બીજી ઓક્ટોબરઃ   ગાંધી વિચારધારા અને આપણે

2171

બીજી ઓક્ટોબર આવવાને એકાદ સપ્તાહનો સમય બાકી હોય ત્યારે રાજકીય નેતાઓ ગાંધીજીનાં પુસ્તકોનો અભ્યાસ કરવા બેસી જાય છે – નહીંતર આમ તો ગાંધીજીનાં પિતાનું નામ કે  જન્મસ્થળ પણ યાદ ન હોય ! ગાંધી જયંતી આવતાં જ ખાદી ભંડારો  ધમધમવા લાગે છે, બાકી આડા  દિવસોમાં ખાદી ભંડારો ધૂળ ખાતા હોય છે. શૈક્ષણિક સંકુલોમાં પણ ગાંધી વિચારધારાનો અદ્દભુત નજરો જોવા મળે છે. વિધાર્થીઓને ગાંધીજી પ્રત્યે પ્રેમ છે માટે તેમનાં જીવન ચરિત્ર નો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી પોતાની કાલીઘેલી ભાષામાં બોલે છે, જ્યારે રાજકીય નેતાઓ પોતે ગાંધીજીનાં જીવનચરિત્રથી વાકેફ છે તેવું પ્રજાને દેખાડવા માટે ગાંધીજીનાં પુસ્તકો વાંચે છે અને તેના વિશે ભાષણો કરે છે. માત્ર ભાષણો જ અને ગાંધીજીનાં નામની જપમાળા ચાલુ કરી દે છે. ગાંધીજીની માફક જ બોલે છે તેને આચરણમાં નથી મૂકતા અને હજારો માણસોની વચ્ચે જીભને છૂટી મૂકી દે છે !  જયારે ગાંધીજી એક જીવંત નેતા હતા, પ્રજાનાં બારામાં વિચાર કરવાની દૂરંદેશી દ્રષ્ટિ ગાંધીજી પાસે હતી. ગાંધીજીએ નાનામાં નાનાં માણસનો વિચાર કર્યો હતો. ગાંધીજી વ્યક્તિ નહીં વિચાર હતા, ગાંધીજી એક શરીર નહીં, સમર્થ મહામાનવ હતાં. ખરે જ ! કરમચંદ ઉત્તમચંદ વેપારીને ત્યાં ગાંધીજી જન્મ્યા ન હોત તો આજે આપણે કયાં હોત ? અને આપણી દિશા અને દશા શું હોત ??

ગાંધીજી મૃત્યુપર્યંત સત્યને જ ઈશ્વર માનતા રહ્યા. તેમનું જીવનસૂત્રઃ ’સત્ય એ જ પરમેશ્વર’ અને મૃત્યુપર્યંત સત્યનાં ઉપાસક બન્યા. અને આ જ સત્યએ તેમને બેરિસ્ટર મોહનમાંથી મહાત્મા ગાંધી બનાવ્યા ! એ જ સત્યએ મોહનને સુટ-બુટ-ટાઈનો ત્યાગ કરી ધોતી પહેરવાં પ્રેરણા આપી ! ઓહ… આ ’સત્ય’ કેવું હશે ? ગાંધીજી ’સત્ય’ વિશે કહેતાં : ’ સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મે નથી અનુભવ્યું. સત્યમય થવાને સારું અહિંસા  એ જ એક માર્ગ છે.’

સત્યનાં ઉપાસક એવાં ગાંધીજીએ ભારતની ગરીબી અને ગુલામી જોઈ ભીષણ પ્રતિજ્ઞા લીધી કે ’ જ્યાં સુધી મારાં દેશમાં સ્વતંત્રતાનો સૂર્ય નહીં ઉગે અને જ્યાં સુધી દરેક ભારતવાસીને ખાવા અન્ન,પહેરવા વસ્ત્ર અને રહેવા મકાન નહીં મળે ત્યાં સુધી હું ત્રીજું વસ્ત્ર ધારણ નહીં કરું.’ સુટ-બુટ-ટાઈ પહેરવાવાળા વકીલે (બેરિસ્ટરે) આવી ભીષણ પ્રતિજ્ઞા લીધી !  બાપુનાં શરીર પર પહેરણ નથી એ જોઇ એક નાનકડાં વિધાર્થીએ બાપુને પૂછ્યુંઃ’ બાપુ તમે શરીર પર પહેરણ કેમ નથી પહેરતા ? ’ બાપુએ કહ્યું : ’મારી પાસે પૈસા ક્યાં છે !’ વિધાર્થીએ કહ્યું : ’ હું મારી માને કહું તે આપને પહેરણ સીવી આપશે. પછી પહેરશોને? ’ બાપુએ કહ્યું : ’ કેટલા સીવી આપશે ?’ વિધાર્થીએ કહ્યું : ’ તમારે કેટલા જોઈએ ? એક…. બે… ત્રણ….’ બાપુ કહે : ’હું કાંઈ એકલો છું ? મારા એકલાથી પહેરાય ? વિદ્યાર્થી કહે : ’ ના એકલાથી તો ન પહેરાય ,તમારે કેટલાને માટે જોઈએ ?’બાપુ કહે : ’ મારે તો ચાલીસ કરોડ ભાઈભાંડુ છે. તારી માતા એ બધાને માટે સીવી આપશે ? એમની પછી મારો વારો આવે !’

ઓહ ગાંધી…વાહ ગાંધી…. ગાંધીના નામનાં રોડ બનાવવાની જરુર નથી, જરુર છે ગાંધીનાં વિચાર પર ચાલવાની ! ’ લગે રહો મુન્નાભાઈ ’ ફિલ્મમાં સંજયદત્ત હૃદય પર હાથ રાખીને બોલે છે ” બાપુ કો યહાં રખના ચાહીએ.”  ’લગે રહો મુન્નાભાઈ ’ ફિલ્મએ યુવાનોમાં ’ગાંધી વિચારધારા’ ને જીવંત કરી. આ ફિલ્મ પછી ઘણા યુવાનો ’દાદાગીરીથી’ ગાંધીગીરી તરફ વળ્યા. દાદાગીરી કરતા ગાંધીગીરી બહેતર છે.

ગાંધીજીએ આદર્શ અને સમૃદ્ધ  ગામડાંની કલ્પના કરી સમૃદ્ધ ભારતનું નવનિર્માણ સમૃદ્ધ  ગામડાં થકી જ છે એ વિચાર વહેતો મૂક્યો. પણ દૂઃખ સાથે કહેવું પડે કે સ્વતંત્ર નવનિર્મિત ભારતમાં તેઓ આપણી સાથે રહ્યા નહીં. આઝાદી પછી દસેક વર્ષ રહ્યા હોત તો ભારતને નવી દિશા આપી સમૃદ્ધ ભારતનું નિર્માણ કર્યું હોત. આઝાદીનાં સાત દાયકા પછી પણ ’ગાંધીનાં સ્વપ્નનું ’ ભારત બનાવવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ. દિન-પ્રતિદિન ગામડાંઓ ભાંગતા જાય છે,તો શહેરોમાં મોંઘવારી, બેકારી જેવી સમસ્યાઓથી તડપતું ભારત સમૃદ્ધ ભારત કયારે બનશે ? વહીવટી તંત્રએ ગાંધીજીનાં પુસ્તકોનો અભ્યાસ કરવાની આવશ્યકતા ઊભી થઈ છે.ગાંધીજીને આફ્રિકામાં અનેકવાર રંગભેદનીતિનો સામનો કરવો પડયો હતો અને ગાંધીજીએ હિંદીઓનું નેતૃત્વ લઈ આ નીતિ સામે લડત આપવાનું નકકી કર્યું.ભારતમાં બોલવામાં થોથવતાં એક બેરિસ્ટર આફ્રિકામાં જઈને ’સત્ય અને પ્રામાણિકતા પર પહેલું પ્રવચન આપ્યું. ગાંધીજી આફ્રિકામાં હતા એ દરમિયાન ભારતમાં પણ અંગ્રેજોનું સામ્રાજ્ય હતું. ગાંધીજી આફ્રિકામાં લડત ચલાવતા તો બીજી તરફ તેમને પોતાના ગુલામ ભારતનો પણ વિચાર આવતો. ગાંધીજીએ આફ્રિકાથી ભારત આવીને ૧૯૨૦ માં અસહકારનું આંદોલન ,૧૯૩૦માં દાંડીકૂચની ચળવળ અને ૧૯૪૨માં હિન્દ છોડો ચળવળો આપી અંગ્રેજોને ભારત છોડવા મજબૂર કર્યા હતા. આ હતા આપણા ગાંધીજી.

બીજી ઓક્ટોબર એટલે માત્ર ગાંધી જયંતિ ઉજવવાનો દિવસ નહીં પણ ગાંધી વિચારધારાને કેન્દ્રિત કરી આત્મસાત કરવાનો પાવન અવસર અને આ અવસરથી જીવનમાં સત્ય, અહિંસા, પ્રામાણિકતા, સદાચાર, સંયમ જેવાં અનેક મૂલ્યોનું ભવ્ય પ્રતિપાદન થાય છે. આવી વિરલ પ્રતિમા, પ્રતિભા આ દેશને મળી છે છતાં પણ આપણે ગાંધીજીને’રોલમોડેલ’બનાવી શક્યા નથી-ખરેખર….સાચે જ ….ભારતીયોએ ગાંધીજીને ’રોલમોડેલ’બનાવવાની જરુર છે. સત્ય અને અહિંસાની મૂર્તિ એવાં ગાંધીજીનાં દેશમાં ક્યારેય સત્ય અને અહિંસાને શસ્ત્ર માનવામાં આવ્યું છે ખરું ?કયારેય સત્યની પુજા કરવામાં આવી છે ખરી ? કોર્ટમાં પણ પુરાવા પર કેસ લડે છે સત્ય પર નહીં !!

એક નૈતિક – સત્ય અવાજ ઉઠે અને આખો દેશ તેને અનુસરે એવો નથી કોઈ રાજકીય પક્ષ કે નથી કોઇ ગાંધીજી જેવાં રાજકીય નેતાઓ..જુદાં જુદાં રાજકીય પક્ષો એકબીજા પક્ષોની કાપાકુપી કરે છે. આથી પ્રજામાં દેશ પ્રત્યેની ભાવના અને વફાદારીનાં દર્શન કયાંથી થાય!? રાજ્કીય નેતાઓ જ એકબીજા પર કાદવ ઉડાડવાવાળા હોય તો એ દેશનું ભલું ક્યાંથી કરવાના??આજે આફ્રિકામાં ગાંધીજીને જેટલા યાદ કરાય છે તેટલા કદાચ…. ભારતમાં નહીં કરાતાં હોય ! વર્તમાન રાજનેતાઓએ કૃષ્ણ અને ગાંધીજીને નજર સમક્ષ રાખી આદર્શ નેતા તરીકે પ્રસ્તુત થવું જોઈએ અને દેશનાં મહત્વનાં પ્રશ્નોની ચિંતા કરવી જોઈએ.

આજે ગાંધીનું ભારત ત્રાસવાદ, નકસલવાદ, સામ્રાજ્યવાદ, જ્ઞાતિવાદ, પ્રદેશવાદ, ઘૂસણખોરી વગેરે જેવાં અનેક વાદોથી ઘેરાયેલું અને લાચાર થઇને બેઠું છે, ગાંધીજીનાં ભારતનાં નેતાઓ લમણે હાથ દઈને બેઠાં છે!આમ કાંઈ થોડું ચાલે ?આમને આમ ચાલુ રહેશે તો ગાંધીજીનાં સ્વપ્નનું ભારત નિર્માણ થશે ખરું ?

આપણે માત્ર ગાંધીજીને ગૌરવ માની બેસી રહીશું અને રાષ્ટ્ર બારામાં જો વિચાર નહીં કરીએ તો ફરીવાર કદાચ વૈચારીક ગુલામ થવાનો વારો આવે તો ના નહીં !! આપણી એક કુટેવઃભૂતકાળને ભવ્ય માની જીવવાની કુટેવ,વર્તમાનને પરિવર્તિત કરવાની જરુર જણાતી નથી અને છતાં આપણે ભૂતકાળને વાગોળતાં વાગોળતાં જીવીએ છીએ…. કયાં સુધી ?વર્તમાન નથી સુધારવો ?સ્વામી વિવેકાનંદે કહેલું કે ’ આપણે ભૂતકાળની સમૃદ્ધિ ભોગવીએ, વર્તમાનનાં જ્ઞાનને આવકારીએ અને તેવી રીતે ભવિષ્યનાં પ્રકાશને ઝીલવા માટે આપણા હૃદયકમળ ખુલ્લા રાખીએ. આપણે ભૂતકાળને વંદીએ અને ભવિષ્યને વંદવા માટે તત્પર રહીએ ’ય્િીટ્ઠં ંરૈહૌહખ્ત-ક્યા બાત હૈ….. હૃદયમાં જોમ સંક્રાંત કરી હું કરી શકું છું-હું બની શકું છું જેવી તેજસ્વી વાગ્ધારા સ્વીકારી મારાથી કશું જ નહીં થાય જેવી માયકાંગલી વિચારધારાને જાકારો આપવો જ પડશે.    ગાંધીજીની માફક આપણે પણ અન્યાય સહન ન જ કરવો જોઈએ. ગાંધીજીએ ક્યારેય કોઈને અન્યાય કર્યો નથી અને બીજાનો અન્યાય સહન કરવાનો નહીં જેવી નીતિ અપનાવી રંગભેદનીતિ અને સ્વતંત્રતા પ્રાપ્તિની લડત આપી.

બીજી ઓક્ટોબરે સૌ ભારતીયો સાથે મળી રાષ્ટ્ર સામેની જે સમસ્યાઓ-પડકારો છે તેને હલ કરવા માટે આપણે લડત આપવી પડશે. દરેક માનવી પોતાનું આંગણુ વાળી નાખે એટલે આખો દેશ સાફ….દેશ સુધારવો એ ભ્રાંતિ છે જ્યારે પોતે સુધરવું એ ક્રાંતિ છે. આપણે વિચારીશું તો આખું ભારત વિચારશે ! એ તલવારની ધાર જેવું સત્ય છે.

‘ખાટું – મીઠું ’

સત્યને એટલે ઈશ્વરને છોડીને હિન્દુસ્તાનનું ભલું નથી ચાહતો. કારણ મને વિશ્વાસ છે કે જે માણસ ઈશ્વરને ભૂલી શકે છે તે દેશને ભૂલી શકે છે, માતાપિતાને ભૂલી શકે છે, પત્નીને ભૂલી શકે છે !

-મો.ક.ગાંધી (નવજીવન ૨૬-૧૦-૧૯૨૬)

Previous articleરાજુલા પીજીવીસીએલની બેદરકારીથી કચેરીએ પ ગામના ખેડૂતોનો ઘેરાવ
Next articleપૂ. મોરારિબાપુની પ્રાગટય ભુમિ પર ગવાશે રામકથા