દેશમાં ખાંડનું રેકોર્ડ ૩૫૫.૫૦ લાખ ટન ઉત્પાદનનો અંદાજ

35

દેશમાં વધુ ખાંડ ઉત્પાદક રાજ્યોનું સ્થાન બદલાયું : મહારાષ્ટ્રનું ખાંડનું ઉત્પાદન ૧૩૮ લાખ ટન સુધી પહોંચવાનો અંદાજ : ૧૦૪ લાખ ટન ખાંડના ઉત્પાદન સાથે યુપી બીજા સ્થાને
નવી દિલ્હી, તા.૩૧
દેશમાં સૌથી વધુ ખાંડ ઉત્પાદક રાજ્યોનું સ્થાન બદલાયું છે અને તે પણ મોટા તફાવત સાથે. વર્તમાન પિલાણ સિઝનમાં (ઓક્ટોબર, ૨૦૨૧ થી સપ્ટેમ્બર, ૨૦૨૨) મહારાષ્ટ્રનું ખાંડનું ઉત્પાદન ૧૩૮ લાખ ટન સુધી પહોંચવાનો અંદાજ છે. જ્યારે ૧૦૪ લાખ ટન ખાંડના ઉત્પાદન સાથે ઉત્તર પ્રદેશ બીજા સ્થાન પર પહોંચી ગયું છે. મહારાષ્ટ્ર ૨૦૧૫-૧૬ સુધી ઉત્તર પ્રદેશથી આગળ હતું. યુપી ૨૦૧૬-૧૭માં તેનાથી આગળ નીકળ્યું અને ૨૦૨૦-૨૧ની સીઝન સુધી દેશનું સૌથી મોટું ખાંડ ઉત્પાદક રાજ્ય બની રહ્યું હતું પરંતુ ૫ વર્ષ બાદ મહારાષ્ટ્રએ તેને પાછળ છોડ્યું છે. જોકે, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ઉત્પાદન વધવાને કારણે દેશમાં આ વર્ષે રેકોર્ડ ૩૫૫.૫૦ લાખ ટન ખાંડના ઉત્પાદનનો અંદાજ છે. નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ શુગર ફેક્ટરીઝ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર પ્રકાશ નાયકનવરે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં ખાંડના ઉત્પાદનમાં જંગી વધારાના ત્રણ કારણો છે. સારો વરસાદ અને જળાશયોમાં વધુ પાણી, શેરડીના વિસ્તારમાં વધારો અને શેરડીની ઉત્પાદકતામાં મોટો વધારો છે. નાયકનવરે કહ્યું કે, ચાલું પિલાણ સીઝનમાં મહારાષ્ટ્રમાં શેરડી ઉત્પાદન ૯૦ ટન પ્રતિ હેક્ટરથી વધીને ૧૦૫ ટન પ્રતિ હેક્ટર થયું છે. રાજ્યમાં શેરડીની ૮૬૦૩ જાત સારી ઉત્પાદકતા આપી રહી છે. આ સાથે જ તેમનું કહેવું છે કે, સારા વરસાદ સાથે ખેડૂતોએ પાકની સારી કાળજી લીધી છે કારણ કે, તેઓ જાણતા હતા કે, તેઓને આ વર્ષે શેરડીનો સારો ભાવ મળશે. રાજ્યમાં ચાલુ વર્ષે ખાંડનું ઉત્પાદન વધવાનું એક કારણ બિન નોંધાયેલ શેરડીનો વિસ્તાર પણ છે, જેને બિન નોંધાયેલ શેરડીનો વિસ્તાર કહેવામાં આવે છે. વર્ષ ૨૦૨૦-૨૧માં રાજ્યનો શેરડીનો વિસ્તાર ૧૧.૪૨ લાખ હેક્ટર હતો, જ્યારે રાજ્યના સુગર કમિશનરની ઓફિસના જણાવ્યા પ્રમાણે વર્તમાન પિલાણ સિઝનમાં રાજ્યના શેરડીનું ક્ષેત્રફળ લગભગ એક લાખ હેક્ટરથી વધીને ૧૨.૪ લાખ હેક્ટર પર પહોંચી ગયું છે. આ વધારાનો શેરડીનો વિસ્તાર સુગર મિલોમાં નોંધાયેલ ન હતો. મોટાભાગના બિન નોંધાયેલ વિસ્તાર મરાઠવાડાના અહમદનગર અને સોલાપુર જિલ્લામાં છે જે ઘણીવાર દુષ્કાળથી પ્રભાવિત રહે છે પરંતુ આ વખતે સારા વરસાદને કારણે પરિસ્થિતિ બદલાઈ છે અને શેરડીના વાવેતરમાં વધારો થયો છે. રાજ્યમાં વધુ પડતી શેરડીના કારણે સુગર મિલો જૂન સુધી પિલાણ ચાલુ રહેવાની અપેક્ષા રાખે છે. મહારાષ્ટ્ર સિવાય કર્ણાટકમાં પણ ઉત્પાદન સારુ થયું છે અને તે ૬૦ લાખ ટન સુધી પહોંચી ગયું છે. ગુજરાતમાં ૨૦૧૦-૧૧ના ૧૨.૩૫ લાખ ટનના રેકોર્ડ બાદ આ વર્ષે અહીં ખાંડનું ઉત્પાદન ૧૨ લાખ ટન થયું છે. ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન ૨૦૧૯-૨૦માં૧૨૬.૩૭ લાખ ટન પર પહોંચી ગયું હતું જે ચાલું સીઝનમાં ઘટીને ૧૦૪ લાખ ટન આવી ગયું છે. આ પ્રથમ ૫ વર્ષમાં સૌથી ઓછું છે.

Previous articleદેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રહેવાની હવામાન ખાતાની આગાહી
Next articleવલલભીપુર શહેરમાં તાજેતરમાં બનાવેલો સી.સી. રોડ તોડીને ફરી બનાવવા આદેશ