ઇલે. મોટર મૂકી પાણી ખેંચતા તત્વો સામે કોર્પો. ઘૂંટણીયે

61

ઉનાળો કાળઝાળ બનતા જ મ્યુ.વોટર વર્ક્‌સ વિભાગમાં અરજદારો ચક્કર કાપતાં થયા છતાં મોટર જપ્તી સ્કવોર્ડ કાર્યરત નહિ કરી મ્યુ. તંત્રના આંખ આડા કાન
એક બાજુ ઉનાળો કાળઝાળ બન્યો છે બીજી બાજુ પાણી નહિ મળવાની કે પૂરતું પ્રેશરથી મળતું નહિ હોવાની ફરિયાદો વધી રહી છે, કોર્પોરેશનમાં દરરોજ ૮-૧૦ ફરિયાદો આવી રહી છે. જોકે, આ ફરિયાદ વ્યક્તિગત હોય છે, કોઈ આખા વિસ્તારને પાણી નહિ મળતું હોવાની ફરિયાદ હવે ભૂતકાળ બની છે.
ઉનાળો આકરો બનતા જ પાણીની ફરિયાદો તંત્રના માથાનો દુઃખાવો બને છે, ભાવનગરમાં આકસ્મિક સ્થિતિને બાદ કરતાં હાલ એક પણ દિવસ કાપ વગર દરરોજ સરેરાશ ૪૫ મિનિટ પાણીનું વિતરણ થઈ રહ્યું છે છતાં પાણી અંગે ફરિયાદો મળતી જ રહે છે. કોર્પોરેશનમાં દરરોજ ૮-૧૦ ફરિયાદો આવી રહી છે જેમાં વ્યક્તિગત ફરિયાદો મહત્તમ હોય છે. શહેરને પૂરતું પાણી મળી રહ્યું છે ઉપરાંત નેટવર્ક પણ વ્યવસ્થિત ગોઠવાયેલું છે. આથી કોઈ આખો વિસ્તાર પાણીની મુશ્કેલી ભોગવતું હોય તેવી બાબત ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ વ્યક્તિગત ફરિયાદો છે જ એ પણ હકીકત છે. ઉનાળામાં પાણીની જરૂરીયાત વધે છે ઉપરાંત ટાઢક કરવા લોકો ફળીયા, ઓટલા, ધાબા પર પાણી છાંટી ઠંડક મેળવવા પ્રયાસ કરે છે. વધુ પાણી મેળવવા ઇલેક્ટ્રિક મોટર પાણીની લાઇન સાથે જોડી પાણી ખેંચી લેવામાં આવે છે આથી છેવાડાના ઘરને પાણી પૂરતું મળતું નથી.! આ કારણે વ્યક્તિગત ફરિયાદો વધી છે. અગાઉ ભૂતકાળમાં કોર્પોરેશન દ્વારા ઉનાળામાં મોટર ઝપતી સ્કવોર્ડની ખાસ રચના કરી આવી પ્રવૃતિઓ સામે કડક કાર્યવાહી કરાતી પરંતુ વર્ષ ૨૦૦૮ પછી મોટર જપ્તી સ્કવોર્ડની રચના જ નથી થઈ. પરિણામે કોર્પોરેશન પૂરતું પાણી આપે છે છતાં કેટલાક લોકો સુધી પૂરતું પાણી પહોંચી રહ્યું નથી!
નિયત જથ્થા કરતા પાણીનું વધુ વિતરણ થઈ રહ્યું છે : વો. વ. ઈજનેર
ભાવનગર મહાપાલિકાના વોટર વર્ક્‌સ વિભાગના કાર્યપાલક ઈજનેર સી.સી.દેવમુરારી પાસેથી ઉપલબ્ધ વિગતો મુજબ માથા દીઠ ૭૦૦ લીટર પાણી પ્રતિદિન વિતરણ કરવાનું થાય ચગે જેની સામે હાલ ૧ હજાર લીટર કરતા પણ વધુ પાણી વિતરણ થઈ રહેતું છે, પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. વોટર વર્ક્‌સ વિભાગનું કામ પાણી સપ્લાય અને નેટવર્કિંગનું મુખ્ય કામ છે. લોકો મોટર મૂકી પાણી ખેંચી લે છે તે સામે શુ પગલાં ભર્યા.? તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે આ કામગીરી તેના વિભાગમાં આવતી નથી તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું કે, લોકો મોટર મૂકી પાણી ખેંચી લે છે તે દરેક ઘરે જઈને ચેકીંગ કરવાનું કામ મુશ્કેલ છે.!!
સંઘર્ષ અને વિવાદના કારણે મોટર જપ્તી સ્કવોર્ડ વિખેરીઃ સીટી એન્જીનીયર
મહાપાલિકાના સીટી એન્જીનીયરે મોટર જપ્તી સ્કવોર્ડ નિષ્ક્રિય કરી દેવાનું કારણ આગળ ધરતા જણાવ્યું કે, તત્કાલીન સમયે મોટર જપ્તી સ્કવોર્ડની કામગીરીથી વિવાદ અને સંઘર્ષની સ્થિતિનો સામનો કરવાનું ખૂબ રહેતું આથી ૨૦૦૮માં નિર્ણય કરી મોટર જપ્તી સ્કવોર્ડનું વિસર્જન કરી દેવાયુ છે.

Previous articleભાવનગર ડિવિઝને એક મહિનામાં ટિકિટ વિના મુસાફરો પાસેથી રૂ. ૬૧.૩૯ લાખ વસૂલ્યા છે
Next articleઓનલાઈન પેમેન્ટનો ક્રેઝઃ કોર્પોરેશનમાં ઓફલાઇન કરતા ઓનલાઈન વેરો ચુકવનારની સંખ્યા દોઢી