ભાવનગરમાં પરાક્રમ પર્વ અંતર્ગત સર્જીકલ સ્ટ્રાઈક દિવસની ઉજવણી

1502

ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, ભાવનગર દ્વારા પરાક્રમ પર્વ અંતર્ગત સર્જિકલ સ્ટ્રાઇક દિવસની ઉજવણી સાથે ભાવનગરમાં અમર જ્યોતિ સરસ્વતી ઇન્ટરનેશલ સ્કુલના પ્રાંગણમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ ના રોજ ભારતીય સૈન્યએ પાક અધિકૃત કશ્મીરમાં કરેલ સર્જિકલ સ્ટ્રાઇક દિવસની બીજી વર્ષગાંઠે દેશભરમાં પરાક્રમ પર્વની ઉજવણી ચાલી રહી છે. જે અંગેની જાણકારી પૂરી પાડવાની સાથે ભારતીય સૈન્યના એ ગૌરવવંતા સિમાચિન્હ કાર્યને બીરદાવવાની સાથે વીર સૈનિકોના માન-સન્માનમાટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

ફિલ્ડ આઉટરીચ બ્યુરો, ભાવનગરના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ મહેમાનોના સ્વાગતની સાથે કાર્યક્રમના હેતુને સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે ભારતીય જવાનોના એ શૌર્યગાથા થી દેશભરના યુવાનો-કિશોરો જાણકાર થાય તેમજ તેમજ સૈન્યના એ પરાક્રમને બીરદાવવા દેશભરમાં પરાક્રમ પર્વની ઉજવણી થઇ રહી છે. ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના રીજનલ આઉટરીચ બ્યુરોના ડીરેક્ટર મનિષ ગૌતમે પરાક્રમ પર્વ અંતર્ગત ગુજરાતભરમાં આજ રોજ યોજાયેલ કાર્યક્રમોની માહિતિ આપતાં વર્ષ ૨૦૧૬ માં ભારતીય સૈન્યએ કરેલ સર્જિકલ સ્ટ્રાઇક અંગે જાણકારી પૂરી પાડી હતી.  એમ.કે.શર્મા એ સર્જિકલ સ્ટ્રાઇકને ભારતીય સૈન્યની અદ્વિતિય સિધ્ધિ ગણાવતાં આજના દિને સૈન્યના અન્ય શૌર્ય પરાક્રમોને પણ યાદ કર્યા હતાં. ૧૯૭૧ ના ઇન્ડો-પાક વોરના યોદ્ધા રહી ચૂકેલા શર્માજી એ એ યુધ્ધના સંસ્મરણોને તાજા કરતાં ભારતીય સૈન્યના એ વીરતાપૂર્ણ યુદ્ધ વિજયની વાતો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી.

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના તેમજ દેશભક્તિ ગીતની રજૂવાત કરવાની સાથે ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતો ગરબો-નૃત્ય અને જોશ-ઉત્સાહ સાથે રાષ્ટ્રભક્તિની ભાવનાને ઉજાગર કરે તેવા નૃત્યની અસરકારક રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓ સાથે ચર્ચા સ્પર્ધાનું પણ આયોજન કરાયું જેમા ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ફિલ્ડ આઉટરીચ બ્યુરો,ભાવનગર દ્વારા ઇનામ આપી પ્રોત્સાહીત કરાયા હતાં.

Previous articleઆંતર યુનિ. કબ્બડ્ડી સ્પર્ધામાં પસંદગી
Next articleઘરવેરાની મુદ્દા સિવાય બોર્ડમાં કંટાળાજનક સ્થિતિ