શિક્ષણમંત્રીના મત વિસ્તારમાં જ લોકોને પાણી માટે વલખાં, ભાવનગરના ફુલસર વિસ્તારની મહિલાઓનો માટલા ફોડી વિરોધ

46

પાણીની હાલાકી સામે મહિલાઓનો હલ્લાબોલ : ફુલસર વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણી આવ્યું નથી : વિસ્તારની મહિલાઓને ઘરકામ છોડી અને પાણી માટે આમથી તેમ વલખાં મારવા પડ્યાં
ઉનાળો પૂરો થવાની તૈયારી છે ત્યાં ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણીનો પોકાર ઉઠ્‌યો છે. જો કે ઉનાળાની શરૂઆતથી જ કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા શરૂ થઈ હતી. પરંતુ હવે ઉનાળાના અંતે મોટાભાગના વિસ્તારોમાં પાણીને લઈને મહિલાઓ કાળો કકળાટ કરતી જોવા મળી રહી છે. આવી જ પરિસ્થિતિ ભાવનગર શહેરના ફુલસર વિસ્તારની છે જ્યાં મહિલાઓ દ્વારા માટલા ફોડી અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ વોર્ડ ભાવનગરના મેયરનો તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનો મત વિસ્તાર છે.

ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલી મોટાભાગની સોસાયટીઓમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણી આવ્યું નથી. જેના કારણે આ વિસ્તારની મહિલાઓને ઘરકામ છોડી અને પાણી માટે આમથી તેમ વલખાં મારવા પડ્યાં છે .તેમજ આ વિસ્તારના પુરુષો પણ પાણીની વેતરણમાં જોડાયા છે. હાલ બાળકોને વેકેશન હોઇ જ્યારે પાણીના ટાંકા આવે છે ત્યારે બાળકો-પુરુષો સહિત ઘરના તમામ લોકો પાણી એકત્ર કરવામાં લાગી જાય છે. આટલું જ નહીં રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મજૂર લોકોએ પોતાનું કામ ધંધો છોડી અને રીક્ષામાં ટીપણા મૂકી દૂર સુધી પાણીની શોધમાં નીકળી જાય છે. એવું નથી કે આ વિસ્તારના લોકોએ તંત્રને રજૂઆત નથી કરી પરંતુ તેમની રજૂઆત તંત્રના બહેરા કાને પહોંચી નથી ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા ને આ વિસ્તારના લોકોએ ખોબલે-ખોબલે મત આપી અને મેયર બનાવ્યા અને હવે તેના બદલામાં આ વિસ્તારની મહિલાઓને દૂર દૂર સુધી પાણી માટે વલખા મારવા પડે રહ્યા છે જ્યારે ભાવનગરના મેયર મહિલા હોવા મહિલાનું દુઃખ સમજી શકતા નથી. રાજ્યમાં ઉનાળા દરમિયાન ક્યાંય પણ પાણીની સમસ્યાઓ નથી એવી ગુલબાંગો ફૂંકતી સરકારના શિક્ષણ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીના જ મત વિસ્તારમાં પાણીના પ્રશ્નને લઈને મહિલાઓ દ્વારા માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કરવો પડી રહ્યો છે. ભાવનગર શહેરના ચિત્રા ફુલસર નારી વોર્ડમાં આવેલા ફુલસર ગામ તળ તેમજ ફુલસર કર્મચારીનગર સહિતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીનું એક ટીપું પણ આવ્યું નથી, જેને લઇને આ વિસ્તારના લોકોની સહનશક્તિ ખૂટતા આજે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ ભાજપ સરકાર હાય હાયના નારા લગાવી માટલાઓ ફોડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.