ચિત્રા – સિદસર રોડ ઉપર ૨ બાઈક સામ-સામી અથડાતા યુવકનું મોત

9

શ્રીજીનગરમાં રહેતો યુવાન રાત્રીના ઘર તરફ આવી રહ્યો હતો તે વેળાએ દુર્ઘટના સર્જાઈ : અકસ્માતના બનાવને લઈ લોકોના ટોળા ઉમટયા : યુવકના મૃત્યુના પગલે ૨ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
ભાવનગર શહેરના ચિત્રા-સિદસર રોડ ઉપર આવેલ સહજાનંદ સોસાયટીના ગેઈટ પાસે બે દિવસ પુર્વે શ્રીજીનગર સોસાયટીનો યુવાન બાઈક લઈ પોતાના ઘર તરફ આવી રહ્યો હતો. ત્યારે અન્ય બાઈક સાથે અકસ્માત સર્જાતા યુવાનનું અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યુ હતુ. દુર્ઘટનાને લઈ બે માસુમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. જ્યારે અકસ્માતના બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતા. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ચિત્રા-સિદસર રોડ ઉપર આવેલ શ્રીજીનગર, પ્લોટ નંબર ૨૨માં રહેતા અને હીરાની ઓફિસમાં કામ કરતા વિજયભા પ્રેમજીભાઈ પરમાર ગત તા. ૧૭ના રોજ રાત્રીના ૧૦.૦૦ કલાકના અરસા દરમિયાન બહારથી પોતાનું બાઈક નંબર જીજે. ૦૪. બીસી-૧૬૦૧ લઈ બહારથી ઘર તરફ આવી રહ્યા હતા. તે વેળાએ ચિત્રા વિસ્તારના સીદસર રોડ ઉપર આવેલ સહજાનંદ સોસાયટીના ગેઈટ પાસે પહોંચતા સામેથી આવી રહેલ બાઈક નંબર જીજે. ૦૪.બીકે-૮૧૭૧ના ચાલકે પોતાનું બાઈક પુરઝડપે અને બેફિકરાઈ પુર્વક ચલાવી વિજયભાઈના બાઈક સાથે ધડાકાભેર અથડાવી અકસ્માત સર્જતા વિજયભાઈને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક સારવાર અર્થે ૧૦૮ મારફતે અત્રેની સર ટી હોસ્પિટલ ખસેડાતા જ્યા ફરજ પરના તબીબે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. ઉક્ત અકસ્માતના બનાવને લઈ ભારે અરેરાટી સાથે આધાતની લાગણી છવાઈ જવા પામી હતી. અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડયા હતા. અકસ્માતમાં યુવકના મૃત્યુના પગલે બે માસુમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. જ્યારે બનાવને લઈ મૃતક યુવાન વિજયભાઈના ભાઈ રાકેશભાઈ પ્રેમજીભાઈ પરમાર (ઉ.વ. ૩૨. રે. શ્રીજીનગર, ચિત્રા-સિદસર રોડ, ભાવનગર)એ બોરતળાવ પોલીસ મથકમાં બાઈક નંબર જીજે. ૦૪.બીકે-૮૧૭૧ના ચાલકે સામે ફરીયાદ આપતા પોલીસે આઈપીસી. ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(એ), મોટર વાહન અધીનીયમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

Previous articleરાણીગામ-ગારિયાધાર રોડની બિસ્માર હાલત, અકસ્માતોની ઘટનામાં વધારો
Next articleઆરટીઇ પ્રવેશ અંગે બાકી રહેલ જગ્યા માટે ચોથો રાઉન્ડ જાહેર