ભાવેણાના જન્મદિને યોજાયેલી તિરંગા પદયાત્રામાં રાષ્ટ્રપ્રેમ છલકાયો

196

વન અને પર્યાવરણ મંત્રી રાણા અને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, મહારાજા વિજયરાજસિંહજી પણ તિરંગા યાત્રામાં જોડાયાં : મહારાજા કૃષ્ણકુમારસિહજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી
ભાવનગર શહેરની સ્થાપના ૨૯૯ વર્ષ પૂર્ણ થતા તેના ભાગરૂપે આજે આર.ટી.ઓ. સર્કલ થી નિલમબાગ સર્કલ સુધીની સરદારથી કૃષ્ણકુમારસિંહજી સુધીની તિરંગા યાત્રા યોજાઇ હતી. આ તિરંગા યાત્રામાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે ભાવનગરના પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા અને ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલ પણ જોડાયાં હતાં. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, આજની રેલીએ દેશભક્તિ અને દેશદાઝની પ્રતીતિ કરાવતી રેલી નહીં પરંતુ રેલો છે. આજની રેલીમાં ભાવનગરના નિવૃત્ત ફૌજીઓ પણ જોડાયાં છે તે તેની મહત્તા દર્શાવે છે. તેમણે જણાવ્યું કે, આજની રેલીમાં સમગ્ર ભાવનગરની જનતાએ ઉમટી પડીને પોતાનો જન્મદિવસ હોય તે રીતે ભાવનગર શહેરના જન્મદિવસની ઉજવણી કરી છે. ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલે ભાવનગર શહેરના જન્મદિવસની આવી પ્રશસ્તી કરતી ઉજવણી દેશના બીજા કોઈ પ્રદેશમાં થઈ હોય તેવું ધ્યાનમાં નથી તેમ જણાવી રાજ્ય સરકારનો આવી ઉજવણી કરવાં માટે આભાર પ્રગટ કર્યો હતો. તિરંગા યાત્રા નિલમબાગ પહોંચ્યાં બાદ નિલમબાગ સર્કલ સ્થિત મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને બંન્ને મંત્રીઓએ અને મહારાજાએ પુષ્પાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ બંન્ને મંત્રીઓએ જશોનાથ સર્કલ પાસે આવેલ વાસણ ઘાટ ખાતે આવેલ મહારાજા ભાવસિંહજી અને કૃષ્ણકુમારસિંહજીની સમાધિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તિરંગા યાત્રામાં મેયર કિર્તિબેન દાણીધારીયા, શહેર ભા.જ.પા. પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, કે.પી.સ્વામી, સ્થાનિક કોર્પોરેટરો અને ભાવેણાવાસીઓ જોડાયાં હતાં.

Previous articleભાવનગરમાં શહેરમાં ઘણાં લાંબા સમય બાદ એક કોરોનાનો નવા કેસ નોંધાયો
Next articleભાણગઢમાં દિવંગત કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાનું યુવરાજ જયવીરરાજસિંહજીના હસ્તે થયું અનાવરણ