ચોમાસાની ઘડીયુ ગણાય રહી છે ત્યારે તાપમાન ૪૧ ડિગ્રી

2012

 

ઉનાળો સમાપ્ત થવાની તૈયારીમાં છે અને ચોમાસુ દરવાજે દસ્તક દઈ રહ્યુ છે. એવા સમયે પણ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર થતા લોકો અંતિમ સમયમાં પણ અંગ દઝાડતી ગરમી સાથે અસહ્ય બફારાની અનુભૂતિ કરી રહ્યા છે.

ગત તા.૩૦મેના રોજ દેશમાં ચોમાસાની સિઝનના પ્રવેશદ્વાર એવા કેરલ, બંગાળ સહિતના પ્રાંતમાં નિયત સમય કરતા ત્રણથી પાંચ દિવસ વહેલુ ચોમાસાનું આગમન થયુ છે એ સાથે તીવ્ર ગતિએ આગળ ધપી રહેલ મેઘરાજા ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ છેલ્લા ૩ દિવસથી અવિરત હાજરી પુરાવી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં લોકો વરસાદની ખુબ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે જો કે સૌરાષ્ટ્રના ચેરાપુંજી સમાન ગિરપંથક તથા આસપાસના વિસ્તારોમાં વત્તા ઓછા પ્રમાણમાં ઢળતી સાંજે હાજરી પૂરાવી આછેરૂ હેત વરસાવી રહ્યા છે પરંતુ ગિર પંથકને બાદ કરતા અન્યત્ર તાપમાનનો પારો ૪૦ ડીગ્રીથી ઉપર રહેતા કાળઝાળ ગરમી અને તાપમાન યથાવત રહેવા પામ્યો છે. જો કે છેલ્લા એકાદ સપ્તાહથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઉત્તરોત્તર વધતા બફારાનું પ્રમાણ વધ્યુ છે. જેને લઈને લોકો પરસેવે પલળી રહ્યા છે. ભાવનગર શહેર જિલ્લામાં પણ ૩ દિવસથી તાપમાનમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ગત તા.૩ના રોજ મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી તા.૪ ના રોજ ૩૭ ડિગ્રી તથા આજે તાપમાન ફરિ ઉચકાતા તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને આંબ્યો છે એક સપ્તાહથી ભાવનગરના હવામાનમાં ફેરફાર ચોક્કસ થયો છે. બપોરના સમયે આકાશ વાદળ આચ્છાદીત બને છે. અને પવનની ઝડપ પણ ક્રમશઃ વધી રહી છે. પરંતુ પ્રખર તાપ અને બફારાથી કોઈ રાહત નથી મળી રહી આથી હવે વહેલી તકે વરસાદ વરસે તેવી આશા ભાવેણાવાસીઓ સેવી રહ્યા છે.

Previous articleરાજ્યમાં ૧૦મી જૂનથી વિધિવત ચોમાસાના પગરણ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે