ભાવનગરમાં મર્ડર મિસ્ટ્રી ઉકેલનાર તત્કાલીન પીઆઈ જાડેજાને ગૃહમંત્રી શાહના હસ્તે મેડલ

48

ચકચારી બેવડી હત્યાનો ભેદ ઉકેલી આરોપીને સજા અપાવતા કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા મેડલથી સન્માનિત
ભાવનગરમાં વર્ષ ૨૦૧૨માં બનેલ ડબ્બલ મર્ડરના કેસમાં નમૂનેદાર પોલીસ તપાસ કરી, ટ્રાયલ દરમિયાન ભાવનગર સેસન્શ કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવતા, ગૃહ મંત્રાલય દ્વારા ૨૦૧૮ના વર્ષ માટે યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન આપી તત્કાલીન પોલીસ ઇન્સપેક્ટર પ્રદીપસિંહ જાડેજાને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સન્માનિત કરાયા હતા. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પોલીસ આવાસના લોકાર્પણ સમારોહ કાર્યક્રમમાં ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વરદ હસ્તે અત્યાર સુધી આ મેડલ મેળવેલ જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા સહિત ૧૦ જેટલા પોલીસ અધિકારીઓને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપી આશિષ ભાટિયા, એડીજીપી ટી.એસ.બિસ્ત, વિકાસ સહાય, કે.એલ.એન.રાવ, બ્રજેશકુમાર ઝા, આઈજીપી વી.ચંદ્રશેખર, સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં ગૃહ મંત્રાલય મેડલથી અલંકૃત કરવામાં આવ્યા હતા. ભાવનગરમાં તા. ૨૫ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન (હાલમાં નિલમબાગ પોલીસ સ્ટેશન) વિસ્તારના તખતેશ્વર પ્લોટ વિસ્તારમાં આવેલ તિરૂપતિ ફ્લેટમાં ફરિયાદી સભાજીત પાંડેના પત્ની સંગીતાબેન (ઉવ. ૪૦) તથા પુત્ર દેવેશ (ઉ.વ.૧૧)ની હત્યા કરેલી લાશ મળી આવેલ હતી. આ ગુન્હો અન ડિટેકટ હતો અને સમગ્ર ઘટનાક્રમએ ભારે રહસ્ય સર્જ્‌યું હતું. આ બેવડી નિર્મમ હત્યાએ ભાવનગર પંથકમાં ચકચાર સાથે ભય પણ ફેલાવ્યો હતો. આ ચર્ચાસ્પદ કેસની તપાસ તત્કાલીન ભાવનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનના પોલીસ ઇન્સ. અને હાલ જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા હાથ ધરવામાં આવેલ. તત્કાલીન ભાવનગર જિલ્લા પોલીસ વડા માનિંદર પ્રતાપસિંહ પવાર દ્વારા જુદી જુદી ટીમો બનાવી, તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવતા, તત્કાલીન પોલિસ ઇન્સ. પ્રદીપસિંહ જાડેજા તથા સ્ટાફ દ્વારા ટેક્નિકલ સોર્સનો બહોળો ઉપયોગ કરી, ચકચારી ગુન્હાનો ભેદ ખોલી, આ ગુન્હામાં સુધીશ દયાશંકર દ્વિવેદી નામના યુ.પી. ગોરખપુર ખાતેના આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી. આરોપીએ તખતેશ્વર પ્લોટ ઉપરાંત શેલરશા ચોક ખાતે થયેલ દરજીના ખૂનના ગુન્હાની પણ કબૂલાત કરી હતી. આ ગુન્હાની તપાસમાં સાયન્ટિફિક પુરાવાઓ, સાયોગિક પુરાવાઓ, ટેકનીકલ પુરાવાઓના આધારે નામદાર કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવેલ. આમ, પોલીસે ગુન્હો શોધી કાઢવા ઉપરાંત, સાયન્ટિફિક પુરાવાઓ, સાયોગિક પુરાવાઓ, વિગેરે પુરાવાઓ આધારે તપાસ કરી, આરોપી સુધીશ દયાશંકર દ્વિવેદીને આજીવન કેદની સજા કરાવી હતી. આથી તત્કાલીન પોલીસ ઇન્સ. પ્રદીપસિંહ જાડેજાની ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ૨૦૧૮ના વર્ષ માટે યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન માટે પસંદગી થઈ હતી.

Previous article૨૦ જૂન સુધી ડુંગળીમાં સહાય આપવા માટે જાહેર થયો પરિપત્ર
Next articleભાવનગરની એસસીજી હોસ્પિટલે ’નો-ટોબેકો ડે’ અંતર્ગત રેલીનું આયોજન કર્યુ, લોકોને તમાકુના સેવનથી થતા રોગોથી માહિતગાર કરાયા