મધ્યપ્રદેશથી સાયકલ પર ભારત યાત્રા માટે નીકળેલો યુવક 15 હજાર કિમી કાપી ભાવનગર પહોંચતા સ્વાગત કરાયું

94

મેહુલ લાખાણીનું ભાવનગરની ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
મધ્ય પ્રદેશથી પ્રસ્થાન કરીને ભારત યાત્રા માટે નીકળેલા મેહુલ લાખાણી યુવક આજે શનિવારના રોજ ભાવનગર ખાતે પહોંચ્યા હતા. તેમણે 21 જૂન, 2021 યોગ દિવસે મધ્ય પ્રદેશના નર્મદા પુરમથી ભારત ભ્રમણ સાયકલ યાત્રાની શરૂઆત કરી હતી. જે સાયકલ યાત્રા મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, દમણ અને ગુજરાતના પ્રમુખ તીર્થ સ્થળો પર ફરી 15 હજાર કિમી કાપી આજે ભાવનગર ખાતે આવી પહોંચી હતી, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ યુવાને ભારત સાયકલ યાત્રા દરમ્યાન લોકોને જાગૃત કરવાનું, ભારતીય સંસ્કૃતિની જાણકારી લેવાનું તેમજ સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓને યોગ વિષે જાગૃત કરવાનું કામ હાથ ધર્યું છે. મેહુલ હરેશભાઇ લાખાણી જે ભારત યાત્રા પર નીકળેલ છે, જેમનો મુખ્ય ઉદેશ ભારતીય સંસ્કૃતિ, યોગ અને ભારતદેશનાં લોકો નિરોગી અને સ્વસ્થ રહે અને વધારેમાં વધારે યોગ નો પ્રચાર થાય તે માટે આ યુવાને સાયકલ યાત્રાનું આયોજન કર્યું છે.

ભાવનગર રેડક્રોસ તેમજ તેજસ્વી સ્કૂલ ખાતે મુલાકાત લઈને તેમણે પ્રસાર-પ્રચારનું કામ કર્યું હતું, તેમજ ભાવનગર જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ, સાંસ્કૃતિક અને શૈક્ષણિક, ધાર્મિક પરિસ્થિતિનો પરિચય મેળવ્યો હતો. આ યાત્રામાં તેજસ્વી સ્કૂલના બાળકો તેમજ રેડક્રોસના વોલેન્ટિયર જોડાયા હતા તથા લોહાણા મહાપરિષદ દ્વારા પણ તેમનું સ્વાગત સન્માન કરાયું હતું. મેહુલભાઈ લાખાણી (સાયકલ યાત્રી)નું સ્વાગત તેમજ શુભેચ્છા આપવા માટે સુમિતભાઈ ઠક્કર(વાઇસ ચેરમેન, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી), ડો. મિલનભાઈ દવે (ચેરમેન, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી), વર્ષાબેન લાલાણી મંત્રી રેડક્રોસ, નિલેશભાઈ જીવરાજાણી, રાજેશભાઈ ઠક્કર, રવિભાઈ ચુડાસમા (તેજસ્વી સ્કૂલ), ભારતીબેન ચુડાસમા (તેજસ્વી સ્કૂલ), વિનયભાઈ કામળીયા ઉપસ્થિત રહેલ અને શુભકામના પાઠવેલ. તેમજ મેહુલભાઈ લાખાણીને ભાવનગરથી અલંગ જવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.

Previous articleભાવનગરમાં શક્તિ પીઠો મંદિરોમાં અષ્ટમી-નવમી તિથિ નિમિત્તે ઠેરઠેર નવચંડી હોમાત્મક મહાયજ્ઞનું આયોજન
Next articleસાળંગપુરના કષ્ટભંજનદેવ મંદિર ખાતે હનુમાન દાદાના દરબારને સૂર્યમંડળની જેમ શણગારવામાં આવ્યો