ડોલર સામે રૂપિયામાં જોરદાર કડાકો  ૭૩.૩૪ની ઐતિહાસિક નીચી સપાટીએ

777

ભારતીય રૂપિયામાં ઘટાડાનો દોર સમાપ્ત થવાનું નામ નથી લેતો. ગઈકાલે બજાર બંધ રહ્યા બાદ આજે રૂપિયો અત્યાર સુધીના સૌથી નિચલા સ્તરે પહોંચી ગયો છે. અત્યારે રૂપિયો ડોલરના મુકાબલે ૭૩.૩૪ ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. અત્રે નોંધનીય છે કે, રૂપિયો પહેલીવાર ૭૩ની સપાટી પાર કરી ગયો છે. રૂપિયામાં આ ઘટાડાનું મુખ્ય કારણ ક્રૂડ ઓઈલના વધતા ભાવને ગણવામાં આવે છે. ઘટતા રૂપિયાની અસર શેરબજાર પર પડી છે. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૨૭૪ પોઈન્ટ ઘટીને ૩૬૨૫૧ અને નીફટી ૯૭ પોઈન્ટ ઘટીને ૧૦૯૧૦ ઉપર ટ્રેડ કર્યું હતુ. ડોલર સામે રૂપિયો તૂટતા હવે મોંઘવારીનો રાક્ષસ બિહામણી રીતે ધૂણે તેવી શકયતા છે.રૂપિયો સોમવારે ૭૨.૯૧ ઉપર બંધ થયો હતો. ગાંધી જયંતિની કારણે કરન્સી માર્કેટ બંધ હતી. આજે ડોલરના મુકાબલે રૂપિયો ૩૩ પૈસાના ઘટાડા સાથે ૭૩.૨૪ પર ખૂલ્યો હતો જે અત્યાર સુધીનુ સૌથી નિચલુ સ્તર છે. આ લખાય છે ત્યારે ડોલર સામે રૂપિયો ૭૩.૩૪ ઉપર ટ્રેડ કર્યો હતો.

રૂપિયો ૭૩ની ઉપર ચાલ્યો જતા હવે મોંઘવારી વધશે. ક્રૂડના ભાવ વધવા, ટ્રેડ વોર, ચાલુ ખાતાની ખાધ વધવાની આશંકા, ડોલરમાં મજબુતી, ઘરેલુ સ્તર પર નિકાસ ઘટવા જેવી બાબતોને કારણે રૂપિયો સતત દબાણમાં રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સતત વધી રહ્યા છે. ક્રૂડ ૮૫ ડોલરને પાર કરી ગયુ છે. આવતા દિવસોમાં ડોલરના મુકાબલે રૂપિયો ૭૫ ડોલરનુ સ્તર સ્પર્શ કરે તેવી શકયતા છે.ડોલરના મુકાબલે રૂપિયામાં નરમાશ અને ક્રૂડ મોંઘુ થતા ઘરના બજેટમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ચીજવસ્તુઓ ધીમે ધીમે મોંઘી થવા લાગી છે.

Previous articleરાફેલ સમજૂતિને લઇ મોદી સરકારને હવાઈદળનો ટેકો
Next articleબોર્ડ પરીક્ષા માટે ૨૦મીથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ