કોરોનાની ચોથી લહેરનાં ભણકારા: દિલ્હીમાં માસ્ક ફરીથી ફરજિયાત

52

ભારતમાં કોરોનાના કેસમાં વધારો થયો : દિલ્હીમાં ફરજિયાત કરવાની સાથે ના પહેરનારા લોકોને મોટો દંડ ફટકારવાની પણ જાહેરાત કરવામાં આવી
નવી દિલ્હી, તા.૨૦
ભારતમાં કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. જોકે, દેશના અમુક રાજ્યોને બાદ કરતા સ્થિતિ તમામ જગ્યાએ કાબૂમાં છે. આવામાં દેશની રાજધાની દિલ્હીમાં જે રીતે કોરોનાનો ખતરો વધી રહ્યો છે તે જોતા ફરી એકવાર માસ્ક પહેરવાનો નિયમ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. અગાઉ કોરોના લગભગ ગાયબ થઈ જવા જેવી સ્થિતિ બની હતી ત્યારે દિલ્હીની કેજરીવાલ સરકારે લોકોને માસ્કથી મુક્તિ આપી દીધી હતી. માસ્ક પહેરવાનું દિલ્હીમાં ફરજિયાત કરવાની સાથે ના પહેરનારા લોકોને મોટો દંડ ફટકારવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ)ની દિલ્હીમાં મળેલી બેઠક દરમિયાન માસ્ક પહેરવાનું ફરિયાદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી દિલ્હીમાં માસ્કથી મુક્તિ મળ્યા બાદ ફરી એકવાર માસ્કના નિયમનું ઉલ્લંઘન કરનારી વ્યક્તિને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. બીજી તરફ સ્કૂલો બંધ નહીં કરવાનો પણ નિર્ણય ડીડીએમએની બેઠકમાં લેવામાં આવ્યો છે. સ્કૂલો ચાલુ રાખવા અંગે એક્સપર્ટ પાસેથી લેવામાં આવેલી સલાહના આધારે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.દિલ્હી સરકાર માસ્ક ફરજિયાત કરવાના સંબંધમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે. સૂત્રોનું માનીએ તો અધિકારીઓએ સામાજિક સમારોહ પર કડક નજર રાખવા અને રાજધાનીમાં ટેસ્ટિંગની સંખ્યા વધારવા પર ભાર આપ્યો છે. વધુમાં સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. દિલ્હી સ્વાસ્થ્ય વિભાગ મુજબ બુધવારે કોરોનાના નવા ૬૩૨ કેસ સામે આવ્યા છે અને સંક્રમણ દર ૪.૪૨ ટકા થઈ ગઈ હતી. રાજધાનીમાં કેસની સંખ્યામાં વધારો થતા કેન્દ્ર સરકારે દિલ્હી સરકારને એલર્ટ કરી છે. કેન્દ્રએ દિલ્હી સહિત ઉત્તરપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને મિઝોરમમાં કોરોના વાયરસના સંક્રમણને વધતંળ અટકાવવા માટે નજર રાખવા અને ચિંતાવાળા વિસ્તારોમાં જરૂર પડે યોગ્ય પગલા ભરવાની સલાહ આપી છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે એક પત્રમાં દિલ્હી અને અન્ય ચાર રાજ્યોને “ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રેસિંગની સાથે રસીકરણ અને કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય” તે દિશામાં જરુરી પગલા ભરવા માટે જણાવ્યું છે. આ સાથે પત્રમાં ભીડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવા અંગે વધુ ભાર આપવા માટે જણાવવામાં આવ્યું છે.
દિલ્હીમાં ૩ દિવસમાં કોરોનાના ૧૬૫૦ નવા કેસથી ગભરાટ
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસની ઝડપે ફરી એકવાર બધાને ડરાવ્યા છે. સતત વધી રહેલા કેસોને કારણે રાજધાનીમાં કોરોનાની ચોથી લહેરનો અવાજ સંભળાઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીમાં સતત કોરોના વાયરસના ચેપના ૫૦૦ થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. જો કે, આ સમયગાળા દરમિયાન ચેપનો દર સતત વધઘટ થતો રહ્યો છે. મંગળવારે દિલ્હીમાં કોવિડ-૧૯ના ૬૩૨ નવા કેસ નોંધાયા છે, જ્યારે ચેપનો દર ૪.૪૨ ટકા નોંધાયો છે. દિલ્હીના આરોગ્ય વિભાગના ડેટા પરથી આ માહિતી મળી છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસને કારણે કોઈનું મોત થયું નથી. વિભાગે કહ્યું કે કોવિડ-૧૯ના ૬૩૨ નવા કેસ નોંધાયા છે અને ચેપનો દર ૪.૪૨ ટકા છે. સોમવારે, રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ -૧૯ ના ૫૦૧ કેસ અને કોઈનું મૃત્યુ થયું નથી, જ્યારે ચેપ દર ૭.૭૨ ટકા હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં ૫૧૭ કેસ સાથે રવિવારે ચેપ દર ૪.૨૧ ટકા નોંધાયો હતો. નવા કેસ સાથે, દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૧૮,૬૯,૬૮૩ થઈ ગઈ, જ્યારે મૃત્યુઆંક ૨૬,૧૬૦ થયો. મંગળવારે જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે કુલ ૧,૨૭૪ દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. આ રીતે, છેલ્લા ત્રણ દિવસમાં, રાજધાનીમાં ૧૬૫૦ કોરોના કેસ નોંધાયા છે. જો કે, અહીં રાહતની વાત એ છે કે ચેપનો દર ઓછો છે અને અત્યાર સુધી કોરોના તેની પ્રકૃતિ પ્રમાણે ખૂની બન્યો નથી. દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના કેસમાં લગભગ ૨૬ ટકાનો વધારો થયો છે. જો કે ગઈકાલે એટલે કે મંગળવારે ૧૪૨૯૯ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાલમાં, દિલ્હીમાં કોરોના દર્દીઓ માટે બેડની સંખ્યા ૯૭૩૫ છે અને તેમાંથી માત્ર ૮૦ જ કોરોના દર્દીઓ માટે દાખલ છે. હોસ્પિટલોમાં હજુ પણ ૯૯.૧૮ ટકા બેડ ખાલી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લી વખત કેસની સંખ્યા ૬૩૨ થી વધુ હતી જ્યારે ૧૯ ફેબ્રુઆરીએ શહેરમાં ૬૩૫ કેસ નોંધાયા હતા.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૦૬૭ કેસ આવ્યા