સંવેદનાની સંપત્તિનો સમૃદ્ધ માલિક ઉત્તમ રાજવી પૂરવાર થાય છે

1078

પૂર્વે વંદનપુર રાજ્યમાં એક રાજા રાજ્ય કરતો હતો. તે ભારે સંવેદનશીલ રાજવી હતો. પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી. તેમણે પ્રજાના દિલ જીતી રાજ્યનો વિસ્તાર વિસ્તાર્યો હતો.તે રાજ્ય વિસ્તાર માટે કદી યુદ્ધ કે લડાઈને મહત્ત્વ આપતો નહીં. પરંતુ જે તે વિસ્તારની પ્રજાની સમસ્યાઓનો તલસ્પર્શી અભ્યાસ કરી તેના સુચારુ ઉકેલનો ઉપાય કરી આપવાની જે તે વિસ્તારના રાજા કે પ્રજાને ખાતરી આપી પોતાના સામ્રાજ્ય સાથે જોડવા આમંત્રણ આપતો. આમંત્રણ સ્વીકારનાર રાજ્યને તેના સઘળા લાભ આપી  તે રાજ્યની પ્રજાને પણ પોતીકી બનાવી ઉત્તમ સંવેદનશીલતાના દર્શન કરાવી સફળ રાજવીની પ્રસિદ્ધિ તેમણે મેળવી હતી.

છેલ્લા ૧૨ વર્ષથી વંદનપુર  રાજ્યમાં  વરસાદનું એક ટીપું પણ પડ્યું ન હતું. ભારે દુષ્કાળ વચ્ચે પ્રજાને જીવન ગુજારો ચલાવવો મુશ્કેલ થઈ પડ્યો હતો.આકુળ-વ્યાકુળ બનેલી પ્રજાને જોઈ રાજા ભારે દુઃખી થઈ જાય છે. ઠેરઠેર રામધૂનના કાર્યક્રમ યોજે છે.  ઉપવાસ, એકટાણાં જેવા અનેક ઉપાયો કર્યા પછી પણ વંદનપુરમાં એક પણ વાદળ દેખાતું નથી. ધોમ ધખતા તાપ વચ્ચે વૃક્ષો પણ સુકાવા લાગે છે. હવે પ્રજા દિવસે-દિવસે ભૂખમરાના કારણે મૃત્યુ પામવા લાગે છે. આ બધી પરિસ્થિતિ નિવારવા અને તેના સુચારુ ઉકેલ માટે રાજા દેશ-વિદેશનાં વિદ્વાનો, વેપારીઓ અને નગરજનોની એક બેઠક બોલાવે છે. સભામાં ઉપસ્થિત સૌ કોઈને આવકારી સંવેદનશીલ રાજવી યજ્ઞપંથ બોલી ઊઠે છેઃ ‘વિદ્વાન મિત્રો, છેલ્લા દસ-બાર વર્ષથી મેઘરાજા રિસાયા છે. પશુ-પંખી અને નગરજનોની જિંદગી દોહ્યલી બની છે ત્યારે આ લોકોને જીવતા રાખવા આપણે શું કરી શકીએ? એક વણિક વેપારી ઊભા થઇ બોલી ઊઠે છે : ‘પ્રજાવત્સલ મહારાજ યજ્ઞપંથને મારા વંદન. મારી પાસે અઢળક સંપત્તિ છે. જે પ્રજાના કલ્યાણ માટે હું આપના ચરણમાં અર્પણ કરું છું.’ બીજા નાના-મોટા વેપારીઓ પણ આ વણિક વેપારીની જેમ પોતાની થોડી ઘણી સંપત્તિ પ્રજાના હિત માટે રાજાને અર્પણ કરવા તૈયાર થાય છે. તેમ છતાં રાજ્ય વિસ્તાર મુજબ આ જાહેર થયેલી રકમ પૂરતી ન હતી. તે જોઈ રાજા યજ્ઞપંથ બોલી ઊઠે છે : ‘હું પણ આ વેપારીબંધુઓ દ્વારા પ્રજાના કલ્યાણ માટે શરૂ કરવામાં આવેલ અર્પણ યજ્ઞમાં મારું યોગદાન આપીશ. રાજમહેલ, રાણીવાસ, રોકડ તથા સુવર્ણમુદ્રા અને દરેક આભૂષણ, સુવર્ણ સિંહાસન, ગગનભેદી કિલ્લા સહીતનું બધું જ પ્રજાના કલ્યાણ માટે, પ્રજાની જીવાદોરી માટે અર્પણ કરું છું. તાબડતોબ આ બધી સંપત્તિની હરાજી કરવા ઢંઢેરો પીટવા મારો આદેશ છે. આ કાર્યમાં આપણે વધુ સંપત્તિનું મૂલ્ય પ્રાપ્ત થાય તેવા હેતુસર આજુબાજુના રાજ્યનાં રાજાને આમંત્રિત કરવા નિર્દેશ છે. સાંભળી સભાના લોકો અવાક બની જાય છે.  હિંમત કરી કોઈ વિદ્વાન મહાશય બોલે છેઃ ‘યજ્ઞપંથ મહારાજના ચરણોમાં મારા વંદન. ક્ષમા કરજો.  આપ આ બધી સંપત્તિ અર્પણ કરી જીવન શી રીતે જીવશો?  તે કૃપા કરી જણાવો, પછી જ આ અંગે ચર્ચા થઇ શકે.’  સાંભળી રાજા યજ્ઞપંથ નમ્રભાવે કહે છે : ‘હું ઘાસની ઝૂંપડી બનાવીને રહીશ.  તે પણ નહીં મળે તો સૂકા પર્ણ શોધીશ.  તે પણ નહીં મળે તો નદીની ભેખડમાં આશ્રય લઇ મારો જીવન નિર્વાહ ચલાવીશ. જે કંઈ વનફળ મળશે તે  એક વખત આરોગી દિવસ પૂરો કરીશ. આવા સમયે પ્રજાને લૂંટી સત્તાના સિંહાસન પર બિરાજમાન થઇ રાજ ચલાવવું તે ઘોર પાપ છે. મારી સંપત્તિમાંથી જે કંઇ ધન મળે તે પ્રજા સુધી પહોંચતું કરવાનો પણ મારો આદેશ છે.’

આપણે જોયું સંવેદનશીલ રાજવી કેવી ઉમદા વિચારધારા સાથે  રાજ્યની પ્રજાનાં કલ્યાણ માટે પોતાએ મેળવેલી સંપત્તિનો ઉપયોગ કરતા હોય છે.  જ્યારે સત્તાના લાલચુ સત્તાધીશો પોતાને મળેલી ખુરશીનો, પોતાને મળેલી સત્તાનો આડેધડ  ગેર ઉપયોગ કરતા હોય છે.  સંવેદનાથી સમૃદ્ધ રાજવી  પોતાની ખરી સત્તાનો માલિક બને છે. આવા પ્રત્યેક માલિક શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં કહ્યા મુજબ ઈશ્વરનો અવતાર છે. પરંતુ જેઓ આવી સત્તાનો ગેર ઉપયોગ કરે છે તેઓ શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં કહ્યા મુજબ ઈશ્વરરૂપી વિનાશક શક્તિ છે. સર્જન અને વિસર્જન એક સિક્કાની બે બાજુ હોવા છતાં સર્જન ચડિયાતું કહેવાય છે.  તેથી પ્રત્યેક મનુષ્યે આ ઉક્તિને વધુ ધ્યાનમાં લઇ સર્જનશીલ  બનવા સંવેદનાની પારાશીશી મેળવવી રહી.  સંવેદના સમાજનો સેતુ છે. તેના વડે સમાજ જોડાઈ છે.

આવી એક સંવેદનામૂર્તિ કે જેઓએ અનેક સામાજિક પ્રતિકૂળતાઓને પરાસ્ત કરી પોતાની પ્રજ્ઞારૂપી તીવ્ર દૃષ્ટિ વડે પ્રજ્ઞાચક્ષુ બહેનોની પ્રગતિ માટે નવી કેડી-કંડારી એવા શ્રી મુક્તાબેન. મુક્તાબેનનો જન્મ ૦૨ જુલાઈ ૧૯૬૨ નાં રોજ અમરેલી જિલ્લાના નાના આંકડિયા ગામમાં ખેડૂત પાટીદાર પરિવારમાં થયો હતો.  બાલ્યાવસ્થામાં જ તેમણે આંખોના નેત્ર ગુમાવ્યા. ભાવનગરમાં આવેલી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. તેમજ ઉચ્ચ અભ્યાસનું શિક્ષણ અને પ્રજ્ઞાચક્ષુઓના શિક્ષકો માટેના તાલીમી એક વર્ષનાં ડિપ્લોમા અભ્યાસનું શિક્ષણ તેમણે અમદાવાદમાં મેળવ્યું. યુવા અવસ્થામાં અમરેલીની શાળામાં તેઓ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયાં. દેશભરમાં શાળા માટે દાતાઓનો સંપર્ક કરી માતબર ફંડ એકત્રિત કરી શાળાના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. આ દરમિયાન તેમણે ટ્રસ્ટી મંડળમાં સહમંત્રી તરીકે સેવા આપી પ્રજ્ઞાચક્ષુઓના સર્વાંગી વિકાસ માટેની અનેક પ્રવૃત્તિઓને વેગ આપવા પ્રયત્નો હાથ ધર્યા. નવી પ્રાથમિક શાળા પણ તેમના સક્રિય પ્રયાસોના કારણે શરૂ કરવાનું શક્ય બન્યું. આ દરમિયાન તેઓ વર્ષ ૧૯૯૪ માં શાળાના માધ્યમિક વિભાગના આચાર્યશ્રી પંકજભાઈ ડગલી સાથે લગ્નગ્રંથિએ જોડાયાં. આ દંપતીએ પ્રજ્ઞાચક્ષુ બહેનોના ઉત્થાન માટે સુરેન્દ્રનગર ખાતે પ્રજ્ઞાચક્ષુ સેવાકુંજ નામની સંસ્થાની શરૂઆત કરી. જેમાં આજે ૨૦૦થી વધુ પ્રજ્ઞાચક્ષુ બહેનો એક યા બીજા પ્રકારની સેવાઓ મેળવી રહી છે. શ્રી મુક્તાબેનના પ્રયત્નથી શરૂ કરાયેલ આ સંસ્થામાં કોઈ પણ ઉંમરની પ્રજ્ઞાચક્ષુ બહેનોને પ્રવેશ આપવામાં આવે છે. તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓનો અભ્યાસ કરી તેને વિશેષ રીતે તાલીમબદ્ધ કરવામાં આવે છે. આવી તાલીમ પામેલી પ્રજ્ઞાચક્ષુ બહેનોને યોગ્ય મુરતિયો શોધી આપી લગ્ન કરી આપવામાં આવે છે. કોઈ પણ દીકરીના લગ્ન પ્રસંગે આ દંપતી માતા-પિતા બની ઘરની સંપૂર્ણ ઘરવખરી સાથે કન્યાદાન આપે છે. એટલું જ નહીં તેના દરેક પ્રસંગે તે માતા બની પ્રસૂતા સુધીના તમામ કાર્યો કરી રહ્યાં છે. આજ સુધીમાં તેમણે અનેક પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને આ રીતે સ્થાપિત કરી છે. આર્થિક રીતે તેનો હિસાબ લગાવીએ તો તેમણે આવી દીકરીઓને લગ્ન પ્રસંગે કરોડો રૂપિયાનો કરિયાવર કર્યો છે. જે દીકરી પોતાની જાતે દિનચર્યા કરી શકતી ન હોય તેના મળમૂત્ર ઉપાડવા સહિતના કામ જે રીતે મુક્તાબેન આજે કરી રહ્યાં છે તે જોતા તેને વિશ્વનો શ્રેષ્ઠ નોબલ પુરસ્કાર આપવામાં આવે તો તે પણ તેમની આ સેવા માટે ઊણો ઊતરે તેવું તેમનું કામ છે. મુક્તાબેનને જીવતી-જાગતી સંવેદનાની મૂર્તિ કહી શકાય. તેને મળવાની અને તેમની આ પ્રવૃત્તિ જોવાની તક મને ઘણી વખતમળી છે, એના કરતાં તેમના વિશે લોકો જે ચર્ચા કરી રહ્યાં છે તે જ્યારે મારા કાન સુધી વાત પહોંચે છે ત્યારે હું તેના જવાબમાં એટલું જ કહું છું કે-‘મુક્તાબેન પ્રજ્ઞાચક્ષુઓની મધર ટેરેસા છે.’ વર્તમાન સમયમાં જેમની સેવા નિર્વિવાદ અને પ્રસંશનીય છે એવા મુક્તાબેન ડગલીની કામગીરીના અનેક પ્રસંગો અહીં ટાંકવા જેવા છે, પરંતુ એમાંનો એક પ્રસંગ હું સંક્ષિપ્તમાં નોંધવા ઇચ્છું છું.

૨૦૧૧ માં એકવાર મારે સુરેન્દ્રનગર પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજની મુલાકાતે જવાનું થયું. ત્યારે શ્રી મુક્તાબેન ડગલીનાં ખોળામાં બેઠેલી સંપૂર્ણ અંધત્વ ધરાવતી લગભગ ચારેક વર્ષની દીકરીનો પરિચય થયો. આ દીકરી મુક્તાબેનને મમ્મી કહીને બોલાવતી હતી. માતા સાથે બાળક જે લાડ કરે તેવા જ લાડ સાથે તે વર્તી રહી હતી. જ્યારે એ દીકરી વિશે મને જાણવા મળ્યું ત્યારે ખબર પડી કે મુંબઇમાંથી મળી આવેલી કોઈ અનાથ આ અંધ દીકરી હતી. તેને કોઈ કચરાપેટીમાં ફેંકી ગયું હતું. પોલીસે સંભાળ લઇ જરૂરી કાર્યવાહી બાદ આ દીકરીને સંભાળવા માટે પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજમાં મુક્તાબેનને સોંપી હતી.  ત્યારથી જ તેઓ આ દીકરીનો ઉછેર કરી રહ્યાં હતાં. તેથી દીકરીની સમજ એવી જ હતી કે તેની  માતા મુક્તાબેન જ છે.  આવો જ એક બીજો પ્રસંગ ત્યારે મને એ પણ જોવા મળ્યો, અમે બહેનોનાં છાત્રાલયમાં મુક્તાબેન સાથે સંસ્થાની સગવડ નિહાળી રહ્યાં હતા.  દરમિયાન લગભગ ૬૫ વર્ષના સાવ  મંદબુદ્ધિ ધરાવતા એક અંધ માજી જોયાં. જેનો  ઝાડા-પેશાબ પર પણ કાબૂમાં ન હતો. મંદબુદ્ધિ હોવાથી વર્તનની પણ ઘણી સમસ્યાઓ હતી, પરંતુ મુક્તાબેન આ માજીની અંગત ખૂબ કાળજી લઇ રહ્યાં હતાં.  તેઓ શાંતિથી માજી સાથે વાત કરે, તેને ભાવતી વાનગી જમાડે અને તેની સફાઈની કાળજી પણ રાખે. આ બધી બાબતમાં નવાઈની વાત એ છે કે મુક્તાબેન ડગલી પોતે પણ સંપૂર્ણ અંધ છે. તેથી આ બધા કામ તેમને હાથના સ્પર્શ વડે જ કરવા પડે.  તેથી તેમના માટે આ ઘણું કપરું ગણાય. તેમ છતાં કોઈ પણ પ્રકારની સૂગ રાખ્યા વગર તેમને આ કામ કરતાં જોઈ મને તો એવું જ લાગતું હતું કે- ‘તેઓ કોઈ ઈશ્વરીય અવતાર છે.’ જે રીતે શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં કહ્યું છે કે- ‘ માણસમાં બુદ્ધિ હું છું’ તે જ વાતને હું આગળ લઇ જાઉં તો મારે કહેવું છે કે-સંવેદનાની જો કોઈ પ્રતિકૃતિ હોય, કોઈ મૂર્તિ હોય તો તે મુક્તાબેન ડગલી છે. આ સેવાનિષ્ઠ દંપતીને મારા શત શત વંદનપ

Previous articleચપટી ભરી ચોખાને ઘીનો છે દિવડો, મીંઢળની જોડ લઈને રે….
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે