પ.પૂ. મહંતસ્વામી મહારાજનું અક્ષરવાડી ખાતે ભવ્ય સ્વાગત

1237

આજે સાંજે ભાવનગરના આંગણે વિશ્વવંદનિય પ્રગટ ગુરૂ હરી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ પધારતા હરિભક્તો-ભાવિકોમાં હર્ષોલ્લાસ વ્યાપી જવા પામ્યો હતો. પ.પૂ. મહંતસ્વામી મહારાજ ભાવનગરમાં નારી ચોકડી પાસે પધારતા પૂ.સંતો-ભક્તો દ્વારા ઠાકોરજી અને સ્વામીનું ભાવભીનુ સ્વાગત કરાયું હતું.

પ.પૂ. સ્વામી કાળીયાબીડ પાણીની ટાંકીથી અક્ષરવાડી મંદિરે પધારી રહ્યાં હતા ત્યારે માર્ગની બન્ને બાજુએ ઉભેલા હરિભક્તો સ્વામીને વધાવવા અહોભાવ સાથે પધારો જય સ્વામિનારાયણ બોલતા ત્યારે ભક્તિમય માહોલ ખડો થયો હતો. પૂ.સ્વામીની ભવ્યાતિભવ્ય સ્વાગત યાત્રામાં મધુર સુરાવલી સાથેનું બેન્ડ, સાફાવાળા યુવકો, પૂ.સંતો, કળશવાળા બહેનો, બેન્ડ અને ધજાવાળા યુવાનો અને હજારો હરિભક્તો મોટીસંખ્યામાં જોડાયા હતા.

પ.પૂ.મહંતસ્વામી મહારાજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, અક્ષરવાડીએ પધારતા મંદિરમાં કોઠારી સ્વામીએ ઠાકોરજી અને પૂ.સ્વામીનું પુષ્પહારથી સ્વાગત કર્યુ હતું. મંદિરના ચોકમાં પુષ્પ પાંદડીથી શોભતો માર્ગ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સુંદર ઝળહળતી રોશની અને રંગબેરંગી પુષ્પોથી સમગ્ર મંદિર અતિ શોભતું હતું. પ.પૂ. સ્વામીના સ્વાગતમાં આજે સમગ્ર ભાવનગરની ભાવિક જનતાએ ઉત્સાહપૂર્વક વધામણા કર્યા હતા.

આ પ્રસંગે અનેક હરિભક્તોએ વિશેષ તપ-ઉપવાસ કરીને પણ ગુરૂહરિની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. મહિલા હરિભક્તોએ પણ વિવિધ સેવાઓ કરીને સમર્પણ કર્યુ હતું. બાળકો, કિશોરોએ ભવ્ય સાંસ્કૃતિક નૃત્ય કરીને વિશિષ્ટ સ્વાગત કર્યુ હતું. પ.પૂ.મહંતસ્વામી મહારાજે આશિર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, ભાવનગર શહેર ખૂબ પ્રસાદીનું છે. આ શહેરમાં ભગવાન સ્વામિનારાયણથી લઈ પ્રમુખસ્વામી મહારાજ સુધી દરેક ગુરૂવર્યો પધાર્યા છે. આ સાથે સ્વામીએ પોતાની ભાવનગર સાથેની સ્મૃતિઓનું સ્મરણ કર્યુ હતું અને સૌને સુખી થવાના આશિષ પાઠવ્યા હતા.

Previous articleસગીરા પર દુષ્કર્મ કરનારને આજીવન કેદ
Next articleપેટ્રોલિગ દરમ્યાન પોલીસે ફાયરિંગ કરતા એપલ કંપનીના મેનેજરનું મોત