ભાવનગરની SOGએ રીઢા ગુનેગાર બાદશાહને રિવોલ્વર તથા જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધો

159

કુખ્યાત અને રીઢો આરોપી અગાઉ ખંડણી પ્રકરણમાં જેલમાં જઈ આવ્યો છે
ભાવનગર શહેરના સાંઢીયાવાડ વિસ્તારમાં રહેતો રીઢા ગુનેગાર બાદશાહને SOGએ ઝડપી લીધો હતો. અગાઉ ખંડણી સહિતના ગુનાઓમાં પોલીસના હાથે ચડી કાયદાના ચોપડે ચિતરાયેલા કુખ્યાત ઈર્શાદ ઉર્ફે બાદશાહને SOGની ટીમે દેશી બનાવટના તમંચો તથા એક જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો. આ સમગ્ર બનાવ અંગે સ્પેશ્યિલ ઓપરેશન ગૃપ પોલીસ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર પોલીસની વિવિધ શાખાઓ દ્વારા 31 ડીસેમ્બર તથા અંગ્રેજી નવા વર્ષ નિમિત્તે શહેર-જિલ્લામાં કાયદો વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે એ માટે ખાસ એક્શન પ્લાન સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત એસઓજીની ટીમને બાતમીદારો એ ચોક્કસ બાતમી આપી હતી કે, અગાઉ ખંડણી મારામારી સહિતનાં ગંભીર ગુનાઓમાં ઝડપાઈ ગયેલો અને હવાલાતની હવા ખાઈ આવેલો સાંઢીયાવાડ વિસ્તારમાં રહેતો ઈર્શાદ ઉર્ફે બાદશાહ તમંચા જેવું હથિયાર ધારણ કરી ફરી રહ્યો છે. SOGની ટીમે બાતમીના આધારે ઈર્શાદ ઉર્ફે બાદશાહ યુનુસ શેખ ઉ.વ.25 રે.સાંઢીયાવાડ માવતવાળા ખાંચામાંના રહેણાંકી મકાનમાં દરોડો પાડી દેશી બનાવટનો તમંચો તથા એક જીવતા કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો. હથિયાર અંગે લાઈસન્સ તથા દસ્તાવેજની માંગણી ટીમે કરતાં બાદશાહ સંતોષકારક જવાબ ન આપી શકતા તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી હથિયાર-કાર્ટીસ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.