કોંગ્રેસ ચુંટણી ઢંઢેરા સાથે ભાજપની નિષ્ફળતા જાહેર કરતું બ્લેક પેપર પ્રસિધ્ધ કરશે : ચુંટણીની તાડામાર તૈયારીઓ

442

ભાવનગર સહિત રાજ્યભરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ માટે તમામ રાજકિય પક્ષોએ તાડામાર તૈયારીઓ શરૂ કરી દિધી છે. આગામી ફેબ્રુઆરી માસમાં ભાવનગર મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સહિતની સ્વરાજ્યની ચુંટણીઓ યોજાઇ તેવી શક્યતાઓ છે.ભાવનગર શહેર કોંગ્રેસ સમિત્તિ દ્વારા આગામી મહાનગર પાલિકાની ચુંટણી સંદર્ભે તેમજ ચુંટણી ઢંઢેરામાં સમાવેશ થતા પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ, તકલિફોને વાચા આપવા પ્રજાના પ્રશ્નોના નિરાકરણ લાવવા અને અગત્યના મુદ્દાઓ પ્રશ્નોનો કોંગ્રેસના ચુંટણી ઢંઢેરા (સંકલ્પ પત્ર)માં સમાવેશ કરવા અને જુદા જુદા મુદ્દાઓ નોંધવા માટે કોંગ્રેસમાંથી ચુંટણી લડેલા અને આગામી ચુંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો કોંગ્રેસના પદાધિકારીઓ, હોદ્દેદારો, જુદા જુદા સંગઠનના હોદ્દેદારોની આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિત્તિના કાર્યાલય ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના આગેવાનો વચ્ચે ચર્ચા વિચારણા અને પરામર્શ કરી ચુંટણી ક્યા મુદ્દે લડવી જોઇએ તે અંગે ચર્ચા કરવા એક અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરક્ષક રાજુભાઇ પરમાર, હિરેનભાઇ બેન્કર, નિમેશભાઇ શાહ, સહિતનાં કોંગી આગેવાનોએ માર્ગદર્શન આપ્યું હતું. તેમાં રાજુભાઇ પરમારે જણાવ્યું હતું કે, આગામી મહાનગર પાલિકાની ચુંટણી ઢંઢેરામાં કોંગ્રેસ પક્ષ દ્વારા સંકલ્પ પત્રની સાથે એક બ્લેક પેપર પણ જાહેર કરાશે જેમાં ગત પાંચ વર્ષમાં સત્તાધારી ભાજપ પક્ષે ચુંટણી વેળાએ આપેલા વચનો અને જાહેર કરેલા કામો થયા નહીં હોય તેનો ઉલ્લેખ કરાશે. કોરોના મહામારીમાં સરકારની નિષ્ફળતાઓ, ખેડુતોનાં કૃષિ કાયદા સહિતનાં પ્રશ્નો, નોટબંધી સ્થાનિક લેવલે નળ, ગટર, રસ્તા, લાઇટ, સહિતના પ્રશ્નો ભ્રષ્ટાચારનો મુદ્દો, ભરતી, કૌભાંડો, જાહેર કરાશે. રાજ્ય કક્ષાના પ્રશ્નો અને સ્થાનિક લેવલના અસરકારક પ્રશ્નો હવે ચુંટણી ઢંઢેરામાં સમાવેશ કરાશે. જેમાં ખાસ કરીને સ્થાનિક કોંગ્રેસના આગેવાનો એ રજુ કરેલા પ્રશ્નો અને સુચનોને ધ્યાન સમક્ષ રાખી કોંગ્રેસ પક્ષ ચુંટણી ઢંઢેરો જાહેર કરશે. આજે મળેલી કોંગ્રેસની બેઠકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, મ્યુની. વિપક્ષના પૂર્વ નેતા ભરતભાઇ બુધેલીયા, જયદિપસિંહ ગોહિલ, પૂર્વ નગરસેવકો, કોંગ્રેસના તમામ સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, ભાઇઓ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleરેલવે દ્વારા રસ્તો બંધ કરતા કોંગ્રેસ પક્ષે ડી.આર.એમને આવેદન પાઠવ્યું
Next articleબાર્ટન લાઇબ્રેરીનો આજે ૧૩૮મો સ્થાપના દિવસ