પાલીતાણાની ડુંગરપુર પ્રાથમિક શાળામાં જ્યોતિરાવ ફુલેની જન્મ જયંતિની ઉજવણી કરાઈ

50

શિક્ષણ સહિતમાં જ્યોતિરાવ ફુલેના યોગદાન વિશે બાળકોને જાણકારી આપવામાં આવી
આજે ભારતના સામાજિક સુધારક અને શિક્ષણના મશાલચી એવાં મહાત્મા જ્યોતિબા ફુલેની જન્મ જ્યંતિ છે. આ મહાન સમાજ સુધારકના કાર્યોને યાદ કરવાં અને નવી પેઢી તેમના સ્વાર્પણ અને સમર્પણથી જ્ઞાત થાય તેવાં ઉમદા આશયથી ભાવનગરની પાલીતાણાની ડુંગરપુર પ્રાથમિક શાળામાં જ્યોતિરાવ ફુલેની જન્મ જયંતિની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ડુંગરપુર ગ્રામ પંચાયતના સરપંચ ભીમજી ડાભીએ ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે, તે જમાનામાં કે જ્યારે શિક્ષણનું એટલું મહત્વ નહોતું ત્યારે જ્યોતિરાવ ફુલેએ તેની મહત્વતા પારખીને શિક્ષણને મહત્વ આપ્યું હતું. આપણે આ મહામાનવમાંથી શીખ લેવી જોઇએ તેવી સમજણ પણ તેમણે વિદ્યાર્થીઓને આપી હતી.

આ અંતર્ગત ચિત્ર, નિબંધ, ક્વિઝ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં જ્યોતિરાવ ગોપાલરાવ ફુલે વિશે બાળકોને આચાર્ય દ્વારા વિસ્તૃત વિગતો સાથેની જાણકારી આપવામાં આવી હતી. તેઓએ કરેલી કામગીરી, સૌને સમાન શિક્ષણ, સૌને માટે સમાન તકોનું નિર્માણ, વિધવા પુનર્લગ્ન પ્રોત્સાહન, બાલવિવાહનો વિરોધ, સ્ત્રી અને પુરુષ જેવાં લિંગભેદ, જાતિભેદ વગેરે બાબતોમાં જ્યોતિરાવ ફુલેના યોગદાન વિશે આચાર્ય દ્વારા બાળકોને જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવાં શાળાના ગજ્જર વિક્રમભાઈ અને મેર ભગવાનભાઈ દ્વારા ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આશાબેન અને હિરલબેન દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદ્માબેન અને કૈલાસબેન દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રોશનબેન અને હેતલબેન દ્વારા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જીવરાજભાઈ, ચિંતનભાઈ અને અશોકભાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને અંતે સ્પર્ધામાં ભાગ લીધેલ અને વિજેતા બનેલ દરેક બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપી સન્માનીત કરવામાં આવ્યાં હતાં.

Previous articleભાવનગર શહેર ભાજપ અનુસૂચિત જાતી મોરચા દ્વારા જ્યોતિબા ફૂલેજીની જન્મ જયંતિ નિમિતે સેવાકાર્ય.
Next articleભાવનગરના ચિત્રા ખાતે ધર્મસભા, અભિવાદન સમારોહ અને સંતવાણી કાર્યક્રમનું આયોજન