અગ્નિવીરોને રક્ષા મંત્રાલયની ભરતીમાં ૧૦ ટકા અનામત અપાશે

12

રક્ષા મંત્રી રાજનાથ સિંહ તરફથી મંજૂરી મળ્યા બાદ હવે જરૂરી સુધારા કરવામાં આવશે, જે બાદ આ નિર્ણય લાગુ કરી દેવાશે
નવી દિલ્હી, તા.૧૮
અગ્નિપથ સ્કીમનો દેશમાં વિરોધ થઈ રહ્યો છે. અગ્નિપથ સ્કીમના વિરોધમાં યુવાનો રસ્તા અને ટ્રેનના પાટા પર ઉતરી ગયા છે. સમગ્ર દેશમાં જારી વિરોધ પ્રદર્શનની વચ્ચે હવે રક્ષા મંત્રાલયે પણ અગ્નિવીરોને મુદ્દે મોટુ એલાન કર્યુ છે. રક્ષા મંત્રાલયે પોતાના મંત્રાલય હેઠળ થનારી ભરતીઓમાં અગ્નિવીરોને ૧૦ ટકા અનામત આપવાનુ એલાન કર્યુ છે. રક્ષા મંત્રાલયે ટ્‌વીટ કરી આ નિર્ણયની જાણકારી આપી છે. રક્ષા મંત્રાલયની તરફથી કરવામાં આવેલા ટ્‌વીટમાં એ કહેવામાં આવ્યુ છે કે મંત્રાલયની ભરતીઓમાં અગ્નિવીરો માટે ૧૦ ટકા અનામતના પ્રસ્તાવને રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંજૂરી આપી દીધી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ તરફથી મંજૂરી મળ્યા બાદ હવે જરૂરી સુધારા કરવામાં આવશે. જે બાદ આ નિર્ણય લાગુ થઈ જશે. રક્ષા મંત્રાલય તરફથી એ પણ જાણકારી આપવામાં આવી છે કે અગ્નિવીરો માટે વિભાગ તરફથી જાહેર કરાયેલી કઈ-કઈ ભરતીઓમાં અનામતની વ્યવસ્થા કરવામાં આવશે. રક્ષા મંત્રાલય અનુસાર અગ્નિવીરોને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ડિફેન્સ સિવિલિયન પોસ્ટની સાથે ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિંગની ૧૬ કંપનીઓમાં પણ નિયુક્તિઓમાં અનામત આપવામાં આવશે. રક્ષા મંત્રાલય અનુસાર પબ્લિક અંડરટેકિંગ્સે પણ અગ્નિવીરો માટે ૧૦ ટકા અનામતની વ્યવસ્થા લાગુ કરવા માટે જરૂરી સુધારા કરવાનુ કહેવામાં આવશે. અગાઉ ગૃહ મંત્રાલયે પણ પોતાના વિભાગની નોકરીઓમાં અગ્નિવીરો માટે ૧૦ ટકા અનામતની વ્યવસ્થા લાગુ કરવાનુ એલાન કર્યુ હતુ.

Previous articleમોદીએ માતાના જન્મદિવસ પર તેમના પગ ધોઈને આશીર્વાદ લીધા
Next articleએક જુલાઇથી બદલાઇ જશે ઓનલાઇન પેમેન્ટની પદ્ધતિ