ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ સિટી બસની સુવિધા શરૂ કરવા બાઇક રેલી યોજી, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

44

શહેરની કાળિયાબીડ પાણીની ટાંકીથી કોર્પોરેશન સુધી બાઈક રેલી યોજાઈ
ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારમાં સિટી બસ સેવા બંધ છે. ત્યારે આજે સેમવારના રોજ સિટી બસના પ્રશ્ને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાળીયાબીડથી કોર્પોરેશન સુધી બાઇક રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા આપવામાં આવેલ સીટી બસનો કોન્ટ્રાક્ટર દ્વારા ભરતનગર સિવાય કોઈપણ વિસ્તારમાં બસ ચાલતી નથી, શહેરમાં વ્યાપક પ્રમાણમાં વિસ્તારો વધ્યા છે, તેમાં પણ પાંચ ગામ કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યા છે. છતાં ગામમાં તેમજ ભાવનગરના લગભગ તમામ વિસ્તારમાં સીટી બસ સુવિધાનો લાભ મળતો નથી અને મોંઘવારીમાં લોકોને અતિશય મોંઘી રિક્ષા ખર્ચીને લોકોને ના છુટકે કામ-ધંધા, રોજગાર ઉપર આવવા જવા માટે રીક્ષાનો ઉપયોગ કરવાની ફરજ પડે છે.આવેદનપત્રમાં જણાવાયું હતું કે ભાજપના શાસકો ફક્ત મોટી મોટી વિકાસની વાતો કરે છે. પણ સુવિધાના નામે જીરો છે જેમકે પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો શહેરના છેવાડાના વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે. જેમ કે નારી, રુવા, તરસમિયા, ફુલસર, સીદસર જેવા અન્ય વિસ્તારોમાં આવાસ યોજનાના મકાનો આવેલા હોય લોકોને આવવા-જવા માટે મોંઘા રિક્ષા ભાડા ચૂકવવા પડે છે, ભાવનગરમાં એક સમયે લગભગ ૫૦ સીટી બસ ચાલતી હતી. વધુમાં જણાવાયું હતું કે ગુજરાતના અન્ય મહાનગરોમાં સીટી બસ, બીઆરટીએસ, મેટ્રો ટ્રેન જેવી સુવિધાઓ છે અને ભાવનગરમાં રાજ્યમંત્રી, કેન્દ્રીયમંત્રી, ધારાસભ્ય, સંસદ સભ્ય, કોર્પોરેશનના તમામ જગ્યાએ ભાજપનું શાસન છે. છતાં સીટી બસની સુવિધા જિલ્લામાં ઝીરો છે. વાતો તો સ્માર્ટ સિટીની કરે છે પણ ભાવનગરને આ શાસકોએ સ્માર્ટ ગામડું બનાવી દીધું છે, ભાવનગર શહેર કોંગ્રેસના તમામ વિસ્તારોને સીટી બસની સુવિધાનો લાભ તાત્કાલિક મળે તેવી માંગ કરી હતી. આવેદનપત્ર વેળાએ ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, વિરોધ પક્ષના નેતા ભરત બુધેલીયા, પ્રિયંકા ચંદાણી, દર્શનાબેન જોષી, કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, અનેએસયુઆઈ, મહિલા કૉંગ્રેસ, આગેવાનો તથા કૉંગ્રેસ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભાવનગરનું ધોરણ ૧૦નું ૬૭.૫૮ ટકા પરિણામ
Next articleરોડ-પાણી મુદ્દે રેલી યોજી મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું