કુલગામમાં આતંકીઓએ બેંકના કર્મચારીની ગોળી મારી હત્યા કરી

23

કાશ્મીરમાં ફરી વાર હિન્દુ નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે : બેંક મેનેજર વિજય કુમારની હત્યા બાદ સુરક્ષાકર્મી એલર્ટ : આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો અને હુમલાખોરોની શોધ શરૂ કરી દેવામાં આવી છે
જમ્મુ, તા.૨
જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત હિન્દુ નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કુલગામમાં એક બેંક કર્મચારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. રાજસ્થાનના નિવાસી વિજય કુમાર ઘાટીમાં બેંક મેનેજર તરીકે કામ કરી રહ્યા હતા. શંકાસ્પદ આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં તેમની હત્યા કરી દીધી છે. એક શીર્ષ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કુલગામમાં ઈલાકાહી દેહાતી બેંકના મેનેજર વિજય કુમાર પર આજે સવારે જિલ્લાના આરેહ વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આતંકીઓએ તેમના પર ગોળી ચલાવી હતી ત્યારબાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. કુલગામની આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ઘાટીમાં આતંકવાદીઓ દ્વારા બહારના લોકો, કાશ્મીરી પંડિતો અને હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવ્યા છે. આ અઠવાડિયામાં આ નાગરિકો પર થયેલો બીજો હુમલો છે. આ અગાઉ કુલગામ જિલ્લામાં જ રજની બાલા નામની એક શિક્ષિકાની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. બીજી તરફ બેંક મેનેજર વિજય કુમારની હત્યા બાદ સુરક્ષાકર્મી એલર્ટ થઈ ગયા છે. આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોની શોધ શરૂ કરી દેવામાં આવી છે. આ મહીનામાં ઘાટીમાં આતંકવાદીઓના નિશાન પર સામાન્ય નાગરિકો છે તેના કારણે સરકાર પણ ચિંતિત છે.

Previous article૧૨૦૦ કરોડની ઓફરના સવાલ પર હાર્દિકને પરસેવો વળી ગયો
Next articleવિશ્વમાં અત્યાર સુધી મન્કીપોક્સ વાયરસના ૩૦૦થી વધારે કેસ