ્યે ગાંધીજીએ સમુદ્રકાંઠે મીઠાની ચપટી ભરી અને હજારો લોકોનો ગગનભેદી નાદ ગાજી ઊઠ્‌યો, “નમક કા કાયદા તોડ દિયા.” એ ચપટી ભરતાં ગાંધીજીએ કહ્યું કે, “બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આથી લૂણો લગાડું છું”એકવીસમી સદીમાં દાંડી એ રાષ્ટ્રીય તીર્થ બન્યું છે. દેશના ઇતિહાસમાં તે અભૂતપૂર્વ સ્થાન ધરાવે છે. એન્વાયરન્મેન્ટ પ્રૉટેક્શન ઍક્ટ – ૧૯૮૬ હેઠળ દાંડીને ઇકૉ-સેન્સેટિવ ઝોન બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. એથી દાંડી અને તેની આસપાસનાં ગામોના વિકાસ અને પર્યાવરણની સુરક્ષા માટે કામ કરતી સંસ્થા સોસાયટી ઑફ ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ મૅનેજમેન્ટ, ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાત ઇકૉલૉજી કમિશનના ઉપક્રમે આ પરિયોજનાનો પ્રારંભ કરાયો છે.

– ડો.જીતેશ એ.સાંખટ

Previous articleમેચ દરમિયાન રોહિત શર્મા ખેલાડીઓને ગાળો ભાંડે છે : ઈશાન કિશન
Next articleકોઇ પણે મુદે વૃધ્ધ દંપતીની જેમ લડતે રહો!!!