પોતાના નિવાસ્થાને ૨૦ ફૂટ ઊંચા ધ્વજદંડ પર તિરંગો લહેરાવીને ‘હર ઘર તિરંગા અભિયાન’ની શરૂઆત કરાવતાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

6

તન, મન, ધન થી સહભાગી થઈ માં ભારતીના પ્રતિક એવાં તિરંગાને આન,બાન અને શાનથી દરેક ભારતીય પોતાના ઘરે તિરંગો લહેરાવે તે માટેની અપીલ કરતાં શિક્ષણ મંત્રી
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે ભાવનગર સ્થિત તેમના ઘરે ૨૦ ફૂટ ઊંચા ધ્વજદંડ પર તિરંગો લહેરાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરાવી હતી. આ અવસરે તેમની સાથે પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, શહેરી વિકાસ મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયા, ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહજી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અવસરે પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, દેશની આઝાદીનું આ ૭૫ મુ અમૃત વર્ષ આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઉજવી રહ્યાં છીએ. આ અભિયાન આજે જન આંદોલન બની ચૂક્યું છે. ઘર, ખેતર, રોડ, ડુંગર તમામે-તમામ જગ્યાએ આજે ભારતીય સ્વાધિનતાના પ્રતિ એવાં ભારતીય તિરંગો ફરકાવવામાં આવી રહ્યો છે.

તેમણે દરેક ભારતીયને અપીલ કરતાં જણાવ્યું છે કે, ભારત માતાનું સન્માનનું પ્રતિક એવાં રાષ્ટ્રધ્વજને આપણે એક ભારતીય તરીકે આપણા ઘરે અવશ્ય લગાવીએ. ભારતીય તિરંગો હંમેશા અજરાઅમર સુધી ઊંચાઈ પર ફરકતો રહે અને માં ભારતી વિશ્વ ગુરુના પદે બિરાજે તેવી અપેક્ષાઓ આંખોમાં આંજીને આજે તન, મન અને ધનથી ભારતના વિકાસ માટે પ્રતિબધ્ધ થઈએ તેમ પણ તેમણે જણાવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા આયોજિત તિરંગા યાત્રા માટે સમગ્ર ભાવનગર જિલ્લો હિલ્લોળે ચડ્યો છે. જે રીતે ભાવેણાવાસીઓ બહાર આવીને ભારતમાતા માટે અંજલિ આપતાં સહભાગી થયા છે તે આનંદની વાત છે. આ તિરંગા યાત્રામાં ભાવનગરના તમામ લોકો જ્ઞાતિ, જાતિ, સંપ્રદાયને ભૂલીને એક ભારત – શ્રેષ્ઠ ભારત બનાવવાની નિષ્ઠા સાથે સહભાગી થયાં છે તે ગૌરવની ક્ષણો છે. તિરંગા યાત્રાની વાત સૌ પ્રથમ ભાવનગરની ધરતી પરથી થઈ હતી અને પછી સમગ્ર રાજ્યમાં તેનો અમલ કરવામાં આવ્યો છે. આજ ધરતી પરથી મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આઝાદ ભારતમાં સામેલ થવા માટે સૌથી પહેલાં પોતાનું રજવાડું આપ્યું હતું. એની શરૂઆત આ ધરતી પરથી થઈ હતી અને તિરંગા યાત્રાની વાત પણ આ ધરતી પરથી શરૂઆત થઈ છે તેનો આનંદ અને હર્ષ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.