ગોરધન કોની સાથે રહેશે.??

49

ભારત દેશમાં લગ્ન એ સોળ સંસ્કાર પૈકીનો અગત્યનો અને અનિવાર્ય સંસ્કાર છે. લોકો લગ્ન સંસ્થાની અનિવાર્યતા, લગ્નના ઘસાતા જતા મૂલ્યો, લગ્નેતર સંબંધોમાં થતા તોતિંગ વધારા વગેરે બાબતો અંગે બ્રેઇન સ્ટ્રોમિંગ કરે છે. સમુદ્રમંથન જેવું . પણ રત્નો મળે છે કે પથરા એ અલગ બાબત છે. લગ્ન કર્યા પછી ઘણા લોકોને લગ્ન નિરર્થક લાગે છે. જીંદગી ધૂળધાણી કરવા જેવી લાગે છે!! વાસ્તવમાં લગ્ન એ લક્કડ કે લડું છે. ખાનારો પસ્તાય છે . ન ખાનારો ખાવા ( પસ્તાવો કરી શકાય તે માટે ખાવા ધસે છે .)માટે ધસે છે.
હજી ઘણા કિસ્સામાં લગ્ન વર સાથે નહીં ઘર સાથે થાય છે. મતલબ કે લગ્ન એ બે કુટુંબો વચ્ચેનું બોન્ડિંગ છે. ઘણા વરરાજા કે દુલ્હન લગ્ન સમયે કે સુહાગરાતના સમયે પરસ્પરના મુખકમળ કે મુખબાવળ અપલક નજરે નિહાળે છે. સગાઈ કે વેવિશાળ પહેલાં વિવાહોત્સુક કન્યા- કુમાર મળે, પ્રશ્રોતરી કરે એ આકાશકુસુમવત ભાસે છે. સગાઈ અને લગ્ન વચ્ચેનો સમયગાળો ગોલ્ડન પિરિયડ હોય છે. જેમાં વચનો, સ્નેહ, ઉપહારની આપલે? થાય છે.!! લગ્નમાં ગમે તેવું પાત્ર મળે તો પડ્યું પાનું નિભાવવાની પ્રથા અદ્યપિ અમલમાં છે. છોકરીની ડોલી પિયરથી ઉઠે અને અર્થી સાસરેથી ઊઠે એ પરિસ્થિતિની કામના કરવામાં આવે છે. દહેજની અપેક્ષા અને વાસ્તવિક પરિસ્થિતિના તફાવતમાં કેટલી કોડીલી કામણગારી કન્યાની જીંદગી કટિપતંગ જેવી થઇ જાય છે. ઊંડા વાવ, કૂવા, તળાવોની ઊંડાઈ આવી કમભાગી કન્યામાં કારણે ઓછી થાય છે!! નિકાહ અને લગ્નમાં તફાવત છે. લગ્ન સંસ્કાર છે. નિકાહ કાનૂની છે. નિકાહ કરાર છે. જેમાં મહેરના રકમરૂપી અવેજ છે. લગ્ન સાત ભવનો સાથ છે. નિકાહમાં તેવું શક્ય નથી.
લગ્ન કર્યા પછી પતિ ઘણી બાબતોમાં પત્નીની સંમતિ કે અસંમતિની પરવા કરતા નથી. યુધિષ્ઠિર દ્યુતક્રીડામાં રાજ્ય, સંપતિ, સોનું ચાંદી,ઝરઝવેરાત હારી ગયા પછી દ્રૌપદીને દાવ પર લગાડી હતી. રામ ભગવાને સીતાજીને અગ્નિપરીક્ષા આપવા ફરમાવ કરેલ હતું!!
પતિ , પત્ની અને વોહ. અદ્ભૂત ત્રિકોણ. હરિ અનંત , હરિ કથા અનંતા ન્યાયે પ્રણય ત્રિકોણના કિસ્સા ગળચટા લાગે છે. આવા કિસ્સા પર લોકો એટલું મીઠું મરચું ભભરાવે છે એટલું તો તેનું ઉત્પાદન થતું નથી. વાર્તા, નવલકથા સિરિયલોમાંથી આ તંત્રની બાદબાકી કરવામાં આવે તો ફિલ્મો ખીચડી જેમ ફિક્કુંફસ થઇ જાય! જો કે, આવા કિસ્સામાં સત્ય જાણ્યા સિવાય લોકો પત્નીનો પક્ષ લે છે. વોહના ભાગે પરાજયબોઘ, અધિકારહીનતા અને મફતની ભરપૂર બદનામી સાંપડે છે.
થોડા સમય પહેલાં એક મ્યાનમાં બે તલવાર ન રહે તે કહેવત-ઉક્તિને ખોટી ઠેરવે તેવી ઘટના બની હતી.
આપણા સમાજમાં એડલ્ટરી કે પતિ, પત્ની અને વોહ ઠીક ઠીક પ્રમાણમાં વ્યાપ્ત છે. ઘણીવાર નાની બેન મોટીબેનના સંસારમાં પલીતો ચાંપે છે. ગુરૂદતે પતિ, પત્ની અને વોહ ની પરિસ્થિતિ દર્શાવતી સિનેમા બનાવી છે. સિલસિલામાં હકીકતલક્ષી પ્રણયત્રિકોણ અફલાતૂન રીતે પિકચરાઇઝ કરાયું છે. આ સંબંધોમાં વોહને સામાજિક, આર્થિક , માનસિક અને શારીરિક સહન કરવું પડે છે. દરેકને લગ્નતેર સંબંધમાં લપેટાવું છે, પરંતુ, જવાબદારી ઉઠાવવી નથી.આપણે ત્યાં કહેવાય છે કે એક મ્યાનમાં બે તલવાર રહે નહીં. એનો મતલબ કે પત્ની અથવા વોહ પુરૂષમાંથી રવાના થવું પડે!!
હમણા એક બનાવ બન્યો.અમદાવાદના પરિણીતને એક છમકછલ્લો સાથે આંખ અને દિલ મળી ગયા. પ્રેમિકા સધ્ધર હશે એટલે પ્રેમીને પ્રેમ કરવાનો દરમાયો આપતી હતી.યુવાનને ધંધામાં દેવું થઇ ગયું હતું.પ્રેમિકાના પૈસાથી દેવું અને હદયનો ખાલપો ભરાતો હતો. પત્નીને પતિના બહારના પ્રેમરોકાણની ખબર પડી. પતિએ સમજાવ્યું કે પ્રેમિકા દેવું ભરવામાં મદદ કરે છે. પત્નીએ કહ્યું કે દેવું ભરાય ત્યાં સુધી સંબંધ ચાલું રાખો!!
બોલો કહેવત ખોટી પાડી! કામચલાઉ ધોરણે એક મ્યાનમાં બે તલવાર સમાઇ ગઇ!!
બીજા એક બનાવ રસપ્રદ છે. એક બેન બ્યુટી પાર્લર ચલાવે છે. તેને એક યુવક સાથે પ્રેમ થયો. મહિલાને ખબર હતી કે તેના પ્રેમીએ પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા નથી પ્રેમમાં અંધ બનેલી મહિલાએ નવ મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ જાણવા મળ્યું હતું તેના પતિ પ્રથમ પત્ની સાથે હરવા ફરવા જાય છે.
જેથી પરિણિતાએ પતિએ પૂછ્યું તો તેણે કહ્યું કે મારે દેવું થઇ ગયું છે તું તારા પિતાના ઘરેથી રૂપિયા પાંચ લાખ લાવી આપ તો તેને રાખીશ.જો મને પ્રથમ પત્ની રૂપિયા આપશે તો હું તેની સાથે રહીશ.
બોલો, હવે પેલો ગોરધન કોની સાથે રહેશે.??
– ભરત વૈષ્ણવ

Previous articleમાંડવા ગામે ભાગવત સપ્તાહ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે