ભાવનગર ખાતે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ નિમિત્તે ફોટો પ્રદર્શનનું થયું ઉદ્ધાટન”

21

સ્વતંત્રતા સંગ્રામ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની જાણકારી સાથેના દુર્લભ ફોટોગ્રાફ્સનું પ્રદર્શન
આઝાદીના અમૃત મહોત્સવ અને ‘હર ઘર તિરંગા અભિયાન’ની ઉજવણીના ભાગરૂપે લોકોમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળની ઝાંખી કરાવતું અને સ્વાતંત્ર્ય સેનાનીઓની સચિત્ર જાણકારી આપતું ફોટો પ્રદર્શનનું ભાવનગર ખાતે આજે ઉદ્ઘાટિત કરવામાં આવ્યું છે. જે ખરેખર આનંદની વાત છે અને પ્રદર્શનનું આયોજન એ અભિનંદનને પાત્ર છે. કેમ કે, આઝાદીની લડાઇ અને એ લડાઇને લડનારા સ્વાતંત્ર્યવીરોના બલિદાનને યાદ રાખવા અને આવનાર પેઢીને પણ તેની જાણકારી મળતી રહે તે આપણાં સૌની ફરજ છે. ભાવનગર ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે આયોજીત ફોટો પ્રદર્શનના ઉદધાટન સમારોહમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલે આ વાત કહી હતી.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ અને ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ભાવનગર શહેરના ઝવેરચંદ મેઘાણી મીની ઓડિટોરિયમ પ્રદર્શન હોલ ખાતે આયોજીત ફોટો પ્રદર્શનને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શિશિર ત્રિવેદીના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ઉદઘાટન સમારોહમાં નગર પ્રાથમિક શિક્ષણના શાશનાધિકારી યોગેશભાઈ ભટ્ટ, શિક્ષણ વિભાગનો વરિષ્ઠ અધિકારીગણ તેમજ પદાધિકારીઓ, વિભિન્ન સંસ્થાના ચેરમેન તેમજ અગ્રણીઓ અને સામાજીક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ વિષયને લઇને તૈયાર કરેલાં આ ફોટો પ્રદર્શનમાં આઝાદી માટેના સંધર્ષના મુખ્ય સીમાચિન્હો, આઝાદીની ચળવળો તેમજ મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવાં આઝાદીના ચળવળમાં ભાગ લેનાર અને દેશને આઝાદી અપાવવામાં તેમનું યોગદાન આપનાર સ્વાતંત્ર સેનાનીઓ, રાષ્ટ્રીય નેતાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યાં છે. તેમજ સ્વચ્છ ભારત અભિયાનને પણ આ પ્રદર્શનનો એક ભાગ બનાવવામાં આવ્યો છે. દેશભરમાં ચાલી રહેલ ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અને ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણીમાં દેશનો પ્રત્યેક નાગરિક જોડાય અને આ મહોત્સવ જન-જનનો મહોત્સવ બને તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય હોવાનું જણાવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ત્રિવેદીએ પ્રદર્શનના આયોજનને બિરદાવતા જણાવ્યું કે, આ પ્રદર્શન થકી બાળકો અને યુવાનોમાં રાષ્ટ્રભાવનાનો સંચાર થશે અને રાષ્ટ્રપ્રેમ વધશે. આઝાદીની સંઘર્ષ ગાથાને વર્ણવતાં દુર્લભ ફોટોગ્રાફ્સ નિહાળવાની આ તક ભાવનગરને મળી છે ત્યારે શાળાના અને કોલેજના વિદ્યાર્થીઓ તો આ પ્રદર્શનની અચૂક મુલાકાત લેશે. પરંતુ ભાવનગરના નગરજનો પણ બહોળી સંખ્યામાં આ પ્રદર્શનની મુલાકાત લે તેવી અપીલ ચેરમેનએ કરી હતી. આ તકે કાર્યક્રમના ભાગરુપે આયોજિત કરેલ ચિત્ર સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધામાં વિજેતા થયેલાં વિદ્યાર્થીઓને ઇનામો આપી પુરસ્કૃત કરાયા હતાં. આ પ્રસંગે ભાવનગર શહેરની કોર્પોરેશન સંચાલિત સરકારી શાળામાં અભ્યાસ કરતાં ૭૫ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રમતગમત, કલા અને અભ્યાસના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિશિષ્ટ પ્રતિભાશાળી ૭૫ વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, ઝવેરચંદ મેઘાણી મીની ઓડિટોરિયમ પ્રદર્શન હોલમાં આયોજીત આ ફોટો પ્રદર્શન આજે અને આવતીકાલે એમ બે દિવસ સુધી સવારે:૯-૩૦ થી સાંજના ૭-૩૦ કલાક સુધી જાહેર જનતા માટે વિનામૂલ્યે ખૂલ્લું રાખવામાં આવશે.

Previous articleભાવનગરમાં ભવ્યાતિભવ્ય ઐતિહાસિક તિરંગાયાત્રા, સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું
Next articleપોતાના નિવાસ્થાને ૨૦ ફૂટ ઊંચા ધ્વજદંડ પર તિરંગો લહેરાવીને ‘હર ઘર તિરંગા અભિયાન’ની શરૂઆત કરાવતાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી