૪૧.૭ ડિગ્રી સાથે પુનઃ અંગદાહક ગરમીનો પ્રકોપ

60

સરેરાશ ૨૦ કીમી.ની ઝડપે ફૂકાયેલા ગરમ પવનથી લોકો ત્રાહીમામ
સમગ્ર રાજ્ય ભરની સાથોસાથ ભાવનગરમાં ઉનાળાની સિઝનમાં બીજા રાઉન્ડની ગરમી શરૂ થઈ ગઈ છે દિન પ્રતિદિન તાપમાન વધી રહ્યું હોવાના કારણે ભાવેણાવાસીઓ અંગ દાહક ગરમીનો સામનો કરી રહ્યા છે.સાથોસાથ ગરમ પવન ફૂકાવાના કારણે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે જોકે હજુ બે-ચાર દિવસ સુધી કાળઝાળ ગરમીથી રાહય મળે તેવા કોઇ અણસાર મળી રહ્યાં નથી. સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથોસાથ ભાવનગરમાં ગત સપ્તાહે થયેલા હીટવેવના કારણે લોકોએ અસહ્ય ગરમીનો સામનો કર્યો હતો અને હજુ તાપમાન થોડું ઘટવાની શરૂઆત થઈ ત્યાં ફરી પવનની દીશા બદલાવા સાથે બીજા રાઉન્ડમાં ગરમી શરૂ થઈ છે. ઉતર તરફથી શરૂ થયેલા સુકા ગરમ પવનની સાથે તાપમાનમાં છેલ્લા ચાર દિવસમાં ચાર ડિગ્રીનો વધારો થવા પામ્યો છે. રવિવારે રજાના દિવસે મહતમ તાપમાન વધીને ૪૧.૭ ડિગ્રી પહોંચી જવા પામ્યું હતું અને સાથે સરેરાશ ૨૦ કીમી.ની ઝડપથી ગરમ પવન ફૂકાતા અંગ દઝાડતી ગરમી સાથે ગરમ લૂ નો પણ લોકોએ સામનો કર્યો હતો. રવિવારે રજાનો દિવસ હોય અને ગરમી પણ અસહ્ય હોવાન કારણે મોટા ભાગના લોકોએ ઘરની બહાર બપોરના સમયે નિકળવાનુ ટાળ્યુ હતું જેથી બપોરના સમયે રસ્તાઓ સુમસામ બન્યા હતા. કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓને પણ પાણી પીવા માટે વલખાં મારવા પડ્યા હતા. ગરમીનો પ્રકોપ હજુ ત્રણ-ચાર દિવસ યથાવત રહેશે તેવુ મનાઈ રહ્યું છે.

Previous articleયુક્રેનની શાળા પર કર્યો બોમ્બમારો ૬૦થી વધુ લોકોના મોતની આશંકા
Next articleશહેરમાં ૫ સ્થળે બોંબ પ્લાન્ટ કર્યાંનો પાકિસ્તાનથી ફોન આવ્યો અને પોલીસને થઇ પડી દોડધામ