પાલીતાણાની શાળામાં કોરોના કાળ દરમિયાન પ્રાથમિક શાળામાં થયેલ શૈક્ષણિક નુકશાનને સરભર કરવાં વાંચન, લેખન અંગે સમર કેમ્પનું આયોજન

64

શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આ શૈક્ષણિક યજ્ઞમાં જોડાઇને પોતાનું જ્ઞાનનું અર્પણ, સમર્પણ અને તર્પણ કરશે : સમર કેમ્પની પ્રવૃત્તિ વિશે જાણીને પાલીતાણાના જજ મેહુલભાઇ વ્યાસે પણ સમર કેમ્પની મુલાકાત લીધી
કોરોનાકાળ દરમિયાન ભૌતિક રીતે શાળાએ ન જઇ શકવાને કારણે વિદ્યાર્થીઓને લેખન -ગણનને થયેલાં નુકશાનને સરભર કરવાં માટે ભાવનગરના પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી શાળામાં સમર વેકેશન કેમ્પ યોજીને વિદ્યાર્થીઓની લેખન- ગણનની ક્ષમતા વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોરોનાને કારણે શિક્ષણ બે વર્ષ શૈક્ષણિક કાર્ય બંધ રહેવાને કારણે ધોરણ-૧ ના વિદ્યાર્થીઓ સીધા ધોરણ-૩ માં અને ધોરણ-૬ ના વિદ્યાર્થીઓ સીધા ધોરણ-૮ માં અને ધોરણ-૭ ના વિદ્યાર્થીઓ સીધા ધોરણ-૯ માં પ્રવેશ મેળવશે. પરંતુ તેમની ક્ષમતા કરતાં વધુ ભણતરનું ભારણ તેમના પર આવશે કારણ કે, કોરોનાને કારણે તેમની લખવાની શક્તિ અને ક્ષમતા પર વિપરીત અસર થઇ છે. ત્યારે આ ભારણને ઘટાડવાં અને તેમની ક્ષમતામાં વૃધ્ધિ કરવાં માટે પાલીતાણાના શિક્ષકશ્રી નાથાભાઇ ચાવડાએ પોતાની શાળાના બાળકો માટે વાંચન, લેખન અને ગણન સમર કેમ્પનું આયોજન કર્યું છે. આ સમર કેમ્પની પ્રવૃત્તિથી પ્રભાવિત થઇને પાલીતાણાના જજ મેહુલભાઇ વ્યાસે આ બાળકોની મુલાકાત શાળામાં લીધી હતી. અને તેમણે વર્ગ મુલાકાત લઇને અભ્યાસ કરતાં તમામ બાળકોનું મોં મીઠું પણ કરાવ્યું હતું. તેઓએ પાલીતાણાની સરકારી પ્રાથમિક શાળા ખાતે તા. ૨૦ મે થી જરૂરિયાત વાળા બાળકો માટે દરરોજ સવારે-૨ કલાક સમર કેમ્પનું આયોજન કર્યું છે. નાથાભાઇ દ્વારા સંચાલિત આ સમર કેમ્પમાં હાલ ૧૦૦ થી વધુ બાળકો ભાર વગરના ભણતર પાઠ શીખી રહ્યાં છે. આ કાર્યમાં શિક્ષકને પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ મદદરૂપ થવાના છે. પોતે મેળવેલ જ્ઞાનનું તેઓ તેમની હવે પછીની પેઢીને આપીને એક રીતે શૈક્ષણિક ઋણ ચૂકવશે. રાજ્યમાં કદાચ આ પ્રથમ ઘટના છે. જ્યાં શૈક્ષણિક નુકશાનને ઘટાડવાં માટે એક સૌહાર્દ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ પોતાનું યોગદાન આપી જ્ઞાનનું અર્પણ, સમર્પણ અને તર્પણ કરશે. વિદ્યાર્થીઓના હિતમાં આ સમર કેમ્પ વેકેશન ખુલે ત્યાં સુધી ચલાવવામાં આવશે અને તે દ્વારા વિદ્યાર્થીઓને પોતાની જૂની લયમાં લાવવામાં આવશે. જેથી અચાનક વર્ગને કુદાવીને આગળ આવેલાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક મુશ્કેલી ન પડે અને સરળતાથી નવાં વર્ગનું શિક્ષણ સહજતાથી મેળવી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષકશ્રી નાથાભાઇ ચાવડા આ અગાઉ પણ અનેક વિદ્યા પ્રેરક અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ કરતાં રહ્યાં છે. આ પ્રવૃત્તિથી તેમની યશ કલગીમાં એકની વૃધ્ધિ થઇ છે.

Previous articleતળાજા શેત્રુંજી નદીના પટમાંથી અજાણ્યા યુવાનની મળેલી લાશ
Next articleતસ્કરોએ ATM મશીન ખોલી નાખ્યું!: કેશ બોક્સ ખુલે તે પહેલા જ પોલીસ પહોંચી ગઇ