થોડી નાની સાવધાની : ગંભીર બિમારીઓ ભાગવાની

1407

બાળક માટે અભ્યાસની સાથે રમત ગમત, ધમાલ-મસ્તી (પ્રમાણસર) પણ એટલી જ જરૂરી છે. બાળક આળસુની માફક પડ્યું રહે, વાંચ્યા કરે, ટીવી વગેરે જોયા કરે, જરા પણ રમતગમત રમે નહીં તે બાળક પોચટ, ઢીલુ અને ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતું થશે. પડ્યા પડ્યા કટાઈ જવા કરતા ખેલતા ખેલતા પડી જવા સાથે ઘસાયેલ અને કસાયેલ શરીર બનાવવું ઘણુ બધુ સારૂ છે.
રમત ગમત, ધીંગા-મસ્તી વખતે પડવું… આખડવું… વાગવું વગેરે સામાન્ય બાબત છે. આવી નાની મોટી ઈજાઓ થતી જ રહે છે. તેથી ઘર, શાળા, કોલેજ, હોસ્ટેલ વગેરેમાં સંપૂર્ણ ફર્સ્ટ એઈડ બોક્સ રાખવું (પ્રાથમિક સારવાર બોક્ષ કે કીટ) અને તેના ઉપયોગમાં સામાન્ય જાણકારીથી યોગ્ય સારવાર તાત્કાલિક મળવાથી સામાન્ય ઈજાઓ ગંભીર ઘા બનતી અટકે છે. ક્યારેક ગંભીર સ્થિતિમાં પણ ફર્સ્ટ એઈડ ઘણી બધી મદદરૂપ બને છે. ફર્સ્ટ એઈડ બોક્સમાં કોટન (રૂ), વાગેલ ઘા પર લગાડવા માટે ગોઝપીસ, બેન્ડ-એડ, કાતર, એન્ટીેસેપ્ટીક, થર્મોમીટર, નાનકડી ટોર્ચ, ઓઆરએસનું પેકેટ, તાવ, શરદી, ખાંસી, ઝાડા, ઉલ્ટી માટે ડોક્ટરની સલાહ મુજબ કેટલીક સામાન્ય દવાઓ રાખવી. સમયાંતરે આ બધાની ચકાસણી, શુધ્ધી, એક્સપાયરી ડેટ વગેરે તપાસતા રહેવું. ફર્સ્ટ એઈડ બોક્ષ એવી જગાએ રાખવું કે જલ્દીથી મળી જાય અને બધાને તેની જાણ હોય.
ઈજા થાય ત્યારે :- ઉઝરડા, છોલાવું, કાપો પડવો. વગેરે નાની નાની રોજીંદી બાબતો છે. સામાન્ય ઈજા માટે જે તે ભાગને એન્ટીસેપ્ટીકથી સાફ કરવો, ગોઝપીસ મુકી, કોટન (રૂ) મુકીને પછી પટ્ટી લગાવી દેવી. ધારવાળી વસ્તુથી કાપો પડ્યો હોય છોલાયું હોય તો બેન્ડ-એઈડ લગાડવી. આ બેન્ડ-એઈડમાં દવા લાગેલી જ હોવાથી એન્ટીબાયોટીક ક્રીમની જરૂર નથી. જો ઘા વધુ ઉંડો હોય તો ટાંકા લેવા માટે નિષ્ણાંતને મળતા પહેલા પ્રેશર બેન્ડેજ બાંધી દેવો. જેથી લોહી ઓછું વહે. વાગેલ ચીજ લોખંડની હોય તે ગમે તે હોય ધનુર વિરોધી (ટીટી) ઈન્જેક્શન તબીબી સલાહ મુજબ જરૂર લેવું.
દાઝી જવાય ત્યારે :- ગરમ પાણી કે તેલ, વ્હીકલના સાયલન્સર, ઈસ્ત્રી કે સગડી, સ્ટવ, ગેસચુલાને અજાણતા અડી જવાથી દાઝી જવાય છે. આવે વખતે દાઝેલા ભાગ પર ઠંડુ પાણી જલ્દીથી અને સતત રેડ્યા કરવું. ત્યાર પછી જ એન્ટીસેપ્ટીક મલમ લગાવી દાઝેલો ભાગ ખુલ્લો રાખવો. ફોડલા થાય તો તેને અડકવું નહીં. ધનુર વિરોધી રસી (ટીટી) મુકાવવી.
નાકોરી (નસ્કોરી) ફુટે ત્યારે :- ઉનાળામાં તેનું પ્રમાણ વધુ હોય છે. દર્દીને આવે વખતે સીધા બેસાડીને નાકને હળવેથી દબાવી મોઢેથી શ્વાસ લેવાનું કહેવું. કપાળ, માથા પર ભીનો રૂમાલ મુકવો. તાળવા પર ઠંડુ પાણી રેડવું. ૧પ-ર૦ મીનીટમાં લોહી નિકળવું બંધ ના થાય તો તાત્કાલિક ડોક્ટરને ત્યાં જવું.
હૃદયરોગ, બી.પી. મેદકાય વગેરે માટે મોંઘા શિંગતેલના બદલે (વિકલ્પે) ખુરસાણીતેલ (રામતલ)નો ઉપયોગ સ્વાસ્થ્યપ્રદ, સસ્તો, સ્વાદિષ્ટ
ખુરસાણી તેલ (નાઈઝર સીડ) હાર્ટ માટે હલકું (ઓછી ફેટવાળું) છે. ગુજરાતમાં માત્ર ડાંગ જિલ્લામાં જ આદિવાસીઓ તે વાપરે છે. તેઓને હાર્ટ એકેટ ખૂબ ઓછા પ્રમાણમાં આવે છે. તેઓ ભાગ્યે જ મેદકાય (ઓબેઝ) હોય છે. આ તેલ પ્રમાણમાં સસ્તુ અને સ્વાદિષ્ટ હોવાથી આગામી વર્ષોમાં તેનું વાવેતર વધશે. (અન્ય જિલ્લાઓમાં પણ) અને આરોગ્ય ચાહકો માટે તે ઉપયોગી પુરવાર થશે તેવી આશા રાખીએ. આ તેલ બાબત તબીબી શાસ્ત્ર વધુ પરિક્ષણો અને પૃથક્કરણ (એનાલીસીસ) કરી રહ્યું છે. જેથી આગામી વર્ષોમાં ખુરસાણી તેલની ફરસાણી વાનગી સ્વાદપ્રિય ગુજરાતીઓને ચાખવા મળે તેવી અભ્યર્થના.
નોંધ :- ઓલીવ ઓઈલ પણ ઘણુ ઉપયોગી છે. પણ ખૂબ જ મોંઘુ છે. માત્ર અમીરો જ ખરીદી શકે. જ્યારે સોયા તેલ ઉત્તમ હોવા છતાં સ્વાદમાં ઘણાને ફાવતું નથી. માટે આગામી વર્ષોમાં ખુરસાણી તેલ મેદાન મારી લોકોના દિલ જીતી લેશે !!