ભારતમાં પ્રતિ દસ લાખ લોકોએ માત્ર ૧૯ ન્યાયાધીશ : રિપોર્ટ

767

ભારતમાં પ્રતિ દસ લાખ લોકોએ ૧૯ ન્યાયાધીશ છે અને દેશમાં ૬૦૦૦થી વધુ ન્યાયાધીશોની અછત છે. જેમાં ૫૦૦૦થી વધુ ન્યાયાધીશોની નીચલી અદાલતોમાં અછત છે. કાયદા મંત્રાલયના આંકડા અનુસાર વસતીના પ્રમાણમાં પ્રતિ ૧૦ લાખ લોકો પર ૧૯.૪૯ ન્યાયાધીશ છે. આ આંકડા એ દસ્તાવેજનો હિસ્સો છે જેને સંસદમાં ચર્ચા માટે માર્ચમાં તૈયાર કરવામાં આવ્યો હતો. આ દસ્તાવેજમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, સબોર્ડિનેટ કોર્ટોમાં ૫૭૪૮ ન્યાયિક અધિકારીઓ ઓછા છે અને ૨૪ હાઈકોર્ટમાં ૪૦૬ જગ્યાઓ ખાલી પડી છે. નીચલી અદાલતોમાં હાલના સમયમાં ૧૬૭૨૭ ન્યાયિક અધિકારી છે જ્યારે ત્યાં ૨૨૪૭૪ ન્યાયિક અધિકારીઓ હોવા જોઈતા હતા. હાઈકોર્ટોમાં ન્યાયાધીશોની માન્ય સંખ્યા ૧૦૭૯ છે જ્યારે ત્યાં માત્ર ૬૭૩ ન્યાયાધીશો છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સ્વીકૃત સંખ્યા ૩૧ છે અને ત્યાં છ જગ્યાઓ ખાલી પડેલી છે. આ રીતે, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટો અને નીચલી અદાલતોમાં ન્યાયાધીશોની ૬૧૬૦ જગ્યાઓ ખાલી છે.

જજ પોપ્યુલેશન રેશિયો પરની ચર્ચાને એપ્રિલ, ૨૦૧૬માં તત્કાલીન ચીફ જસ્ટીસ ન્યાયમૂર્તિ ટી. એસ. ઠાકુરે વેગ આપ્યો હતો જ્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કેસોનાં પહાડનો સામનો કરવા માટે ન્યાયાધીશોની સંખ્યા ૨૧૦૦૦થી વધારીને ૪૦૦૦ કરવામાં સરકારની નિષ્ક્રિયતા પર અફસોસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું, ‘આપ તમામ બોજ ન્યાયપાલિકા પર ન નાખી શકો.

તેમણે કહ્યું હતું કે ૧૯૮૭માં જ્યારે કાયદા પંચે પ્રતિ દસ લાખ લોકો પર ન્યાયાધીશોની સંખ્યા દસથી વધારીને ૫૦ કરવાની ભલામણ કરી હતી ત્યારથી અત્યાર સુધી કંઈ આગળ વધ્યું નથી. પરંતુ ત્યારપછી સરકારે એવો ઈશારો કર્યો હતો કે ૨૪૫મા રિપોર્ટમાં કાયદા પંચે કહ્યું હતું કે પ્રતિ વ્યક્તિ દ્વારા દાખલ થતા કેસોની સંખ્યા ભૌગોલિક સ્થિતિઓમાં વધે-ઘટે છે. કેમકે કેસ દાખલ કરવામાં જનસંખ્યાની આર્થિક અને સામાજિક સ્થિતિ સાથે સંબંધ હોય છે. હાલમાં જ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ૨૪ હાઈકોર્ટોનાં મુખ્ય ન્યાયાધીશોને નીચલી અદાલતોમાં ન્યાયિક અધિકારીઓની નિયુક્તિમાં ઝડપ કરવા માટે અપીલ કરી હતી. કેમકે મોટી સંખ્યામાં કેસો પેન્ડિંગ રહેવાનું કારણ ન્યાયાધીશોની અછત છે. રવિશંકર પ્રસાદે ચીફ જસ્ટિસોને અનુરોધ કર્યો હતો કે નીચલી અદાલતોમાં ન્યાયાધીશોની નિયુક્તિ માટે સમયસર એક્ઝામિનેશન અને ઈન્ટરવ્યૂ યોજવામાં આવે. પોતાના ૧૪ ઓગસ્ટના એક પત્રમાં પ્રસાદે ઈશારો કર્યો હતો કે દેશની જિલ્લા અને સબોર્ડિનેટ કોર્ટોમાં કુલ ૨૭૬૭૪૪૯૯ કેસો પેન્ડિંગ છે.

કાયદા મંત્રાલયના આંકડા અનુસાર વસતીના પ્રમાણમાં પ્રતિ ૧૦ લાખ લોકો પર ૧૯.૪૯ ન્યાયાધીશ છે. આ આંકડા એ દસ્તાવેજનો હિસ્સો છે જેને સંસદમાં ચર્ચા માટે માર્ચમાં તૈયાર કરવામાં આવ્યો હતો.