મહાપાલિકા કચેરી અનુભવી અધિકારીઓથી ખાલી થવામાં, દર મહિને એક ઈજનેર નિવૃત થશે

43

સીટી એન્જીનીયર કુકડીયાના ગણાતા દિવસો, આવતા મહિને એસ્ટેટ ઓફિસર ગોધવાણી નિવૃત થશે
ભાવનગર મહાપાલિકા કચેરીમાં જુના અને અનુભવી અધિકારીઓ એક પછી એક વય નિવૃત્તિના કારણે વિદાય લઈ રહ્યા છે, જેની સીધી અસર કચેરીના કામકાજ અને વિકાસ કાર્યો પર જોવા મળી રહી છે. થોડા માસ પૂર્વે સીટી એન્જિનિયર ચંદારાણાં નિવૃત થયા બાદ તેમના સ્થાને એમ.આર. કુકડીયાની નિયુક્તિ થઈ પરંતુ ગણતરીના મહિના જ વીત્યા ત્યાં તેઓ હવે ચાલુ એપ્રિલ માસના અંતિમ દિવસે વય નિવૃત થશે. બઢતી મેળવી કી પોસ્ટ સુધી પહોંચતા અધિકારીઓ પાસે અનુભવનું ભાથું હોય છે, આથી પ્રમોટેડ અધિકારીની નિવૃત્તિની અસર કચેરીના કામકાજમાં જોવા મળે તે સ્વભાવિક છે. ભાવનગર મહાપાલિકામાં આવા જુના અને અનુભવી એક પછી એક એમ ૫ અધિકારીઓ નિવૃત્તિની લાઈનમાં છે. સીટી એન્જીનીયર એવમ ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર (જ) કુકડીયા ચાલુ મહિને નિવૃત થયા બાદ મેં મહિનામાં એસ્ટેટ ઓફિસર સુરેશ ગોધવાણી, જુનમાં રોડ વિભાગના કા. ઈજનેર એમ.ડી.મકવાણા જયારે હાલ રજા પર રહેલા કા. ઈજનેર આર.જે પરીખ જુલાઇમાં અને ડ્રેનેજના કાર્યપાલક ઈજનેર સોમપુરા ઓક્ટોમ્બરમાં નિવૃત થશે. આમ, ૬ માસમાં ૫ અનુભવી અધિકારીઓ નિવૃત થશે. આથી આ જગ્યાઓ પર નવા અધિકારીઓને પોસ્ટીંગ આપવામાં આવશે.
સીટી એન્જીનીયર પદ માટે ફરીથી મડાગાંઠ સર્જાશે.!
ભાવનગર મહાપાલિકામાં કલાસ-૧ અધિકારી સીટી એન્જીનીયરનું પદ એમ.આર.કુકડીયાની નિવૃત્તિ સાથે ફરીથી ખાલી પડશે. તેઓ હાલ ડે.કમિશનરનો ચાર્જ પણ વહન કરી રહયાં છે આથી બે-બે કઈ પોસ્ટ ખાલી પડશે. સીટી એન્જીનીયર માટે લાયકાત ધરાવતા અન્ય અધિકારી પણ નિવૃત થવામાં મહિનાઓ બચ્યા છે, જયારે સીટી એન્જીનીયરની નિયુક્તિ માટે સરકારમાંથી મંજૂરી મેળવવાની પક્રિયા સમય માંગી લે છે. આથી કોકડું ફરી ગુંચવાશે તેમ લાગી રહ્યું છે. સંભવ છે કે, ભવિષ્યને ધ્યાને રાખી નવા સીધી ભરતીના અધિકારીમાંથી લાયક ઓફિસરને સીટી એન્જિનિયરનો તાજ પહેરાવાય.!

Previous articleગુજરાતમાંથી પસંદગી પામેલા ૨૦ પૈકી ૫ ભાવનગરની નટરાજ સીપી સ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લેશે
Next articleચિત્રા GIDC ફેક્ટરીમાથી ઝડપાયો રેશનિંગના ઘઉંનો જથ્થો