મેરિલેન્ડના મેડિલ સેન્ટરમાં ગોળીબાર : ત્રણના મોત

818

અમેરિકાના મેરીલેન્ડના એક મેડિકલ સેન્ટર અને દવા વિતરણ કેન્દ્રમાં અંધાધૂંધ ગોળીબારની ચોંકાવનારી ઘટના બની છે. આ હુમલામાં ત્રણ વ્યક્તિનાં મોત થયાં છે અને મહિલા હુમલાખોરે ખુદને ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. ફાયરિંગની આ ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ છે.બાલ્ટિમોર નજીક પેરીમેન સ્થિત એક ફાર્મસી ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટરમાં મહિલા હુમલાખોરે અચાનક ફાયરિંગ કર્યું હતું. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ર૬ વર્ષીય હુમલાખોર મહિલા સ્નોચિયા મોસેલીએ ખુદને ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું.

હુમલાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.સ્નોચિયા આ મેડિકલ સેન્ટરમાં જ કામ કરતી હોવાનું કેટલાક લોકોએ જણાવ્યું છે. હાર્ફર્ડ કાઉન્ટીની શેરિફ ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલી જાણકારી અનુસાર સ્નોચિયા મોસેલી ફાર્મસી ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટરમાં હંગામી કર્મચારી હતી. તે રોજની જેમ જ ગુરુવારે સવારે (સ્થાનિક સમય અનુસાર) પણ ઓફિસ આવી હતી અને પોતાનું કામ કરવાનું શરૂ કર્યું હતું.સવારે ૯.૦૦ વાગ્યે તેણે અચાનક જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તેણે મેડિકલ સેન્ટરની અંદર હાજર લોકો પર અંધાધૂંધ ગોળીઓ ચલાવી હતી. ૯ એમએમ ગ્લોક હેન્ડગન તે પોતાની સાથે જ લાવી હતી. પોલીસના કહેવા પ્રમાણે સ્નોચિયાએ આ હેન્ડગન તેના નામે જ નોંધાવી હતી અને તેની સાથે કારતૂસનો મોટો જથ્થો પણ હતો.

પોલીસને આ ઘટનાની જાણ થતાં તે માત્ર પાંચ મિનિટમાં જ મેડિકલ સેન્ટર પર પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં સ્નોચિયાએ ત્રણ લોકોને ગોળીથી વીંધી નાખ્યા હતા અને અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી.

પોલીસને હુમલાખોર સ્નોચિયા ઘવાયેલી હાલતમાં મળી આવી હતી. તેણે જાતે માથામાં ગોળી મારી દીધી હતી. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પણ સારવાર દરમિયાન જ તેનું મોત થયું હતું.

Previous articleઅરવિંદ કેજરીવાલે બીએસએફના શહિદ જવાન નરેન્દ્રના પરિવારને ૧ કરોડની સહાય કરી
Next articleસર્જિકલ સ્ટ્રાઇકની વરસી રાજનીતિ નહીં દેશભક્તિ