ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના હોદ્દેદારો સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ભાવનગરની ખાસ મુલાકાતે આવ્યા હતા. જેમાં સીનીયર ઉપપ્રમુખ ડો.જયમીન વાસા, માનદ કોષાધ્યક્ષ પ્રતાપભાઈ ચંદન, સેક્રેટરી જનરલ ધર્મેન્દ્રભાઈ જોશી તથા ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સુરેન્દ્રનગરના પ્રમુખ અને રીજીયોનલ કાઉન્સીલના કો-ચેરમેન રક્ષીતભાઈ કોઠારી વગેરે આવેલ હતા. કાર્યક્રમના પ્રારંભમાં ચેમ્બરના પ્રમુખ મહેશભાઈ ભટ્ટ તથા અન્ય સભ્યોએ સ્વાગત કરેલ.
આ પ્રસંગે વક્તવ્ય આપતા ડો.જયમીનભાઈ વાસાએ જણાવેલ કે, રાજ્યના જિલ્લા અને તાલુકાઓમાં વસતા તમામ નાના મોટા વેપારીઓ-ઉદ્યોગપતિઓના વ્યવસાય અંગેના પ્રશ્નો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીને મોકલે છે અને તેનો યોગ્ય પ્રયત્નો કરી હલ કરવા કાર્ય થાય છે પરંતુ નવા અભિગમમાં ગુજરાત ચેમ્બરે આ માટેની ખાસ રીજીયોનલ કમિટી બનાવેલ છે. જેમાં જુદી-જુદી ૯ ચેમ્બરનો સમાવેશ કરવામાં આવેલ છે અને ગુજરાતને ચાર ઝોનમાં વહેંચવામાં આવેલ છે. આ રીજીયોનલ કાઉન્સીલના માધ્યમથી જિલ્લા-તાલુકાના વ્યાપારી સંગઠનોની પાસે જઈ તેમના મહત્વના પ્રશ્નો સાંભળવા, જેના કારણે પ્રશ્નોને સારી રીતે સમજી-જાણી શકાય છે. વેપારીઓ, ઉદ્યોગપતિઓના દ્વારા મળતા સાથ-સહકારથી સંગઠન શક્તિ અને એક્તા વધે છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતાપભાઈ ચંદન, રક્ષીતભાઈ કોઠારીએ વક્તવ્ય દ્વારા માર્ગદર્શન આપેલ તથા મજબુત સંગઠન માટે અપીલ કરેલ છે. ચેમ્બરના પ્રમુખ મહેશભાઈ ભટ્ટે ભાવનગરના વેપાર-ઉદ્યોગ તથા આમ જનતાને લગતા વિવિધ પ્રશ્નો જેવા કે ભાવનગર-પીપળી ફોરલેન, રો-રો ફેરી સર્વિસ, એર કનેક્ટીવીટી, નવી જીઆઈડીસીની સ્થાપના વગેરે અંગે વિસ્તૃત રજૂઆત કરેલ.શીપ રીસાયકલીંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના માનદ મંત્રી નીતિનભાઈ કાણકીયાએ જીએસટીને ધ્યાને લઈ તથા અન્ય કાયદાઓને લઈને જે પ્રશ્નો ઉભા થાય છે તેની રજૂઆત કરી હતી. પ્લાસ્ટીક ઉદ્યોગના પ્રશ્નો અંગે ભુપતભાઈ વ્યાસે હીરા ઉદ્યોગ માટે વિઠ્ઠલભાઈ મેંદપરાએ, મીઠા ઉદ્યોગ માટે પ્રકાશભાઈ ગોરસીયાએ અનાજ-કરીયાણા માટે વિઠ્ઠલભાઈ મેંદપરાએ, મીઠા ઉદ્યોગ માટે પ્રકાશભાઈ ગોરસીયાએ, અનાજ-કરીયાણા માટે ભરતભાઈ ગાંધીએ, અલંગ શીપ મશીનરી એસોસીએશનના પ્રશ્નો અંગે પ્રમુખ રમેશભાઈ દોશીએ, દવાના વેપારીઓ માટે અનિલભાઈ યાદવ તથા સાબુના વેપારીઓ માટે ફતેચંદભાઈ રાજાઈએ, ડીસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ ઈન્ડસ્ટ્રી વતી સમીરભાઈ શાહ તથા જયભાઈ ડેલીવાલાએ, હિતેશભાઈ રાજ્યગુરૂએ જીએસટીને લગતા પ્રશ્નો અંગે તથા ઉદ્યોગપતિ જતીનભાઈ ઠક્કરે ફેક્ટરી એક્ટ અંગે પોતાના પ્રશ્નો રજૂ કર્યા અને રીજીયોનલ કમિટીએ સાંભળ્યા તથા યોગ્ય સ્થળે રજૂઆત કરવાની ખાત્રી પણ આપેલ.