દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના૫૨૩૩ દર્દીઓ નોંધાયા

31

નવા કેસમાં ૪૦ ટકા જેટલો ઉછાળો : ૭ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે, હાલ દેશમાં કોરોનાના ૨૮,૮૫૭ દર્દીઓ સારવાર હેઠળ છે
નવી દિલ્હી,તા.૮
દેશમાં હવે કોરોનાનું સંક્રમણ પાછું વધવા લાગ્યું છે જે ચિંતાજનક છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસમાં ૪૦ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. એક દિવસમાં નવા ૫૨૩૩ કોવિડ કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૫૨૩૩ દર્દીઓ નોંધાયા છે. જ્યારે ૭ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. હાલ દેશમાં કોરોનાના ૨૮,૮૫૭ દર્દીઓ સારવાર હેઠળ છે. નવા કેસમાં લગભગ ૪૦ ટકા જેટલો માતબાર ઉછાળો જોવા મળતા ચિંતા ઊભી થઈ છે. આ અગાઉ ગઈ કાલે કોરોના વાયરસના નવા ૩૭૧૪ નવા કેસ નોંધાયા હતા. જ્યારે સોમવારે ૬ જૂનના રોજ ૪૫૧૮ અને રવિવારે ૫ જૂને ૪૨૭૦ કેસ નોંધાયા હતા. દેશમાં રસીકરણ અભિયાન પણ પૂર જોશમાં ચાલુ છે. અત્યાર સુધીમાં કોરોના રસીના ૧,૯૪,૪૩,૨૬,૪૧૬ ડોઝ અપાયા છે. જેમાં ગઈ કાલે અપાયેલા ૧૪,૯૪,૦૮૬ ડોઝ પણ સામેલ છે. ગુજરાતમાં પણ ધીમી ગતિથી કોરોનાના કેસ વધી રહ્યા છે. ગઈ કાલે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ નવા ૭૨ કેસ નોંધાયા છે જેમાંથી ૪૪ કેસ તો અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં કાલે કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી. જો કે જે રીતે ધીમી ગતિથી કેસ વધે છે તે જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજથી રેલવે સ્ટેશન અને ગીતા મંદિર એસટી ડેપો ખાતે કોરોના ટેસ્ટિંગ ડોમ શરૂ કર્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ, એક દિવસમાં ૮૧% કેસ વધ્યા
દેશમાં ફરી કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. માત્ર મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના સંક્રમણના ૧૮૮૧ નવા કેસ સામે આવ્યા, જે સોમવારના મુકાબલે ૮૧ ટકા અને ૧૮ ફેબ્રુઆરી બાદ સૌથી વધુ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે આ કેસ મ્.છ.૫ વેરિએન્ટના છે. માત્ર મુંબઈમાં ૧૨૪૨ કેસ સામે આવ્યા, જે સોમવારની તુલનામાં ડબલ છે. પરંતુ આ દરમિયાન કોઈ મૃત્યુ થયા નથી. સોમવારે રાજ્યમાં ૧૦૩૬ કેસ સામે આવ્યા હતા તો મુંબઈમાં ૬૭૬ કેસ સામે આવ્યા હતા. ધ્યાન આપવા જેવી વાત છે કે સોમવારે ઓછા કેસ સામે આવવાનું કારણ વીકેન્ડમાં થયેલા ઓછા ટેસ્ટ હતા. મંગળવારે નવા કેસ બાદ મુંબઈમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૭૮,૯૬,૧૧૪ પહોંચી ગઈ જ્યારે મોતના આંકડા (૧,૪૭,૮૬૬) માં કોઈ વધારો થયો નથી.

Previous articleદેશના કોઈ પણ ખૂણેથી મતદાન માટે પંચ દ્વારા તૈયારી શરૂ કરાઈ
Next articleરેપો રેટમાં ૦.૫ ટકાનો વધારો, તમામ લોન મોંઘી થશે