૧૯ મી ઓગસ્ટથી સમ્પૂર્ણ રાજ્યમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરાશે

209

ભારતની પ્રતિષ્ઠા સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ છે. જેના સંરક્ષણ અર્થે આદિ જગદગુરુ શ્રી શંકરાચાર્યજી મહારાજથી આરંભીને અત્યાર સુધીના મહાપુરુષોએ, વિવિધ સંસ્કૃત વિશ્વવિદ્યાલયોએ, મહાવિદ્યાલયોએ, વિદ્યાલયોએ તેમજ સ્વતંત્ર પાઠશાળાઓએ, પરિષદોએ, સમિતિઓએ અસંખ્ય સેવાકીય કાર્યો કર્યા છે. જેના આપણે સાક્ષી છીએ. ભારતની પ્રતિષ્ઠાનુ રક્ષણ કરવું તે દરેક ભારતીય નાગરિકનું ઉત્તર દાયિત્વ બને તેવી પ્રેરણા સાથે આજે પી.એન.આર સોસાયટી ભાવનગર સંચાલિત હાઈટેક ઈન્ક્‌લુઝિવ સ્કૂલમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી વિશે માહિતી અપાઈ હતી. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓને સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી શૃંગેરી, કર્ણાટકના શ્રી મહર્ષિગૌતમભાઈ દવે દ્વારા ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહ દરમિયાન ઉજવવામાં આવતી વિવિધ સ્પર્ધાઓના નિયમોથી અવગત કરાવવામાં આવ્યા હતા. જેમા ૧. સંસ્કૃત કથા ૨. મહાપુરુષોનું જીવન ચરિત્ર ૩. સુભાષિત કંઠ પાઠ, સ્તોત્ર ગાન ૪. સંસ્કૃત ગીત ગાન ૫. નિબંધ લેખન વગેરેનો સમાવેશ કરાયો છે. આ દરમિયાન ગુ.રા.સં.બોર્ડના વિજય સાહેબ દવેએ જણાવ્યું હતું કે આપણે જાણીએ છીએ કે સ્પર્ધા તો છાત્રોના સર્વાંગી વિકાસમાં સહભાગી બને છે. પણ જ્યારે સંપૂર્ણ વિશ્વ સંસ્કૃત શિખવા માટે પ્રયત્ન શીલ છે ત્યારે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત ભાષાના ઉત્થાન માટે અને આપણા બાળકો સંસ્કૃતિથી વંચિત ન રહે તે હેતુથી ઘણા ખરા પ્રયત્નો શરૂ કર્યા છે. જેમાનો સંસ્કૃત સપ્તાહ તારીખ ૧૯ મી ઓગસ્ટથી ૨૫ મી ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાથી આરંભીને યુનિવર્સિટી સુધીની કક્ષાએ ઉજવવામાં આવશે. આ અવસરે દરેક વિદ્યાર્થી મિત્રોએ ભાગ ગ્રહણ કરવો.