દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૨૪૦ કેસ

18

ચોથી લહેરના ભણકારા, કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો : કોરોનાથી એક દિવસમાં ૮ લોકોએ જીવ ગુમાવ્યા છે, કોરોના સતત વધી રહેલા કેસે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચિંતા વધારી દીધી છે
નવી દિલ્હી,તા.૯
દેશમાં વળી પાછા કારોનાના કેસ વધી રહ્યા છે જે જોતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૭૨૪૦ કેસ નોંધાયા છે. કોરોનાથી એક દિવસમાં ૮ લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાા સતત વધી રહેલા કેસે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચિંતા વધારી દીધી છે. પહેલી માર્ચ બાદ સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા ૭,૨૪૦ દર્દીઓ નોંધાયા છે. હાલ ૩૨,૪૯૮ દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાથી કુલ મૃત્યુની વાત કરીએ તો અત્યાર સુધીમાં ૫૨૪૭૨૩ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. કોરોના માત આપવા માટે દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. અત્યાર સુધીમાં કોરોના રસીના ૧,૯૪,૫૯,૮૧,૬૯૧ ડોઝ અપાયા છે. જેમાં ગઈ કાલે અપાયેલા ૧૫,૪૩,૭૪૮ ડોઝ પણ સામેલ છે. અત્રે જણાવવાનું કે કોવિડના નવા સંક્રમણ મામલે સતત બીજા દિવસે એવું બન્યું છે કે નવા કેસમાં ૪૦ ટકા જેટલો વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દશમાં કુલ ૩૫૯૧ લોકો કોરોનાને માત આપીને રિકવર પણ થયા છે. સાજા થયેલા લોકોની સંખ્યા નવા દર્દીઓની સરખામણીમાં અડધા કરતા પણ ઓછી છે. ગુજરાતની વાત કરીએ તો લાંબા સમય પછી કોરોનાના ૧૦૦થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૧૧ કેસ નોંધાયા જ્યારે ૨૯ દર્દીઓ સાજા થયા. કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને ૯૯.૦૭ ટકા થયો છે. નવા નોંધાયેલા કેસમાંથી ૫૦ કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે વડોદરામાં ૨૫, સુરતમાં ૧૦ અને રાજકોટમાં નવા ૯ કેસ નોંધાયા છે. રાહતની વાત એ છે કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી કોઈ મૃત્યુ નોંધાયા નથી.