શહેરના ૫ કોચિંગ ક્લાસીસો GSTના રડારમાં

114

સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને બોર્ડના કોચિંગના કલાસીસ પર એસજીએસટી ટીમે કર્યા રાજય વ્યાપી દરોડા
કોચિંગ ક્લાસીસ ચલાવતા એકમો પર મંગળવારે એસજીએસટીએ રાજય વ્યાપી કાર્યવાહી કરી સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ભાવનગરના ૫ એકમો પણ ઝપટે ચડ્યા છે. જેમાં વર્લ્‌ડ ઇનબોક્સ નોલેજ શેરીંગ પ્રા. લી., વર્લ્‌ડ ઇનબોક્સ એડયું.પેપર પ્રા. લી., વર્લ્‌ડ ઇનબોક્સ એકેડેમી, સ્વામી વિવેકાનંદ એકેડેમી અને વેબસંકુલ પ્રા.લી.નો સમાવેશ થાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવતા કલાસીસ અને ધોરણ ૧૦ અને ૧૨ના કલાસીસ ચલાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે.

રાજ્યમાં પહેલી વખત આવા કલાસીસ ઉપર સાગમટે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. એસજીએસટીની ટીમ દ્વારા ભાવનગર સહિત રાજ્યના ૧૩ એકમોના ૪૮ કલાસીસના સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી તે તેમામ કલાસીસ સંચાલકો જીએસટીમાં રજીસ્ટર છે અને કેટલાક કલાસીસે તો જીએસટી નંબર પણ લીધો નથી. આ સંચાલકોએ જીએસટીમાં ઓછો ટેકસ ભર્યો હોવાથી જીએસટીના રડારમાં આવ્યા છે. જીએસટીના સિસ્ટમ બેઝડ એનાલિસીસ અને માર્કેટ ઇન્ટેલિજન્સમાં કલાસીસના વ્યવહારો અને બેન્કના વ્યવહારોમાં વિસંગતતા સામે આવી હતી. કલાસીસ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લાખોની ફીની રોકડમાં લઇને તેનો કોઇ હિસાબ ચોપડે લેવાતો નહોતો. કલાસીસ સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસેથી એડવાન્સ પણ રકમ લીધી હોવાનું પણ બહાર આવ્યું છે. મંગળવારે સવારથી શરૂ થયેલા જીએસટીના દરોડામાં સ્ટેટ જીએસટીના ૧૪૦ કરતા વધારે કર્મચારીઓ જોડાયા હતા. જેમાં દરોડાની કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હોવાનું જાણવા મળ્યું છે.

Previous articleકુંભારવાડા ખારમાંથી રૂા.૮.૨૬ લાખના શક પડતા ભંગાર સાથે ૬ શખ્સ ઝડપાયા
Next articleબંધ ટ્રક પાછળ ઈકો કાર ઘુસી જતા ભાવનગરના યુવાનનું નિપજેલું મોત