કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ૧૧ પોલીસકર્મીઓના પરિજનોનું અપહરણ

1013

જમ્મૂ-કાશ્મીરમાં સેનાની આક્રમક કાર્યવાહીથી આતંકવાદીઓમાં રીતસરની હતાશા જોવા મળી રહી છે. માટે આતંકવાદીઓ હવે પોલીસ અને તેમના પરિજનોને પોતાનું નિશાન બનાવી રહ્યાં છે. આતંકીઓએ દક્ષિણ કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાંથી પોલીસકર્મીઓના ૧૧ પરિજનોનું અપહરણ કર્યું છે.સુરક્ષા એજન્સીઓના સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ સૈયદ સલાઉદ્દીનના પુત્ર સૈયદ શકિલ અહમદની ધરપકડનો બદલો લેવા માટે જમ્મુ-પોલીસના કર્મચારીઓનાં સ્વજનોનું અપહરણ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરી રહી છે.

આતંકીઓએ કાશ્મીરના શોપિયા, કુલગામ, અનંતનાગ અને અવંતિપોરા ખાતે ત્રાટકીને આ લોકોને તેમના ઘરેથી જ ઉઠાવી ગયા હતા. અત્યાર સુધી આતંકીઓ સુરક્ષા દળોના જવાનોનાં અપહરણ કરીને તેમની હત્યા કરતા હતા અને પોલીસ કર્મચારીઓ પર પણ હુમલા કરતા હતા, પરંતુ પોલીસકર્મીઓના પરિવારને નિશાન બનાવ્યાની આ કદાચ પ્રથમ ચોંકાવનારી ઘટના છે. એક સાથે એક જ દિવસે ૧૧ પોલીસકર્મીઓનાં સ્વજનોનાં અપહરણ થવાથી તમામ સરકારી એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે અને એક્શન પ્લાન ઘડવામાં આવી રહ્યો છે.

પોલીસે આ અંગે હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન જારી કર્યું નથી. અધિકારીઓ હાલ ફક્ત એટલું જણાવી રહ્યા છે કે તેઓ આ ઘટનાની તમામ વિગતો મેળવી રહ્યા છે અને હાલના તબક્કે કંઈ કહેવું યોગ્ય નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જમ્મુ-કાશ્મીર પોલીસમાં ફરજ બજાવતા જવાનોના પરિવારજનોને શોપિયા, કુલગામ, અનંતનાગ અને અવંતિપોરા ખાતેના તેમના નિવાસસ્થાનેથી ઉઠાવી જવામાં આવ્યા હતા. અપહરણ કરાયેલા આ લોકોમાં એક ડીસીપીનો ભાઈ પણ સામેલ હોવાનું એજન્સીઓએ જણાવ્યું છે.પોલીસ અને સુરક્ષા દળોએ તમામ એજન્સીઓની મદદ લઈને સમગ્ર કાશ્મીરમાં એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દેશની ગુપ્તચર એજન્સીઓ પણ તેમના ઈનપુટ્‌સ આપી રહી છે.

અપહરણ કરાયેલા લોકોમાં પોલીસકર્મી મોહમ્મદ મકબુલ ભટ્ટના પુત્ર જુબૈર અહમદ ભટ્ટ, એસએચઓ નાજિર અહમદના ભાઈ આરિફ અહમદ, પોલીસકર્મી બશીર અહમદના પિત્ર ફૈઝાન અહમદ, અબ્દુલ સલામના પુત્ર સુમૈર અહમદ અને ડીસીપી એજાઝના ભાઈ ગોહર અહમદનો સમાવેશ થાય છે.નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ ટેરર ફંડિંગ કેસમાં ગઈ કાલે હિઝબુલના ચીફ આતંકી સૈયદ સલાઉદ્દીનના પુત્ર સૈયદ શકિલ અહમદની શ્રીનગરના રામબાગ સ્થિત તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. તેના ઘરેથી ઘણાં વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા.

એનઆઈએએ સલાઉદ્દીનના મોટા પુત્ર સૈયદ શાહિદને ટેરર ફંડિંગ અને મની લોન્ડ્રિંગ કેસમાં ગત વર્ષે પકડ્યો હતો. શકીલ અહમદ શ્રીનગરની એસ.કે. ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાઈન્સીસમાં લેબોરેટરી ટેક્નિશિયન તરીકે કામ કરતો હતો.

Previous articleભારત અને નેપાળ સહકાર સેતુ તરીકે કામ કરશે : મોદી
Next articleસરકારની ટીકા કરનાર સામે રાષ્ટ્રદ્રોહ લાગી શકે નહિ : કાયદા પંચ