ભાવનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી, પ્રજાકીય સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ લાવવાં સૂચના

63

દરેક તાલુકામાં પાણી સમિતિની બેઠક દર અઠવાડિયે મળે તેની પણ કલેક્ટરે સૂચના આપી
ભાવનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી, જેમાં જીલ્લા ધારાસભ્યો, પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ભાવનગરમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. જેમાં ગારીયાધાર ધારાસભ્ય કેશુ નાકરાણી, તળાજાના ધારાસભ્ય કનુ બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલે રજૂ કરેલાં બીનઅધિકૃત દબાણો, પાણીની વ્યવસ્થા, જમીન માપણી, રોડ, રસ્તાઓ, વિજળી, બાંધકામ વગેરે બાબતોને લગતા પ્રશ્નોની જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી.

અત્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે જિલ્લામાં પાણીની કોઇ પણ પ્રકારની સમસ્યા ના સર્જાય અને દરેક તાલુકામાં પાણી સમિતિની બેઠક દર અઠવાડિયે ચોક્કસ મળે અને જે તે તાલુકાના પ્રશ્નો તાલુકા સ્તરે જ ઉકેલાય તે માટે જિલ્લા અને તાલુકાના અધિકારીઓને કલેક્ટરે સૂચના આપી હતી. આ બેઠકમાં ભાવનગર જિલ્લામાં પંચાયત અને સ્ટેટના ગેરંટીવાળા રોડના પ્રશ્નોના નિરાકરણ, મહી પરિએ જ યોજના, સિહોર આરોગ્ય કેન્દ્રમાં સોનોગ્રાફી મશીની ખરીદી, જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા તેમજ ઓવરલોડ ટ્રકોની તપાસ હાથ ધરવા, ગારીયાધાર, જેસર, મહુવા તાલુકામાં ખાણ ખનીજ વિભાગની ગ્રાન્ટ વપરાશ, સિંચાઈ યોજના હેઠળ મહુવા, જેસર તાલુકાના છેલ્લાં ત્રણ વર્ષમાં મંજૂર થયેલા ચેકડેમો તથા તેની પ્રગતિ, સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ, ખાદ્ય પદાર્થોની ચકાસણી વગેરે પ્રશ્નોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, રોડ, રસ્તા, ગટર, પાણી વગેરે જેવાં પ્રશ્નો સામાન્ય નાગરિકો સાથે સીધી રીતે જોડાયેલાં હોય છે, ત્યારે તેનો ઝડપથી અને સકારાત્મક ઉકેલ આવે તે જરૂરી છે. આ કામોમાં ઝડપ લાવવી સત્વરે પૂર્ણ કરવા માટે તેમણે ઉપસ્થિત અધિકારીઓને સૂચના પણ આપી હતી. ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવાં ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં કલેક્ટરે તમામ કચેરીઓના વડાઓને દર માસે ATR (એક્શન ટેકન રિપોર્ટ) તેમજ પડતર પ્રશ્નોનાં નિકાલ અંગે કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપી હતી. ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, ભાવનગર શહેરી વિકાસ સત્તામંડળના ડામોર, જિલ્લા પોલીસ વડા ડો.રવિન્દ્ર પટેલ, પ્રોબેશનર આઈ.એ.એસ. જયંત માનકલે, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ, એ.એસ.પી. સફિન હસન, પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleઅડાલજમાં અન્નપૂર્ણાધામનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ધાટન
Next articleમધ્યાહ્નન ભોજન કરી બાળકો ગામના તળાવે થાળી ધોવા જતા નજરે પડ્યા, આચાર્યે કહ્યું, – પાણીની મોટર બળી ગઈ છે