શહેરમાં ૫ સ્થળે બોંબ પ્લાન્ટ કર્યાંનો પાકિસ્તાનથી ફોન આવ્યો અને પોલીસને થઇ પડી દોડધામ

79

સર ટી હોસ્પિટલ, ગંગાજળીયા તળાવ, કાળિયાબીડ અને ઘોઘા સર્કલમાં બોંબ મુકાયો હોવાનું એએસપીને ફોન કરી કહ્યું- પોલીસ દોડતી રહી કઇ મળ્યું નહી : આખરે શખ્સ અમરેલીથી દબોચાયો
ભાવનગરમાં સર ટી. હોસ્પિટલ સહિત પાંચ સ્થળે બૉમ્બ પ્લાન્ટ કર્યા છે અને પોતે પાકિસ્તાનથી બોલે છે તેમ અજાણ્યા શખ્સએ એએસપી સફિન હસનને ફોન કરી જણાવ્યું હતું. આ મામલે પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને ખાનગી ફોનમાં જણાવેલ સ્થળો પર બૉમ્બ ડિસપોઝલ સ્કવોર્ડ સાથે તપાસ હાથ ધરી હતી.
જોકે, કશું નહીં મળતા પોલીસે રાહતનો દમ લીધો હતો. ચાર દિવસ પૂર્વેની ઘટનામાં આરોપીને પકડી લેવા સાથે પોલીસ તંત્રએ આ ચકચારી પ્રકરણની વિગતો પણ આજે જ જાહેર કરી હતી. આ બનાવમાં પોલીસે જણાવ્યા મુજબ ગઇ તા. ૦૫.૦૫.૨૦૨૨ના રોજ એક શખ્સએ ભાવનગર પોલીસ વિભાગને તે પોતે પાકિસ્તાનથી બોલુ છુ અને તેણે ભાવનગર શહેરના ઘોઘા સર્કલ , વીરાણી સર્કલ, કાળીયાબીડ, સર ટી હોસ્પીટલ તથા ગંગાજળીયા તળાવ ખાતે બોમ્બ પ્લાન્ટ કર્યા છે અને બોમ્બ ધડાકા થવાના છે તેમ ફોનથી જાણ કરેલ. જે બાબતને ગંભીરતાથી લઇ જે ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આર.આઇ.સોલંકી એ પોતાના પોલીસ સ્ટાફને તથા બોમ્બ ડીસ્પોઝલ સ્કોવર્ડ તથા એસ.ઓ.જી. શાખાના કર્મચારીઓને સાથે રાખી ભાવનગરના ઘોઘા સર્કલ, વીરાણી સર્કલ, કાળીયાબીડ, સર ટી હોસ્પીટલ તથા ગંગાજળીયા તળાવ ખાતે સર્ચ કર્યું હતું. જેમાં કોઇ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવેલ નહીં. ફોન કરનાર શખ્સે તેનો ફોન બંધ કરી દીધો હતો. આ બનાવમાં પોલીસે કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ કરેલ હતી. આ તપાસ દરમ્યાન ટેકનીકલ સોર્સની મદદ લઇ ફોન કરનાર શખ્સ બાબતે પોલીસ શોધખોળમાં હતી તે દરમ્યાન ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ.વી.વી.પંડ્યાને અંગત બાતમીદાર મારફતે ચોક્કસ બાતમી હકીકત આધારે ફોન કરનાર ઇસમ મયંકભાઇ જગદિશભાઇ મહેતા (ઉ.વ .૨૫ રહે – અમરેલી, ગજેરા પરા , સાવરકુંડલા રોડ , મંગળાબેન બાળ મંદીર પાસે , અમરેલી) ને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરી છે.

Previous article૪૧.૭ ડિગ્રી સાથે પુનઃ અંગદાહક ગરમીનો પ્રકોપ
Next articleમાસુમ બાળક ઉપર જ્વલનશીલ પદાર્થ ફેંકી અંજાણ્યો શખ્સ ફરાર