એરફોર્સના ફ્લાઈંગ ઓફિસર જયદત્તસિંહની રાષ્ટ્રીય સન્માન સાથે વતનમાં અંતિમવિધિ

19

ગ્વાલિયરમાં ફરજ પર હતા ત્યારે અકાળે વિદાય લીધી, નોકરીના પ્રેશરને લીધે અંતિમ પગલુ ભરી લેતા શોકનો માહોલ : ઠેર ઠેર સન્માન
ભાવનગરના ૨૫ વર્ષિય યુવાને ગ્વાલિયર ખાતે ટ્રેનિંગ દરમિયાન તેની હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ બનતા તેમના પરિવારજનો દ્વારા તેના મૃતદેહને આજે ભાવનગર ખાતે લાવી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આજે સવારે એરપોર્ટ ખાતે તેમના પાર્થિવ દેહને ભાવનગર લવાયો હતો અહીં ભાવનગરના મેયર કિર્તીબેન દાણીધારીયા, સ્ટે. ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા તથા ભાવનગર શહેર ભાજપના મહામંત્રીઓ સહિત રાજકીય-સામાજીક આગેવાનો, ક્ષત્રિય સમાજના મોભીઓ-આગેવાનો, કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહિ સદ્દગતને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. ઈન્ડિયન એરફોર્સમાંની પરીક્ષા પાસ કરી એક વર્ષ પહેલા ફ્લાઈંગ ઓફિસર બનેલા જયદત્તસિંહ પ્રદ્યુમ્નસિંહ સરવૈયા (ઉ.વ.૨૫) એરફોર્સમાં ટ્રેનિંગ લઈ રહ્યાં હતા.

બેંગ્લોર ખાતે ટ્રેનિંગ પુર્ણ કર્યાં બાદ ગ્વાલિયર તેમની ટ્રેનિંગ ચાલી રહી હતી દરમિયાન બુધવારે વહેલી સવારે ગ્વાલિયર ખાતે હોસ્ટેલના રૂમમાં તેણે કોઇ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત વ્હોરી લેતા ભાવનગરે એક વિરજવાન ગુમાવ્યો છે. આ બનાવની જાણ થતા ક્ષત્રિય સમાજમાં શોક ફેલાઇ ગયો હતો. ગત સાંજથી જ સોશિયલ મીડિયા મારફત ક્ષત્રિય સમાજ અને વિવિધ સમાજના લોકોએ શ્રધ્ધાંજલિ પાઠવી હતી.બનાવની જાણ તેમના પરિવારને થતાં તેઓ ગ્વાલિયર પહોંચ્યા હતા અને તેમના મૃતદેહને આજે સવારે ભાવનગર લાવવામાં આવ્ય બાદ અંતિમ સંસ્કાર કરવા પાલિતાણા લઇ જવાયો હતો. રસ્તામાં પાર્થિવ દેહને પુષ્પાંજલી કરી ઠેર-ઠેર લોકોએ શ્રધ્ધાંજલિ અર્પી હતી. એરફોર્સની સૌથી અઘરી કહી શકાય તેવી પરીક્ષા પાસ કરી તેઓ એરફોર્સમાં જોડાયા હતા અને પહેલા બેંગ્લોર ટ્રેનિંગ પુરી કરી ગત જાન્યુઆરી માસમાં ભાવનગર જયદત્તસિંહ ઘરે આવ્યા હતાં. જે પછી તેમની ટ્રેનિંગ ગ્વાલિયરમાં ચાલતી હતી અને ત્યાં તેમણે આ પગલું ભર્યું હતું. તેમના પિતા પ્રદ્યુમ્નસિંહ ખેતી અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેનો નાના ભાઈ પરંજય અમદાવાદ મેડિકલનો અભ્યાસ કરે છે. આ મામલે તેમના કાકા કૃષ્ણદેવસિંહે જણાવ્યું હતું કે, નોકરીના પ્રેશરના લીધે તેણે ડિપ્રેશનમાં આવીને આ પગલું ભર્યું છે. તે પરિવારને ઘણીવાર નોકરીના ટેન્શનની વાત કરતો. ભણવામાં ખુબ તેજસ્વી હતો.

Previous articleએટીએફના ભાવ વધતાં વિમાન ભાડામાં વધારો થશે
Next articleબીએસસી સેમ-૬માં મરજીયાત વિષયમાં નાપાસ કરાતા કોર્ટ સભ્ય દ્વારા કુલપતિ સમક્ષ રજૂઆત