નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સાધારણ સભા યોજાઈ

976

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સાધારણ સભા સમિતિના ચેરમેન તથા શાસનાધિકારીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં ૪ એજન્ડાને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ત્રિવેદી તથા સમિતિના અધ્યક્ષ નિલેશ રાવળના અધ્યક્ષસ્થાને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીના સભાખંડ ખાતે સાધારણ સભા યોજવામાં આવી હતી. આ સભામાં ન.પ્રા.શિ. સમિતિ-ભાવનગર સંચાલિત શાળા નં.૧૧માં ધો.૩માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વનિતા મહેશભાઈ મકવાણાનું ગત તા.૧૭-પ-ર૦૧૮ના રોજ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતા મુખ્ય શિક્ષકની દરખાસ્ત અન્વયે મરણોત્તર સહાય પેટે રૂા.૧૦ હજાર વિદ્યાર્થીનીના વાલીને ચુકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ન.પ્રા.શિ. સમિતિ સંચાલિત શાળાઓમાં વર્ષ ર૦૧૮-૧૯ની સત્રાંત તથા વાર્ષિક પરીક્ષાઓ અન્વયે જરૂરી સ્ટેશનરી ખરીદી છાપકામ તથા ટેન્ડર પ્રક્રિયા તથા શાળાઓમાં પાર્ટટાઈમ પટ્ટાવાળા તરીકે સેવારત કર્મીઓના દૈનિક ભથ્થામાં અંશતઃ વધારો કરવા તથા પ્રવેશ ઉત્સવ-ર૦૧૮ અન્વયે થયે ખર્ચ રૂા.ર૦૦૮૮ના બીલને બહાલી આપવા જેવા મુદ્દાઓ પર ચર્ચા-વિચારણાના અંતે સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.