પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમીને આજીવન કેદ

74

8 માસ પૂર્વેના પાલીતાણાના બનાવનો ભાવનગર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી. વચ્છાણીનો ચુકાદો
આઠેક માસ પૂર્વે પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે રહેતા રાવળદેવ આધેડની હત્યા કરનાર પત્ની અને તેના પ્રેમીને ભાવનગર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજે આજીવન કેદની સજા અને રોકડ દંડ ફટકારતા નાનકડા એવા ગામમાં ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.5-9-2021 ના રોજ પાલીતાણા તાલુકાના નાના રાજસ્થળી, જુના ઘેલાપર, લુવારવાડી ખાતે રહેતા અશોકભાઈ નાનુભાઈ પાંગળ રાવળદેવ ઉ.ય.43ની અશોકભાઈના પત્ની ભાવનાબેન ઉર્ફે ભાવુના કહેવાથી તેના પ્રેમી રાજુ રામજીભાઈ કણબી રાવળદેવ ઉ.વ.35 રહે. નાની રાજસ્થળી કાગડાધારએ મોડીરાત્રીના અશોકભાઈ સુતા હતા, તે દરમિયાન માથાના પાછળના ભાગે લોખંડનો જાડા સળીયાનો ઘા ફટકારી હત્યા કરેલ આ બનાવ અંગેની ફરીયાદ અશોકભાઈના પુત્ર રાહુલે નોંધાવતા પાલીતાણા પોલીસે આઈપીસી 302, 120 બી, 34 તથા જીપીએક્ટ 135 મુજબ ગુન્હો નોંધી બન્નેની ધરપકડ કરેલ. અશોકભાઈના પત્ની ભાવનાબેન ઉર્ફે ભાવુને કાગડાધાર ખાતે રહેતા રાજુ કણબી સાથે પ્રેમ પાંગર્યો હોય તેમા પતિ આડખિલી રૂપ બનતો હોય તેનો કાંટો કાઢી નાખવાનો નક્કી કર્યુ હોય અને ગત તા.5-9-2021 ના રોજ ભાવનાબેનના કહેવાથી રાજુ કણબીએ રાત્રીના 2:30 વાગ્યા આસપાસ અશોકભાઈ વાડામાં સુતા હતા તે દરમિયાન ત્યાં જઈ માથામાં લોખંડના સળીયાના ફટકા મારી હત્યા કરી નાસી છુટેલ. જેની ફરિયાદના આધારે બન્નેની ધરપકડ કરી હતી. આ બનાવ અંગેનો કેસ આજે ભાવનગર ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કાર્ટમાં ચાલી જતા સરકારી વકિલ મનોજ જાેષીની દલીલો તેમજ મૌખીક પુરાવા અને 35 દસ્તાવેજી પુરાવા ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીકટ જજ આર.ટી. વચ્છાણીએ અશોકભાઈના પત્ની ભાવના ઉર્ફે ભાવુ તથા તેના પ્રેમી રાજુ રામજી કણબીને આજીવન કેદની સજા તથા રોકડ દંડ ફટકાર્યો હતો.

Previous articleભાવનગરના વડવા પાસે આવેલા બહુચર માતાજીનો 18 મો પાટોત્સવનો આજથી પ્રારંભ
Next articleતળાજા રોડ ફોરલેનનું કામ ૧ વર્ષથી લટક્યું, ૧૫.૨૦ કરોડના નવા કામોને મળશે મંજૂરી