સીઆરસી-બીઆરસીની પરીક્ષામાં ગેરરીતિ?

23

સમગ્ર રાજ્યના ઉમેદવારોને 55થી 60 માર્ક આવ્યાં, ભાવનગરમાં 4 થી 5 ઉમેદવારોને 80 થી 93 માર્ક આવતા કેન્દ્ર શંકાના દાયરામાં
ભાવનગર શહેરમાં ક્રેસન્ટ સર્વ શિક્ષા અભિયાનની કચેરી ખાતે સી.આર.સી. અને બી.આર.સી પરીક્ષાના પાસ થયેલા ઉમેદવારોને નિમણૂક આપવા માટે પ્રમાણપત્ર ચકાસણી કરવામાં આવી હતી. જે માટે જિલ્લાના દરેક શિક્ષકો સર્વ શિક્ષા અભિયાન કચેરીએ આવી પહોંચ્યા હતા. જોકે, કેન્દ્રના શિક્ષક સંઘના સભ્ય મહેશ મોરી અને રોહિત બાટિયા નામના શિક્ષકે પરીક્ષામાં ભાવનગરના કેટલાક શિક્ષકોને 90થી વધારે ગુણ હોવા બાબતે શંકાસ્પદ હોય જેને પગલે શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડને લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં તપાસ કરવામાં આવી નથી. ભાવનગરના 4 થી 5 શિક્ષકો જે વધુ ગુણ લાવ્યાં છે એમાં ગેરરીતિ થઈ હોવાનો શિક્ષક દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ સી.આર.સી અને બી.આર.સી ની પરીક્ષા રાજ્યના 3 સેન્ટરો જેમાં અમદાવાદ, રાજકોટ અને સુરતમાં યોજાઈ હતી. મોટી સંખ્યામાં ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. જે પરીક્ષાના પરિણામો આવ્યાં બાદ ભાવનગરમાં કેટલાક પરીક્ષા આપનાર ઉમેદવારને 80 જેટલા માર્ક આવતા પરીક્ષા બાબતે કેટલીક ગેરરીતી થયાનાં આક્ષેપ કરવામાં આવ્યાં છે. ચોક્કસ પરિણામોની ચકાસણી માટેની ફરિયાદો રાજ્ય શિક્ષણમંત્રી, શિક્ષણ બોર્ડ તેમજ સીએમ સુધી રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ આ બાબતે કોઈ કાર્યવાહી નહી થતા શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરમાં ક્રેસન્ટ સર્વ શિક્ષા અભિયાનની કચેરી ખાતે સીઆરસી અને બીઆરસીના પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને નિમણૂક આપવા માટે પ્રમાણપત્ર ચકાસણીને લઈ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો એકત્રિત થયા હતા. રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી સીઆરસી અને બીઆરસીની પરીક્ષામાં 80 માર્ક આવેલા ઉમેદવારો પર પરીક્ષામાં ગેરરીતી કરાયાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. કેન્દ્રના શિક્ષક સંઘના સભ્ય અને ભાવનગરના રોહિત બાટીયા નામના શિક્ષક ઉમેદવારે આ આક્ષેપ કર્યા છે. આક્ષેપમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી સીઆરસી અને બીઆરસી પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતી થઈ છે. આ પરીક્ષામાં ભાવનગરના 4 થી 5 ઉમેદવારને 80 થી વધુ ગુણ મળતા શંકા થતા તેઓ દ્વારા રાજ્ય શિક્ષણ બોર્ડને ગેરરીતી બાબતે ફરિયાદ કરવામાં આવી હતી. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્રો પરના સીસીટીવી ચેક કરતા અમદાવાદ સેન્ટર પર ગેરરીતી થયાનું સામે આવ્યું હતું તે બાદ અન્ય સેન્ટરો પર પણ સીસીટીવી ચેક કરવા રાજ્ય શિક્ષણમંત્રી, મુખ્યમંત્રી તેમજ શિક્ષણ સચિવને પત્ર લખી ચકાસણી કરવા જણાવ્યું હતુ, પરંતુ તે બાદ કોઈ પણ કાર્યવાહી થઈ નથી. આ અંગે રોષ સાથે મીડિયા સાથેની વાતચિત દરમ્યાન રોહિત બાટિયાએ તંત્ર સામે સવાલ ઉઠાવતા જણાવ્યું કે, શા માટે પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી ચેક કરવામાં આવ્યાં નથી. જો અમદાવાદના કેન્દ્ર પર ગેરરીતી સામે આવી હોય તો અન્ય સેન્ટરો પર પણ થઈ હોવાની શંકા છે. માટે અમે રજૂઆત કરી છે તેમ છતાં પણ કોઈ નિર્ણય આવ્યો હોય નથી. તેમ છતાં પણ ભરતી પ્રક્રિયા માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે શિક્ષકોને બોલાવવામાં આવ્યાં હતા અને ભરતી પ્રક્રિયા આગળ વધારવામાં આવી હતી. ઉમેદવાર રોહિત બાટિયાએ જણાવ્યું હતું કે, આજથી આઠ મહિના અગાઉ સીઆરસી તથા બીઆરસીની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ભાવનગરના અમુક ઉમેદવારને 80 થી 93 સુધી માર્ક મળ્યાં હતા. જે માનવામાં ન આવે તેવી છે કારણ કે આખા ગુજરાતમાં ઉમેદવારોને 55 થી 60 જેટલા ગુણ આવ્યાં છે જ્યારે ભાવનગરના કેટલાક ઉમેદવારોને 80 થી 93 ગુણ આવ્યાં છે જે ઉમેદવારો શંકાના દાયરામાં આવે છે. કારણ કે, જે આ ગુણ લાવ્યાં તે ઉમેદવારો ભાવનગરથી એક જ ગાડીમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યા હતા. ત્યારે યોગ્ય કાર્યવાહી કરી આ ભરતી પ્રક્રિયા સ્થગિત રાખવાની અમારી માગ છે. સરકારી ભરતી પરીક્ષામાં અગાઉ ઘણી વખત પેપર ફૂટવાના બનાવો બન્યા છે, જેમાં ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે આવેલા યુવા એકેડમીમાંથી વનરક્ષક ભરતીના પેપરમાં ગેરરીતિ થઈ હતી, આવી અનેક સરકારી ભરતીની પરીક્ષાઓમાં ગેરરીતિ થઈ હતી, જ્યારે આજે વધુ એક સીઆરસી તથા બીઆરસીની પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના પેપર લીક કાંડમાં ભાવનગરનું નામ મોખરે હોય છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleગોહિલવાડમાં વરસાદી માહોલ: તળાજા તાલુકાના ત્રાપજ ગામમાં ધીમીધારે વરસાદનું આગમન, ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ