દિવાળી ટાણે પીએમ મોદી ભાવેણાવાસીઓને ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસની ભેટ ધરવા ઈચ્છુક

769
bvn2692017-18.jpg

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી દિવાળી પર્વ પર ભાવનગરવાસીઓને ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસની ભેટ ધરવા ઈચ્છે છે પરંતુ જેના શીરે પ્રોજેક્ટ નિર્માણની જવાબદારી છે તે કંપનીના કાન ઢીલા હોય સૌથી અગત્યના એવા લીંકસ્પાનનું જોડાણ બાકી હોય આથી વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર ન બને તેવી શક્યતાઓ પ્રબળ બની છે.
એક બાદ એક માસ વિતતા આજે ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ નિર્માણ કાર્યને ૬૯ માસ જેવો ખાસ્સો સમય વિતવા છતાં નિર્માણ કાર્ય પૂર્ણ થયું નથી. ભાવનગરના ભાગે કાયમી ધોરણે અન્યાયનો કડવો ઘુટડો જ ભાગમાં આવ્યો છે. જે બાબત આ મુદ્દામાં પણ યથાર્થ સાબીત થાય છે. ફેરી સર્વિસ નિર્માણ કાર્યના અંતિમ તબક્કાના કામમાં પણ પ્રથમ દહેજને ન્યાય અપાયો પોન્ટુનનું જોડાણ અને લીંકસ્પાનની સૌપ્રથમ વ્યવસ્થા દહેજ ખાતે કરવામાં આવી પરંતુ ઘોઘાને અન્યાય કરવામાં આવી રહ્યો છે. ઘોઘા ખાતે તમામ પ્રકારની અનુકુળતાઓ હોવા છતા તેને નઝર અંદાજ કરી દહેજને પ્રથમ પ્રાધાન્યતા આપવામાં આવી છે. આથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અલગ-અલગ ત્રણ વાર જાહેરાત કરી હતી કે વડાપ્રધાન મોદીના હસ્તે ફેરી સર્વિસનું લોકાર્પણ યોજાશે પરંતુ તમામ જાહેરાતો પોકળ કરી છે.
જેનું કારણ માત્રને માત્ર એસ.આર. કંપની જ છે. લીંક સ્પાનના જોડાણ અર્થે દુબઈથી મહાકાઈ ક્રેઈન મંગાવવામાં આવી. જેનો સમયસર ઉપયોગ કરવાના બદલે લાંબો સમય પડતર પડી રહી છે. અંતે સમય અવધી પૂર્ણ થતા આ ક્રેઈન સંચાલક કરોડો રૂપિયાનું ભાડુ વસુલી ચાલતા થયા. હવે કંપની ર હજાર ટનની કેપેસીટીવાળી ક્રેઈન શોધી ઘોઘા સ્થિત લીંક સ્પાનનું જોડાણ કરવા મથામણ કરે છે.
આગામી દિવસોમાં દિપાવલીનું પર્વ અને વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોય ત્યારે વડાપ્રધાન ભાવનગરીઓને મહાયોજના ભેટ ધરવા ઈચ્છે છે પરંતુ હજુ કામ પૂર્ણ થયું ન હોય જેથી આગામી ઓક્ટોબર માસના અંત સુધીમાં લોકાર્પણ શક્ય નથી. આથી લોકાર્પણની વાત તો બહુ દુરની બાબત છે. તંત્ર અને સરકારના રો-રો ફેરી સર્વિસને લઈને કરવામાં આવતા પોકળ દાવાઓને લઈને પ્રજાજનોને પણ આ યોજના પર ભરોસો નથી રહ્યો. લોકોમાં આ યોજના ચૂંટણીલક્ષી દેખાડો થઈ રહ્યો હોવાથી ચર્ચાએ વેગ પકડ્યો છે.

ધરતી કંપનીએ કામ અધુરૂ છોડ્યું
ઘોઘા ખાતે આવેલ દરિયામાં ફેરી વેસલ તથા ક્રેઈનને તરતી રાખવા માટે ૮ મીટર ઉંડુ ડ્રેઝીંગ અનિવાર્ય હોય જે માટે ધરતી ડ્રેઝીંગ કંપનીએ કામ હાથમાં લીધું હતું. જેમાં ૭પ ટકા કામગીરી પૂર્ણ કર્યે ડ્રેઝીંગ ચેનલમાં પથ્થર બાધારૂપ બન્યો હતો. જેને આ ડ્રેઝર તોડી ન શક્તા કંપની કામ અધુરૂ છોડી જતી રહેલ હાલ અન્ય કંપનીએ બિડુ ઝડપ્યું છે અને આ સપ્તાહના અંત સુધીમાં ૮ મીટરનું ડ્રેઝીંગ પુરૂ કરી આપવાની ખાતરી આપી છે. ગત રવિવારે નેધરલેન્ડથી એક ટેકનીશ્યન બોલાવવામાં આવ્યો હતો. જેના અભિપ્રાય દ્વારા લીંક સ્પાનનું જોડાણ કરવામાં આવનાર હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.