વન ખાતું વૃક્ષારોપણમાં વાવેલા કુમળા છોડની હોમ બકરાને ડિલિવરી કરે તો કેવું સારૂં? (બખડ જંતર)

20

“બેંઅ બેંઅ બેંઅ” એક મેમણાએ બીજા મેમણા-બચ્ચાંને બોલાવ્યું. બેં બેં બેં ‘બકરાઓ બોલવા લાગ્યા. એમનો બોલવાનો સમય નક્કી નહીં. (કૂકડો બાંગ પોકારીને સવાર પડયાની જાણ કરે. ઘણીવાર આળવિતરા કૂકડા મધરાતે કૂકડેકૂક કરે!!)
“બેંઅ બેંઅ શું છે? મને કેમ બોલાવે છે” બીજાએ નારાજગીથી પૂછયું.
“ એક બે દિવસમાં પાંચમી જૂન આવશે”પહેલાએ માહિતી આપી.
“ તેનું શું છે? પાંચમી જૂનનું ગળ્યું કે ખાટું અથાણું કરૂ?” બીજું રીતસર છેડાઈ ગયું.
“અરે. માનવલોકમાં પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવે છે.”પહેલાએ કહ્યું,
“જવા દે ને માણસોનું નામ લઇ દિવસ ખરાબ ન કર. દુનિયામાં નપાવટમાં નપાવટ હોય તો હરામી માણસો છે.સાલ્લાઓ મા-બાપને ધરડાઘરમાં ધકેલે અને હેપી ફાધર-મધર ડે ઉજવે છે. પૃથ્વીને ખોદી ખોદીને છન્ની કરે છે. પછી પર્યાવરણ દિવસ ઉજવે છે” બીજું તો વિપ્લવવાદી નીકળ્યું.
“ અલ્યા કેટલા દા’ડાથી રાડા, કડબ, જુવારના સૂકા છોડ, એંઠવાડ ઝાપટે છે! હવે કુમળા છોડની મિજબાની કરવા મળશે” પહેલું બચ્ચું મધુર, મિષ્ટ, ઇષ્ટ કલ્પનોડયન કરવા લાગ્યું. પહેલા બચ્ચાના નેત્રમાંથી મીઠો મધુરો ડ્રીપ ઇરીગેશનની માફકરસ ટપકવા લાગ્યો.
“ આપણે ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર અને રાજનીતિજ્ઞ કનૈયાલાલ મુન્શીસાહેબનો આભાર માનવો જોઇએ કે એમણે આપણને કુમળા છોડના કુમળા પાન આખા રાજ્યમાં મળી રહે તે માટે વ્યવસ્થા કરી.” બીજાએ ઇતિહાસ ખંખોળ્યો.
“આમાં એવું છે કે વૃક્ષારોપણ શબ્દ પણ ખોટો છે, હકીકતમાં વૃક્ષ નહીં પણ છોડ વાવે છે. જેટલા છોડ વાવે તેનાથી વધુ ફોટા છાપામાં છપાય છે!! એક કલેકટર કચેરીમાં છેલ્લા પચ્ચીસ વરસથી એક જ સ્પોટ પર દર વરસે છોડ રોપવામાં આવે છે.આ તો આપણે છાપા ખાતા પહેલાં ફોટા જોઇએ એટલે ખબર પડે . બાકી કાળા અક્ષર કુહાડે માર્યા છે!!”પહેલાએ ભાષાકીય ડહાપણ ડહોળ્યું!!
“ પાંચમી જૂન એ આપણે રાષ્ટ્રીય પોષણ દિવસ છે. આપણે છોડ ખાવા દર દર ભટકવું પડે છે. વૃક્ષારોપણ કારક્રમની સફળતા આપણે આભારી છે તેવું વન ખાતાવાળા ખાનગીમાં સ્વીકારે છે. નહીંતર ૧૯૬૦ થી આજ સુધીમાં વાવેલ અબજોની સંખ્યામાં છોડ ઉઝરી જાય તો રાજયમા્‌ પગ મુકવા જેટલી જગ્યા ન રહે.હાલમા્‌ ઉનાળામાં પગની ખરી બળી જાય છે. હવે તો ઝોમેટો કે સ્વિગી ઓર્ડર મુજબ ખાદ્યસામગ્રીની કસ્ટમરને હોમ ડિલિવરી કરે છે.ડ્રોન મારફતે હોમ ડિલિવરી કરે છે. તો વન ખાતું આપણને કુમળા છોડની હોમ ડિલિવરી કરે તો આપણે તડકામાં ભટકવું ન પડે અને આપણો મેઇકઅપ ઉતરી ન જાય અને આપણું સૌંદર્ય કરમાઇ ન જાય!!”બીજાએ બકરોચ્છા વ્યક્ત કરી.
“” જો એમ થાય તો તારા મોઢામાં ધી-સાકર. સોરી સોરી તારા મોંમાં કુમળા પાન””૫હેલ બચ્ચું હરખાઈ ગયું!!

– ભરત વૈષ્ણવ

Previous articleઇન્સ્ટાગ્રામ પર ૨૦૦ મિલિયન ફોલોઅર્સ સાથે વિરાટ કોહલી વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે