એશિયા કપ અંડર-૧૯માં ભારતની બીજી જીત

1529

રોહિત શર્માની આગેવાનીમાં ભારતની સિનિયર ક્રિકેટ ટીમે એશિયા કપ ટાઈટલ જાળવી રાખ્યું હતુ, હવે અંડર-૧૯ ટીમ આ ટાઈટલ મેળવવા માટે સ્પર્ધા કરી રહી છે. બાંગ્લાદેશની ભૂમિ પર શરુ થયેલા અંડર-૧૯ એશિયા કપમાં ભારતે યુએઈને ૨૨૭ રનથી કચડી નાંખતા ટુર્નામેન્ટમાં સતત બીજો વિજય મેળવ્યો હતો. ભારતના  છ વિકેટે ૩૫૪ના સ્કોર સામે યુએઈ માત્ર ૧૨૭ રનમાં જ ખખડી ગયું હતુ. ભારતની જીતમાં અમદાવાદના સિદ્ધાર્થ દેસાઈએ અસરકારક દેખાવ કરતાં છ વિકેટ  ઝડપી હતી. ભારતે પ્રથમ મેચમાં નેપાળ સામે ૧૭૧ રનથી આસાન વિજય મેળવ્યો હતો.  ભારત  હવે બીજી ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે રમશે. આજે રમાયેલી અંડર-૧૯ એશિયા કપની બીજી મેચમાં ભારતને આક્રમક શરુઆત અપાવતા દેવદત્ત પડિક્કલ (૧૨૧) અને અનુજ રાવત (૧૦૨)ની જોડીએ ૨૦૫ રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. દેવદત્તે ૧૧૫ બોલમાં ૧૫ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૧૨૧ રન ફટકાર્યા હતા. અનુજે પાંચ છગ્ગા અને ૧૦ ચોગ્ગા સાથે ૧૧૫ બોલમાં ૧૦૨ રન કર્યા હતા.  જેના સહારે ભારતે ૬ વિકેટે ૩૫૪ રન ખડક્યા હતા. યુએઈ તરફથી શરાફુ અને બેન્જામીને ૨-૨ વિકેટ ઝડપી હતી.

Previous article૨૦૧૯ના વર્લ્ડકપ માટે ભારત પ્રબળ દાવેદાર : વસીમ અકરમ
Next articleઓસ્ટ્રેલિયા ખેલાડી રેન શૉને માથામાં બોલ વાગતા ઈજાગ્રસ્ત,મોટી દુર્ઘટના ટળી