ભાવનગર રેલવે મંડળમાં ’આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

15

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં ૨૧મી જૂન, ૨૦૨૨ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા મળેલી માર્ગદર્શિકા મુજબ ભાવનગર મંડળમાં સવારે ૦૬.૩૦ થી ૦૭.૪૫ દરમિયાન યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં માનનીય રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવનું પ્રાસંગિક ઉદ્‌બોધન અને તે પછી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૮મા ’આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે આપેલા સંદેશનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ પછી, પતંજલિ યોગ સમિતિ-ભાવનગરના યોગ પ્રશિક્ષકના માર્ગદર્શન હેઠળ, અપર મંડલ રેલ પ્રબંધક શ્રી કૃષ્ણ લાલ, રેલવે અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનોને કોમન યોગ પ્રોટોકોલ હેઠળ આસન, પ્રાણાયામ અને ધ્યાન સંબંધિત વિવિધ કસરતોની તાલીમ આપવામાં આવી હતી. આ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” નિમિત્તે તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ તાડાસન, વજ્રાસન, પવનમુક્તાસન, કપાલભાતિ, ધ્યાન, અનુલોમ-વિલોમ વગેરેની સુંદર યોગ કસરતો કરી. આ પ્રસંગે વિવિધ વિભાગોના અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વેલ્ફેરની ટીમ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. અંતે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન થયું. આવો યોગાભ્યાસ કાર્યક્રમ ભાવનગર ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર પણ કરવામાં આવ્યો હતો.

Previous articleરાઈટ ચેલેન્જમાં દેશમાં ભાવ. કોર્પોરેશને મેળવ્યું ૩૩મું સ્થાન
Next articleતાપસી પન્નુની ફિલ્મ શાબાશ મિઠ્ઠુનું ટ્રેલર રીલિઝ થયું