રાજુલા-જાફરાબાદ અને ખાંભા પંથકના આવેલ રેવન્યુ વિસ્તાર, જંગલ વિસ્તાર અને ધારી ગીર વિસ્તાર પંથકમાં મોટા પ્રમાણમાં રાની પશુઓની સંખ્યા ખુબ જ મોટા પ્રમાણમાં છે. અહીં અનેક દુર્ઘટનામાં સિંહ-દિપડા સહિતના રાની પશુ કમોતને ભેટે છે અને મોતને ભટ્યા બાદ પણ મોડે-મોડે તંત્રને જાણ થતી હોય છે તેવા સમયે રાની પશુઓના ઘણા અવશેષો લાંબા ગાળે મળતા હોવાના લીધે ગુમ થતા હોય છે અને અમુક કિસ્સામાં વાડી વિસ્તારમાં મુકવામાં આવેલ ઈલેક્ટ્રીક શોર્ટમાં રાની પશુના મોત થયા હોય તો તેમાં વાડી માલિકો દ્વારા મૃતદેહને રફેદફે પણ કરતા હોવાનું અનેકવાર બહાર આવ્યું છે.
આજરોજ રાજુલાના એક વોટસઅપ જેવા સોશ્યલ મિડીયાની સાઈડ પર સિંહના નોર (નખ) વેચાતા હોવાના ફોટા કોન્ટેક્ટ નંબર સાથે વાયરલ થતા વન વિભાગ દોડતું થયું હતું અને તાત્કાલિક ધોરણે તપાસના શ્રીગણેશ કર્યા હતા. બનાવને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો અને યોગ્ય તપાસની માંગ સાથે વન વિભાગમાં ટેલીફોન રણક્તા થયેલ પણ તપાસ તાત્કાલિક ધોરણે શરૂ કરી હતી પરંતુ આ સમગ્ર ઘટના કોઈ ટીખળીખોર દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આજરોજ સવારે ૧૦ વાગ્યાના અરસામાં રાજુલાના એક ગ્રુપમાંથી ફોટા વાયરલ થતા અમારા ધ્યાનમાં આવતા અમે ઉંડાણપૂર્વક તપાસ કરી તો આ ફોટા રાજકોટ ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલના પુત્રએ વાયરલ કર્યા હોવાનું જણાવ્યું હતું અને તેને પણ અન્ય ગ્રુપમાંથી આવ્યાનું રટન પોલીસ કોન્સ્ટેબલે કર્યુ હતું.