સૂચના અને પ્રસારણ મંત્રાલયના લોકસંપર્ક કાર્યક્રમને બહોળો પ્રતિસાદ

467

ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય, અમદાવાદ દ્વારા કોળીયાક ખાતે લોકમેળામાં લોકસંપર્ક કાર્યક્રમની સાથે પ્રદર્શનનું આયોજન કરાયું જેમાં લોકોનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે.હજારો લોકોએ આ પ્રદર્શનમાં સરકારની નવી નવી યોજનાઓ વિશે માહિતી મેળવી છે અને વિવિધ યોજનાના લાભ પણ લીધા છે.આ પ્રદર્શનમાં ખાસ ’સ્પષ્ટ ઇરાદા નિર્ણાયક પગલાં’ શીર્ષક સાથે વર્તમાન સરકારના પ્રથમ ૭૫ દિવસની કાર્યસિદ્ધિ તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓને રજૂ કરવામાં આવી જેની મોટી સંખ્યામાં ગ્રામીણ લોકોએ મુલાકાત કરી.પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓએ મુલાકાત કરી અને વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અને નવા સુધારાઓ કરાયા તેને બહેનો વધાવી રહી હતી. જેમકે મહિલા સુરક્ષા માટે ટ્રીપલ તલાકને નાબૂદ કર્યા,મહિલાઓ માટે વેતન સુનિશ્ચિત કર્યા સાથે વિવિધ વિવિધ ગૃહકામ માટે સરકાર સહાય કરી રહી છે અને મહિલાઓ તેના કારણે સ્વનિર્ભર બની રહી છે તે જણાવતા તેઓ પણ ગર્વ અનુભવી રહ્યા હતા અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા.મેળામાં રાજ્યભરમાંથી આવેલા ખેડૂતોએ ખેડૂતલક્ષી સરકારની યોજનાઓ વિશે માહિતી મેળવી.

સમગ્ર કાર્યક્રમમાં નો પ્લાસ્ટિક ના ઉદ્દેશ્ય સાથે લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવા માટે સમજણ આપી હતી અને લોકોને નો પ્લાસ્ટિકના સંદેશ લખેલી કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું, સાથોસાથ સ્વચ્છતાના સંદેશ સાથે ટોપી વિતરણ કરવામાં આવી.મંચ પરથી લોકો સાથે સીધી વાતચીત કરીને પ્રશ્નોત્તરી કરવામાં આવી અને વિજેતા થનારને વિભાગ તરફથી પુરસ્કૃત કરાયા.નાટકની ટીમે વિવિધ વિષયો પર નાટક રજૂ કર્યા અને લોકોને સરકારના વિવિધ કેમ્પેઇન ચાલે છે તેની માહિતી આપી અને યોજનાઓનો ફાયદો કેટલો બધો છે તેને નાટકમાં વણી લઈ લોકોને જાગૃત કર્યા. પ્રદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવેલા જેમાં બેંકની સાથે જોડાયેલી વિવિધ સુવિધાઓ વિશે, સંકલિત બાળ વિકાસ સેવા યોજના વિભાગ તરફથી પોષણ અભિયાન અંતર્ગત પૌષ્ટિક આહાર શેમાંથી મેળવી શકાય તે જણાવ્યું હતું, હેલ્થ વિભાગ તરફથી આયુષ્માન ભારત યોજનાનો લાભ લેવા વિગતો પૂરી પાડી હતી અને ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને કિસાનલક્ષી યોજનાઓ જેમ કે કિસાન માનધન યોજના, પાકનો વીમો કેવી રીતે મેળવવો તેની જાણકારી પૂરી પાડવાની સાથે ખેડૂતોને ફોર્મ વિતરણ કર્યા. પ્રદર્શનમાં ખાસ ગાંધીબાપુના જીવનની તસવિરી ઝલક અને તેમના જીવનના યાદગાર પ્રસંગો વિગતો સાથે પ્રદર્શિત કર્યા હતા સાથે સેલ્ફી વિથ મહાત્મા અને સેલ્ફી વિથ પીએમ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા.

ઉલ્લેખનીય છે કે આ પ્રકારે પ્રથમ વખત કોઈ લોકમેળામાં કેન્દ્ર સરકાર દ્વારા  લોકસંપર્ક કાર્યક્રમ પ્રદર્શનનું આયોજન કરાયું જેને ગ્રામીણ લોકોનો ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે અને સરકારશ્રીનો આભાર વ્યકત કરતા કહ્યું કે આ પ્રકારના આયોજનથી માહિતી અને લાભ બંને મળે છે.સાચા અર્થમાં આ લોકસંપર્ક કાર્યક્રમનો હેતુ સાર્થક થયો છે.

 

Previous articleરાણપુરમાં શ્વેતાંબર જૈન સંઘ દ્રારા મહાવીરસ્વામી જન્મ વાંચનની ઉજવણી
Next articleમ્યુ. સ્ટેન્ડીંગ કમિટિની મળેલી બેઠકમાં મોટાભાગના તુમારો સર્વાનુમતે મંજુર