ભાવનગરમાં દિવ્યાંગજનો માટેની રમતગમત સ્પર્ધા શરૂ, 279 દિવ્યાંગ સ્પર્ધકો ભાગ લેશે

65

જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસ્થિત રહીને દિવ્યાંગ ખેલાડીઓનું મનોબળ વધાર્યું
ભાવનગર ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત દિવ્યાંગજનો માટેની રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત અને જિલ્લા રમત-ગમત અધિકારી કચેરીની કચેરી, ભાવનગર સંચાલિત સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત શારીરિક વિકલાંગ ( દિવ્યાંગ) A., B, C, અને D કેટેગરી ગૃપની એથ્લેટિક્સ રમતની શરૂઆત સીદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ભાવનગર ખાતે કરવામાં આવી હતી.

આ સ્પર્ધાની શરૂઆતમાં કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવાએ ઉપસ્થિત રહી દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડી ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું. જિલ્લા કલેક્ટરે ગોળાફેક અને ચક્રફેક રમત રમીને સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જિલ્લા કલેક્ટરે આ અવસરે જણાવ્યું કે, દિવ્યાંગ સ્પર્ધકો પણ સામાન્ય ખેલાડીઓની જેમ રમત રમી શકે છે અને તેમની કુશળતા નિદર્શિત કરી શકે તે માટે ખેલ મહાકુંભ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓ પ્રોત્સાહક સાબિત થઈ છે. ભાવનગર જિલ્લાના ખેલાડીઓ તેમાં સારામાં સારું પ્રદર્શન કરીને જિલ્લાનું નામ રોશન કરશે તેવી અભિલાષા પણ તેમણે વ્યક્ત કરી હતી.
આ દિવ્યાંગ ખેલ મહાકુંભ સ્પર્ધામાં 279 થી વધારે ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. આ અવસરે જિલ્લા રમતગમત અધિકારી સીમાબેન ગાંધી, પ્રાંત યુવા વિકાસ અધિકારી વિશાલ જોષી અને રાજેન્દ્રસિંહ ગોહિલ તથા રમતગમત સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ અને સ્પર્ધકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleભાવનગરમાં 60,698 ઉમેદવારો બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા આપશે, પરીક્ષાની તૈયારીના ભાગરૂપે તંત્રએ બેઠક યોજી
Next articleવલ્લભીપુરમાં થયેલી યુવાનની હત્યા કેસમાં એક આરોપીને આજીવન કેદ : ચાર નિર્દોષ